Abtak Media Google News

“ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી”ની અંતિમ સફર

સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર તરીકે “વિરાટનો ગિનીઝ બુકમાં રેકોર્ડ

ભારતીય નૌસેનામાં સૌથી લાંબા સમય માટે સેવા પર તૈનાત રહેનાર વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ પોતાના આખરી સફર પર છે. મુંબઈથી રવાના થયેલ આ વિરાટ નામનું જહાજ ભાવનગર સ્થિત અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે પહોંચી ગયું છે. કસ્ટમ ખાતે જીએમબીની જરૂરી કાર્યવાહી બાદ અલંગના પ્લોટમાં બીટ કરાયું હતું. આ સમયે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા સહિતના અન્ય મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

દુનિયાના સૌથી વિશાળ શીપ બ્રેકિંગ પોર્ટ તરીકે પ્રખ્યાત અલંગ ખાતે આઈએનએસ વિરાટની સફળ પૂર્ણ થશે. શીપ બ્રેકર મુકેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ૩૦ વર્ષ સુધી ભારતીય નૌસેનાની શાન રહેલા આ આઈએનએસ “વિરાટનું અલંગમાં આગમન થયું એ માત્ર ભાવનગર નહીં પણ ગુજરાતની સાથે સમગ્ર દેશ માટે ગૌરવવંતુ છે. જણાવી દઈએ કે, આઈએનએસ વિરાટને ભારતીય નૌસેનામાં ૧૯૮૭માં સામેલ કરાયું હતું. આ અગાઉ આ જહાજ બ્રિટનની રોયલ નેવીમાં એચએમએસ હર્મિસના રૂપમાં ૨૫ વર્ષ સુધી સેવામાં તૈનાત રહ્યું હતું. ભારતીય નેવીમાં તેણે ૩૦ વર્ષ સુધી મહત્વની ભૂમિકા ભજવી છે.આ ઐતિહાસિક જહાજ વિરાટને ભારતીય નૌસેનામાં સામેલ કર્યા બાદ તેને પ્રથમવાર જુલાઈ ૧૯૮૯માં શ્રીલંકાના ઓપરેશન જ્યુપિટરમાં શાંતિ સ્થાપનાના ઓપરેશનમાં મૂકાયું હતું. વર્ષ ૨૦૦૧ના સંસદ પરના હુમલા બાદ ઓપરેશન પરાક્રમમાં પણ વિરાટ જહાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાના ૩૦ વર્ષના કાર્યકાળ દરમિયાન આઈએનએસ વિરાટે ૧૦ લાખ કિલોમીટરથી વધુ સફર કર્યો છે જે પૃથ્વીના ૨૭ ચક્કર મારવા બરાબર છે.  આ જહાજમાં લાઈબ્રેરી, હોસ્પિટલ, જીમ, એટીએમ, ટીવી અને વિડીયો સ્ટુડિયો સહિતની ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હતી. આઈએનએસ વિરાટની ખાસિયત એ છે કે, તેનું નામ સૌથી વધુ સમય સુધી સેવા આપનાર જહાજ તરીકે “ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. ભારતીય સેનામાં તે “ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડીથી પણ ઓળખાતું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.