વર્તમાન પત્રોમાં અવરોધ ઉભો કરવો એ ગંભીર ગુના સમાન

90

આવશ્યક સેવામાં વિક્ષેપ કરનારની વિના વોરન્ટે ધરપકડ અને એક વર્ષની સજા થઇ શકે

અખબારોને આવશ્યક સેવામાં સમાવાયા હોવા છતાં દેશમાં લોકડાઉન વખતે તેના વિતરણમાં થઇ રહેવા વિક્ષેપ અંગે દેશનો ટોચના વકીલોએ જણાવ્યું છે કે અખબાર વિતરણમાં કોઇપણ પ્રકારનો વિક્ષેપ એ આવશ્યક સેવા જાળવણીના ભંગ બદલ મોટો ગુનો છે.

પાકિસ્તાનમાંથી કુલભૂષણ જાદવને છોડાવવા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડત ચલાવતા જાણીતા વકીલ અને પૂર્વ સોલિસીટર જનરલ હરીશ સાલ્વેએ  અખબાર વિતરણમાં થઇ રહેલી મુશ્કેલી અને અગવડતાઓ અંગે ચિંતા વ્યકત કરી હતી.

અત્યારે સોશ્યિલ મીડિયામાં અવનવી ચર્ચા અને ખોટો પ્રચાર અને અફવા ફેલાવવામાં આવે છે  ત્યારે નિષ્પક્ષ અને સાચા સમાચાર માટે અખબારોની સેવા ખુબ જ આવશ્યક છે. આવા કટોકટીના સમયમાં જવાબદાર પત્રકારોના લેખો, સમાચારો કોઇનો ખોટો અપ્રચાર અને અફવાને રોકે છે અને લોકો સુધી સાચી માહિતી પહોચાડે છે તેમ સાલ્વેએ જણાવ્યું હતું.

દેશમાં યુઘ્ધ જેવી હાલની સ્થિતિમાં દેશના દુશ્મનો ખોટી અફવા અને ખોટા સમાચાર વહેતા કરતા હોય છે જયારે સાચી માહિતી અને નિર્ણય માટે અખબારોમાં પ્રસિઘ્ધ થતા સમાચારો જ લોકોને ઉપયોગી બની શકે છે. હાલના લોકડાઉનના સમયમાં કડક અમલવારી માટે અખબાર વિતરણમાં કોઇપણ પ્રકારના અડચણને ગંભીર રીતે લેવાશે.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અખબાર વિતરણમાં કોઇ પ્રતિબંધો કે નિયમો નથી. અખબારોને આવશ્યક સેવામાં આવરી લેવાયા છે જેથી તેના વિતરણમાં કોઇપણ પ્રકારનો વિક્ષેપ પડવો ન જોઇએ.

સાચી અને યોગ્ય માહિતી અને વિચારોનું વહન માત્ર અખબાર વિતરણથી થાય છે. અખબારો કંઇ ગોડાઉનમાં રાખી મુકવા માટે પ્રસિઘ્ધ કરાતાં નથી. સાચી માહિતી પ્રજા સુધી પહોંચાડવી તેની અખબારોને બંધારણના વાણી સ્વતંત્રત્ર્યના કાયદા હેઠળ સ્વતંત્રતા અને અધિકાર છે તેમ વકીલ મનીન્દર સિંધે જણાવ્યું હતું.

ટોચના બંધારણીય વકીલ રાકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારે સવારના પહોરમાં ચા-બિસ્કીટ કરતા અખબારોની વિશેષ જરૂર હોય છે. મારા જેવા વયસ્કો માટે અખબારોની હાર્ડ કોપી જરૂરી છે. અખબારો અને ઇલે. મીડિયા આવશ્યક સેવામાં આવરી લેવાયા હોવાથી અખબારોનું સ્વતંત્ર રીતે વિતરણ થાય તે જરૂર છે તેમ તેમણે જણાવ્યું હતું.

લોકડાઉન જાહેર કરાયું તે સમયે લોકોને સમયસર અને સાચી રીત માહિતી મળી રહે તે માટે જ ઇલેકટ્રીક મીડિયા અને અખબારોને આવશ્યક સેવામાં આવરી લેવામાં આવ્યા છે આથી આ કાયદા હેઠળ તેમાં કોઇપણ પ્રકારનો અવરોધ આવશ્યક સેવા જાળવણી કાયદો ૧૯૮૧ની કલમ પ અને ૬ હેઠળ સજાને પાત્ર છે. આવશ્યક સેવામાં કોઇપણ પ્રકારનો વિક્ષેપ, અડચણ બદલ વોરન્ટ વિના ધરપકડ કરી શકાય અને એક વર્ષ સુધીની કેદ થઇ શકે છે.

Loading...