Abtak Media Google News

બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, હોંગકોંગ, દક્ષિણ આફ્રિકા અને આર્જન્ટીનાને પણ વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કાઢયા

આગામી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે તે પૂર્વે જ ભારત દેશ સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને ભારત-અમેરિકાના વ્યાપારીક સંબંધોને વધુ વિકસિત બનાવવા માટે અમેરિકાએ ભારતને વિકસિત દેશ તરફ લઈ જવાની તૈયારી દાખવી છે. પરીણામ સ્વરૂપે વિકાસશીલ દેશોની યાદી કે જે અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવી હતી તેમાંથી ભારતને બહાર કાઢયું છે. માત્ર ભારત જ નહીં પરંતુ બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, હોંગકોંગ, સાઉથ આફ્રિકા અને અર્જન્ટીનાનો પણ સમાવેશ થાય છે. અમેરિકા દ્વારા જે વિકાસશીલ દેશોની યાદી તૈયાર કરવામાં આવી હતી તેમાં તે તમામ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જે અમેરિકામાં તેમના દેશની ચીજવસ્તુઓનો નિકાસ કરતા હોય પરંતુ કોઈ એવી ચીજ વસ્તુઓ નિકાસમાં ન આવે તે માટે તપાસ પણ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

અમેરિકા દ્વારા જે વિકાસશીલ દેશોની યાદી બનાવી હતી તેમાં આવતા તમામ દેશોને યુનાઈટેડ સ્ટેટ ટ્રેડ રીપ્રેઝન્ટીવ તરીકે ઓળખવામાં આવતા હતા ત્યારે આ તમામ દેશોને જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ એટલે કે જીએસપી મારફતે તેઓને મદદ પણ મળતી હતી પરંતુ હવે અમેરિકા ભારતને વિકાસશીલ દેશ નહીં પરંતુ વિકસિત દેશ તરફ લઈ જવા માટે કમર કસી રહ્યું હોય તેવું લાગે છે.

7537D2F3 9

રાજકિય વિશેષજ્ઞોનું માનવું છે કે ભારત દેશના નાગરિકો ઘણાખરા અમેરિકામાં વસવાટ કરે છે અને આવનારા મહિનામાં અમેરિકામાં જે ચુંટણી યોજાવાની છે તેમાં સૌથી વધુ મતદાન કરતા હોય તો તે ભારતીય દેશના નાગરિકો હોવાનું સામે આવ્યું છે ત્યારે ભારત દેશને કોઈપણ રીતે નારાજ ન કરી વિકાસ તરફ આગેકુચ કરવા માટે ભારતને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને વિકસિત દેશ તરફ અગ્રેસર બનાવવા માટે કમર પણ કસી છે. યુએસટીઆરમાં જો વાત કરવામાં આવે તો આ કેટેગરીમાં સમાવેશ થતા દેશોનું યોગદાન ૦.૫ ટકાનું પુરા વિશ્ર્વ માટેનું છે એવી જ રીતે ૨૦૧૮માં વૈશ્ર્વિક સ્તર પર ભારતનો નિકાસ ૧.૬૭ ટકા રહ્યો હતો અને ભારતની આયાત ૨.૫૭ ટકા રહેવા પામી હતી. ગત જુલાઈ માસમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેના વહિવટ કરતા અધિકારીઓને તાકિદ કરતા જણાવ્યું હતું કે, જે કોઈ દેશ કે જેઓએ સ્વાયત રીતે પોતાની રીતે વિકાસશીલ દેશ તરીકે ગણાવ્યા હોય તો તેઓને વૈશ્ર્વિક ટ્રેડમાં સહાયતા મળવી જોઈએ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પણ આ તમામ દેશો માટે યોગ્ય પગલાઓ અને વિકાસલક્ષી પગલાઓ લેવા માટે તત્પરતા પણ દાખવી હતી.

અમેરિકા દ્વારા ભારત દેશ માટે જે વિકાસનાં દ્વારો ખોલ્યા છે તેનાથી એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારીક સંબંધો વધુ ગાઢ બનશે અને વિશ્ર્વ સમુદાય ઉપર ભારતની આગવી છાપ પણ ઉભી થશે. ભારતે તમામ ક્ષેત્રે પોતાની આગવી છબી સમગ્ર વિશ્ર્વમાં પ્રસ્થાપિત કરી છે ત્યારે હાલ દેશની અર્થવ્યવસ્થા નબળી હોવા છતાં પણ તમામ વિકસિત દેશો ભારતની પડખે ઉભા રહી દેશને આર્થિક રીતે મજબુત બનાવવા માટેના તમામ પ્રયત્નો હાથધરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.