સંગીત કોમ્યુનિકેશનનું સર્વશ્રેષ્ઠ સાધન: યુવાનોને હિલોળા લેવડાવતું ‘હેલ્લારો’ની સ્ટારકાસ્ટ ‘અબતક’ના આંગણે

496

નેશનલ એવોર્ડ વિજેતા ‘હેલ્લારો’ ફિલ્મનાં કલાકારો બન્યાં ‘અબતક’ના મહેમાન: રાજન ઠાકર, કિશન, ડેનિશા ઘુમરા, શ્રદ્ધા ડાંગરે વર્ણવ્યા અદભુત અનુભવો

૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે વિજેતા ઘોષિત થયેલ ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નો લોન્ચ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ફિલ્મના નિર્માતા નિર્દેશક, ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની કલાકારોએ પણ હાજરી આપી હતી. સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિક્સ પ્રસ્તુત “હેલ્લારો”ને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર ૧૩ અભિનેત્રીઓને સાર્વત્રિક રીતે સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એકટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. સુવર્ણ કમળ અને રજત કમળ. આ બંને એવોર્ડ જીતનાર હેલ્લારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. આઈએફએફઆઈના જ્યુરીએ આ નવેમ્બર, ૨૦૧૯ માં ગોવામાં યોજાનારા ભારતના ૫૦ માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ઓપનિંગ ફિલ્મ તરીકે “હેલ્લારો” ની પસંદગી કરી છે. આ ફિલ્મ ૮ નવેમ્બર ૨૦૧૯ના રોજ સિનેમાં ઘરોમાં રિલીઝ થશે.

હેલ્લારો એ એક પિરીયડ ડ્રામા જે ગુજરાતના લોક-નૃત્ય સ્વરૂપ, ગરબા પર આધારિત છે. આ વાર્તામાં ૧૩ થી વધુ અભિનેત્રીઓ સાથે મહિલાઓની આત્મ-અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કચ્છ જિલ્લાના વિશાળ રણની મધ્યમાં આ ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ ફિલ્મમાં ૧૯૭૫ ના સમયની કચ્છી સંસ્કૃતિ, ત્યાંના લોકોનો આબેહુબ પરિવેશ અને પહેરવેશ જોવા મળશે. આ ફિલ્મમાં ૪૫૦ થી વધારે કચ્છના ભાતીગળ પહેરવેશ એટલેકે ફિલ્મનાં કોસ્યુમ તૈયાર કરવામાં આવ્યા છે તથા આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ઉનાળામાં ૩૫ દિવસ સુધી કચ્છમાં કરવામાં આવ્યું હતું.

ફિલ્મના નિર્દેશક અભિષેક શાહ ગુજરાતી ફિલ્મોના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર છે અને ઘણા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે. તેઓએ ફિલ્મને એવોર્ડ મળ્યા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જયારે હું ફિલ્મની વાર્તા વિષે વિચારતો હતો ત્યારે શરદપૂનમ ચાલતી હતી અને વાર્તાની પૃષ્ઠભૂમિ આપણું લોકનૃત્ય ગરબા જ હતું એટલે આ ફિલ્મ બનાવવાનો વિચાર હકીકતમાં પરિણમ્યો. આ ફિલ્મમાં અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સહીત ૧૨ મહિલા કલાકારો અને જયેશ મોરે તથા આર્જવ ત્રિવેદી મુખ્ય અભિનેતાઓ છે. હિન્દી ફિલ્મ “૧૦૨ નોટ આઉટ ના લેખક સૌમ્ય જોશી આ ફિલ્મના સંવાદ લેખક અને ગીતકાર છે. ફિલ્મનું સંગીત મેહુલ સુરતીનું છે.

 

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારો માટે બહુ મોટો સ્કોપ: ડેનિશા ઘુમરા

