Abtak Media Google News
  • કલાકાર:વિદ્યા બાલન, નસિરુદ્દીન શાહ, ઈલા , આશિષ વિદ્યાર્થી, રજત કપૂર, ચંકી પાંડે, ગૌહર ખાન, પલ્લવી શારદા, રીઘ્ધીમા તિવારી, ફલોરા, વિવેક મુશરાન
  • પ્રોડયુસર:મહેશ ભટ્ટ
  • ડાયરેકટર:શ્રીજીત મુખરજી
  • મ્યુઝિક:અનુ મલિક
  • ફિલ્મની લંબાઈ:૨ કલાક ૧૫ મિનિટ
  • સિનેમા સૌજન્ય:કોસ્મોપ્લેકસ
  • રેટિંગ:૫ માંથી ૩ સ્ટાર
  • ફિલ્મને સર્ટિ.:બેગમજાનને ‘એ’ સર્ટિફિકેટ મળ્યું છે. તેથી બાળકોને લઈ જવા નહીં.

સ્ટોરી:

બેગમજાનની સ્ટોરી ભારતના ભાગલા (હિંદુસ્તાન-પાકિસ્તાન) વખતની છે. બેગમજાન (વિદ્યા બાલન) કોઠો ચલાવે છે. જેમાં તે છોકરીઓ રાખીને તેમની પાસે દેહવિક્રય કરાવે છે. અહીં મુજરા પણ થાય છે. બેગમજાન એક બ્રેવ એન્ડ બોલ્ડ એટલે કે હિંમતવાન અને બિન્દાસ્ત ઔરત છે. છોકરીઓ તેની સાથે કોઠા પર જ રહે છે. તે છોકરીઓ પાસે ‘ધંધો’ તો કરાવે છે પણ તેમને પ્યાર પણ એટલો જ કરે છે. બધુ બરાબર ચાલતુ હોય છે ત્યાં બેગમજાનનો કોઠો હોય છે ત્યાંથી જ હિંદુસ્તાન-પાકિસ્તાનની બોર્ડર ( બે દેશના હિસ્સાની લાઈન) નકકી થાય છે. બન્ને દેશના અધિકારીઓ બેગમજાન પર દબાણ કરે છે કે તે કોઠો ખાલી કરીને બીજે ચાલી જાય. ૧ મહિનાની નોટિસ આપે છે. બેગમજાન રાજા (નસીરુદીન શાહ)ને મદદ કરવા કહે છે. આગળ શું થાય છે ?

બેગમજાનની સ્ટોરી ૧૯૮૦ના દાયકામાં રીલીઝ થયેલી શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંડી’ને મળતી આવે છે. જેમાં (સ્વ.) સ્મિતા પાટીલ, શબાના આઝમી, નસીરુદીન શાહ (સ્વ.) ઓમપુરી જેવા ધૂરંધર કલાકારો હતા. બેગમજાનની બંગાળી આવૃતિમાં વિદ્યા બાલનવાળી ભૂમિકા રીતુપર્ણા સેનગુપ્તાએ ભજવી હતી.

એકિટંગ:

બેગમજાનની ભૂમિકામાં સુપર એકટ્રેસ વિદ્યાબાલનની એકિટંગ જીવંત છે. પરંતુ નબળી પટકથાના કારણે તે ઓવર એકિટંગનો શિકાર બની છે. તેની એકિટંગ લાઉડ છે. આથી વિદ્યાની એકિટંગ એવોર્ડ વિનિંગ ન કહી શકાય. બેગમજાનમાં વિદ્યા બાલનની એકિટંગ તેની આગળની ફિલ્મો કહાની, ડર્ટી પિકચર વિગેરેની તોલે ન આવે. એકંદરે, વિદ્યા વેડફાય ગઈ. રાજાની ભૂમિકામાં નસીરુદીન શાહની એકિટંગ નેચરલ છે. નસીરની ભૂમિકા ટુંકી છતા દમદાર છે. આ સિવાય ગૌહર ખાને નોંધનીય કામ કર્યું છે. અન્ય સપોર્ટિંગ કાસ્ટનું કામ જસ્ટ ઓ.કે.

ડાયરેકશન:

શ્રીજીત મુખરજી બંગાળી ફિલ્મોમાં જાણીતું નામ છે. બેગમજાન જેની રીમેક છે તે સુપરહીટ બંગાળી ફિલ્મનું ડાયરેકશન પણ શ્રીજીતે જ કર્યું હતું. બંગાળી ફિલ્મ રાજકહિની લાજવાબ છે. તેણે બોકસ ઓફિસ પર સારો બિઝનેશ કર્યો હતો પરંતુ સોરી, બેગમજાનને કોઈની નજર લાગી ગઈ. બેગમજાનમાં લાઈટ મુમેન્ટ, હયુમર, ઈમોશન, કોમિક ટ્રેકનો અભાવ છે. નબળી પટકથાના કારણે કારણ વગરની કે લોજિક વગરની ચિલ્લમચિલ્લી (દેકારો) વધુ જોવા મળી. દર્શકોને પાત્રો પ્રત્યે કોઈ જાતની સહાનુભૂતિ (સિમ્પથી) જ ઉત્પન્ન થતી નથી. દર્શકો કેરેકટર સાથે કે સ્ટોરી સાથે કનેકટ થઈ શકતા નથી. ડાયલોગ વધુ પડતા બોલ્ડ છે.

મ્યુઝિક:

ફિલ્મ બેગમજાનનું મ્યુઝિક અનુ મલિકે તૈયાર કર્યું છે. ગીતો કૌશર મુનીરે લખ્યા છે. એક ગીત લેજન્ડરી પાર્શ્ર્વગાયીકા આશા ભોંસલેના અવાજમાં છે. આ એક ઠુમરી છે. ભારતના ભાગલા વખતનો માહોલ છે એટલે મ્યુઝિક પણ એવું જ છે. ટૂંકમાં બેગમજાનનું મ્યુઝિક આજની જનરેશનને સ્પર્શી શકયુ નથી પરિણામે હીટ થઈ શકયું નથી.

ઓવરઓલ:

ફિલ્મ બેગમજાન કલાસીસ માટેની ફિલ્મ છે. માસીસ માટેની નથી. મતલબ કે બેગમજાન એક ચોકકસ વર્ગ માટેની ફિલ્મ છે. બધા વર્ગને ગમે તેવી ફિલ્મ નથી. વિદ્યા બાલનના ચાહકોને કદાચ આ ફિલ્મ ગમશે. બાકી આ ફિલમ નકરું એન્ટરટેનમેન્ટ કે મૌજ મસ્તી મેળવવા માટે ફિલ્મ જોવા જતા દર્શકોને નિરાશ કરશે. બેગમજાનને પ્રથમ દિવસે કલેકશન ઠીક ઠીક મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.