Abtak Media Google News

શ્વાનની દુનિયા નિરાલી છે. તે માનવ જીવનનો ઘણા લાંબા સમયથી એક ભાગ રહ્યો છે. ડોગ એક જ એવું પ્રાણી છે જે તમામ પ્રકારનાં વાતાવરણ, સંસ્કૃતિ અને ભૌગોલિક સ્થળ પર સારી રીતે અનુકૂલન પામેલ છે. પ્રવર્તમાન સમયમાં શ્વાન માલિકો તેની પાસે રહેલ પ્રજાતી (બ્રીડ)ની લાક્ષણિકતા, પોતાના શ્વાનની તંદુરસ્તી, સ્વચ્છતા, રોગ સારવાર, આહાર, ઉછેર, તાલિમ અને ટ્રેનિંગ જેવી બાબતોમાં સજાગ થયા છે. ભારતમાં હાલમાં અંદાજે ૨૭૫થી વધુ પ્રજાતીનાં શ્ર્વાન જોવા મળે છે જેમાં લેબ્રાડોર, ડોબરમેન, જર્મન શેફર્ડ, હસ્કી, હોટવિલર, ગ્રેટડેન જેવી વિવિધ પ્રજાતિ છે. બોલિવુડમાં પણ તેરી મહેરબાનીયામાં બ્લેક લેબ્રાડોર તથા એન્ટરટેનમેન્ટ ફિલ્મમાં ગોલ્ડન રીટરીવર સાથે ૧૦૧ ડાલ્મેશિયન અંગ્રેજી મુવી જાણીતી છે.

પોલીસ વિભાગમાં પણ ડોગ સ્કવોડ વિભાગ કાર્યરત હોય છે જેમાં તાલિમબઘ્ધ ડોગ રખાય છે જે ગુનાઓ જેવા કે ચોરી, ખુન, લુંટ વિગેરેમાં જયાં જરૂર હોય ત્યાં તેની મદદ લઈને ગુનાઓ ઉકેલાય છે. ડોગમાં ગંધ પારખવાની શકિત ગજબની હોય છે. સ્નીફર ડોગને એ પ્રકારની જ તાલિમ અપાય છે. કચ્છનાં ભુંકપ વખતે કાટમાળ નીચે દટાયેલી ઘણી લાશો કે જીવતો માણસ સ્નીફર ડોગ શોધીને માનવીના જીવ બચાવ્યા હતા. ભારતનાં ઈતિહાસમાં સૌપ્રથમવાર મુંબઈ પોલીસ સ્કવોડમાં બેલ્જિયમ શેફર્ડ જોડાયા હતા. આ પ્રજાતિ ખુબ જ ચપળ, નિડર અને આક્રમક હોય છે. તેનું નાનુ પપી પણ ખુબ જ અગ્રેસિવ હોય છે. ડોગની સુંઘવાની અકલ્પનીય ક્ષમતાને કારણે ગુનેગારને સુંઘીને પકડવાની ઝડપ વધી જાય છે. આ સિવાય તેમની વફાદારી, વિચક્ષણતા, સાહસને કોઈ બીટ કરી શકે એમ નથી. જટિલમાં જટિલ કેસને સોલ્વ કરવામાં ડોગની નોંધનીય ભૂમિકા હોય છે. બેલ્જિયમ શેફર્ડ બોર્ડર સિકયોરીટી ફોર્સ અને આર્મી પણ ઉપયોગ સાથે પોલીસ ક્રાઈમ અને ઈન્વેસ્ટિગેશનમાં કરે છે.