રાધા નામનું પાત્ર ભજવનાર ડેનિશા ઘુમરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ મુળ જામનગરનાં છે. તેઓ આ ફિલ્મમાં કામ કરી એક સિંગલ ઘટના સાથે જોડાયા અને હેલ્લારો ફિલ્મને ખુબ જ એન્જોય કરી. ૩૫ દિવસ સેટ પર કામ કરી કંઈક અલગ જ અનુભવ કર્યો હોવાનું ડેનિશા ઘુમરાએ જણાવ્યું હતું. ગરબે રમવાના શોખીન ડેનિશા ઘુમરા બાળપણમાં પણ નવરાત્રીમાં નવ દિવસ ગરબે રમતા અને તેઓને ગરબા રમવાનો મોટી સ્ક્રીન પર ચાન્સ મળ્યો તે તેના માટે ખુબ જ ગર્વની વાત છે. આ ફિલ્મમાં ગરબાએ બધો જ મેસેજ આપ્યો છે. આગામી તેઓ નેવરલેન્ડ વેબ સીરીઝમાં કામ કરશે. ગુજરાતી ઈન્ડસ્ટ્રી વિશે તેઓ જણાવે છે કે, આ ઈન્ડસ્ટ્રીમાં કલાકારો માટે બહુ મોટો સ્કોપ છે. સાચી મહેનત કરે તેમની પાસે ચોકકસ ઓપોર્ચ્યુનીટી આવે છે.

પોતાની કેરીયરમાં મમ્મીનાં સપોર્ટને મહત્વનો ગણાવતી શ્રદ્ધા ડાંગર

મમ્મીનાં સપોર્ટથી આગળ વધેલા શ્રદ્ધા ડાંગરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓને નાનપણથી જ એકટીંગમાં બહુ રસ હતો. તેઓએ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ પણ પોતાના રસને પરીપૂર્ણ કરવા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાયા. ખાસ કરીને શ્રદ્ધા ડાંગરને પહેલેથી જ આ માટે તેમનાં મમ્મીનો સપોર્ટ મળતો આવ્યો છે. રાજકોટમાં ઓડિશન હોય આ માટે શ્રદ્ધાનાં મમ્મીએ જ ઓડિશન આપવા પ્રેરણા આપી. તેઓનાં પિતાનો પણ તેમની કેરીયર માટે સપોર્ટ મળ્યો છે. તેઓ જણાવે છે કે, કલાકારો પાસે સારી ઓપર્ચ્યુનીટી આવે અને તેઓ સારી મહેનત કરે તો ચોકકસ સફળતા મળે જ છે. તેઓ સ્કુલ સમયથી જ ગરબામાં રસ ધરાવતા હતા. આ ફિલ્મનાં ગરબા વિશે તેઓ કહે છે કે, પહેલા દર્શકોને તાન પણ ચડાવે છે અને ઈમોશનલ પણ ફિલીંગ આપે છે. ઈતિહાસ સર્જનાર આ ફિલ્મ એકદમ સાચી અને સચોટ છે.

ફિલ્મની સાથે સાથે સ્ટેજ સાથે આજીવન જોડાયો રહીશ: કિશન

ફિલ્મમાં અદભુત પાત્ર ભજવનાર કિશને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓએ સૌપ્રથમ કોલેજનાં સમયગાળા દરમિયાન નાટક ભજવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીમે-ધીમે આગળ વઘ્યા. તેઓ જણાવે છે કે, થીયેટર કરવું એ એક રીયાઝ છે અને તેઓ થીયેટરને હંમેશા પકડી રાખવા માંગે છે. આ ફિલ્મમાં તેઓનો સૌથી અદભુત અનુભવ રહ્યો છે. તેઓ માને છે કે જીવનનાં લીસ્ટમાં લખાયેલા કામોમાંથી ફિલ્મ બાદ એક કામ પુરુ થઈ ગયું. તેઓ જણાવે છે કે, આ ફિલ્મમાં ગરબાથી લોકોને કનેકટ કરાયા છે.

ફિલ્મના દરેક પાત્રો કંઇક અલગ રીતે ભજવાયા: રાજન ઠાકર

રાજન ઠાકરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મનાં ડાયરેકટર અભિષેક શાહને ૩ વર્ષ પહેલા આ પ્રકારની ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો અને વાર્તા લખી. તેઓની ડાયરેકટર તરીકે ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મનાં તમામ કલાકારોનું ગરબા રમી શકવાના આધારે સિલેકશન થયું છે. આ ફિલ્મમાં રાજન ઠાકરે ગામનાં મુખી એટલે રણમલનું પાત્ર ભજવ્યું છે જે છેલ્લા ૧૯ વર્ષથી નાટક સિરિયલમાં જોડાયેલા છે. તેઓએ ૫ થી ૬ ગુજરાતી ફિલ્મ પણ કરી છે. તેઓની કેરીયરમાં તેમનાં પપ્પાનો સપોર્ટ રહ્યો છે. તેમનાં પપ્પાનું સ્વપ્ન તેઓ જીવી રહ્યા છે. અંતમાં રાજન ઠાકરે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં દરેકનાં પાત્રો કંઈક અલગ જ રીતે ભજવાયા છે.

Loading...