ડોગ સ્કોડમાં સ્નીફર, નાર્કોટિકસ, ટ્રેકર અને કોઈપણ વીઆઈપી મુલાકાત પહેલા ડોગ્સ ત્યાં કોઈ એકસપ્લોઝિવ છે કે નહીં તે ચકાસણી કરે છે. નાર્કોટિકસ ડોગ મોટાભાગે ડ્રગ્સની શોધખોળનું કામ કરતા હોય છે. ડોગ્સનું મુખ્ય ટ્રેઈનીંગ સેન્ટર પૂણેમાં છે. લગભગ જીલ્લા મથકે પોલીસ વિભાગમાં ડોગ સ્કોર્ડ કાર્યરત હોય છે. ડોગને તાલિમબઘ્ધ કરવો ખુબ જ જરૂરી છે. એની સુંઘવાની ક્ષમતાનો લાભ લેવા માટે ૨૦૧૬ થી દારૂબંધી માટે બિહાર પોલીસે એક સ્પેશિયલ ડોગ સ્કવોડની રચના કરી હતી. જેમાં ડોગને દારૂ સુંઘીને તેને ઓળખી પાડવાની તાલીમ આપી હતી. ડોગ એક થી બે માસનું હોય ત્યારથી તેની તાલીમ ચાલુ થાય છે. નાનેથી શીખવડતા તે જીવનભર યાદ રહે છે. શરૂમાં તેની કેર કરતાં હેન્ડલર સાથે રેપોબિલ્ડઅપ કરાય છે. સામાન્ય રીતે ડોગ બસો જેટલા શબ્દો યાદ રાખી શકે છે. તાલિમમાં ટુંકા એક કે બે શબ્દોના નાના કમાન્ડ અપાય છે. આમ ધીમે ધીમે ડોગને ખબર પડે છે કે તેનો માલિક શું ઈચ્છે છે અને અંતે તે તેના હેન્ડલરની ભાષા સમજે કે માને છે.

ઓબિડિયન્સીની તાલિમ સાથે સીટ, રેસ્ટ, સ્લીપ, રોલ, સેલ્યુટ, અપ, સ્ટે જેવા પ્રારંભિક શબ્દો-સુચના પહેલા શીખડાવાય છે પછી હેન્ડલરની ડાબી બાજુએ ચાલવાનું તથા હેન્ડલસરને સુંઘીને તેની વસ્તુ શોધવાની આ બધી શરૂઆતની તાલીમ છે. માનસિક રીતે પણ તૈયાર કરાય, ટોપલેટ બહાર જ જવું તેની તાલીમ પણ અપાય છે. સ્નિફર ડોગ પહેલા હેન્ડલરનાં કપડા, ઘડિયાળ કે કોઈ વસ્તુઓ શોધવાથી શરૂ કરે છે. ધીમે ધીમે ગુનામાં તેની સુંઘવાની શકિતનો ઉપયોગ કરાય છે. શ્ર્વાન જયારે પણ સુંઘે કોઈ વસ્તુ ત્યારે એ વ્યકિતની ગંધ નહીં પણ તેની ડેડસ્કિનને સુંઘે છે. ગુનો કરીને ગુનેગાર વ્યકિત જયાં જયાં ગયો હોય ત્યાં તેની ડેડસ્કિન સતત વેરાઈ જ હોય. એ ગંધ લેતો લેતો એ આરોપી સુધી પહોંચે છે. માત્ર સ્નિફર ડોગને સ્પેશિયાલાઈઝડ ટ્રેનિંગ અપાય છે. તાલિમબઘ્ધ ડોગ ગુના શોધવામાં ખુબ જ મદદગાર થાય છે. બેલ્જિયમ શેફર્ડ મલ્ટિપર્પઝ ડોગ શીખવામાં ખુબ જ ફાસ્ટ અને એકિટવ હોવાને કારણે તેની લોકપ્રિયતા આખા વિશ્ર્વમાં છે. આ ડોગને થકાવવા જરૂરી છે. કાંઈ કામ ન હોય તો પણ તેને દોડાવવા પડે છે. ડોગ એક મિનિટમાં લગભગ ૩૦૦ વાર શ્ર્વાસ લે છે. એમનું આયુષ્ય ૧૦ થી ૧૨ વર્ષ હોય છે. માણસ કરતા તેની સુંઘવાની શકિત એક લાખ ઘણી વધારે છે. મુખ્યત્વે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ડોબરમેન, બેલ્જિયમ શેફર્ડ જેવા ડોગ સ્કોડમાં વધુ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.