બાપુ વિસરાયા: મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં દૈનિક સરેરાશ માત્ર ૪૩ મુલાકાતીઓ..!!

લોકડાઉન અને અનલોક બાદ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્યાના ૮૪ દિવસમાં ૩૬૬૯ મુલાકાતીઓએ લીધી મુલાકાત

રાષ્ટ્રપિતા અને વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજીના જીવન વિશે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના લોકો માહિતગાર થાય તેવા ઉમદા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીએ જયા અભ્યાસ કર્યો હતો.તે આલ્ફ્રેડ  હાઇસ્કુલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.ત્રણ વર્ષ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મ્યુઝિયમને વિશ્વ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. વિશ્વ કક્ષાના આ મ્યુઝિયમમાં હવે ગુજરાતની જનતા  જાણે પોતાના પ્યારા બાપુને વિસરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. લોકડાઉન અને અનલોકની બાદ  ગત ૧૫મી ઓક્ટોબરે  મહાત્મા ગાંધી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. મ્યુઝિયમમાં હવે દૈનિક સરેરાશ માત્ર ૪૩ લોકો જ મુલાકાત લેતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ અંગે પાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોરોનાના નાથવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને ત્યારબાદ અનલોકની પ્રક્રિયા દરમિયાન ગત માર્ચમાં લઈ ઓક્ટોબર માસ સુધી કુલ સાત મહિના માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમ લોકો માટે બંધ રાખવામાં આવ્યો હતું. દરમિયાન ગત ૧૫મી ઓક્ટોબરના રોજ ફરી મહાત્મા ગાંધી મ્યુઝિયમ મુલાકાતીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. છેલ્લા ૮૪ દિવસ દરમિયાન ૬૩૦ બાળકો અને ૩૦૩૯ પુખ્ત વયના લોકો સહિત કુલ ૩૬૬૯ લોકોએ મહાત્મા મ્યુઝિયમની મુલાકાત લીધી છે.

મુલાકાતીઓની સંખ્યા ઘટવા પાછળનું બીજું એક કારણ એ પણ છે કે હાલ શાળા-કોલેજો બંધ છે. જેથી શાળા સંચાલકો દ્વારા બાળકોને અહીં મહાત્મા ગાંધી મ્યુઝિયમના પ્રવાસ માટે લાવવામાં આવતા નથી. વિદેશી નાગરિકો પણ કોરોનાના કારણે ભારતમાં ફરવા માટે આવતા ન હોવાના કારણે તેઓ પણ ગાંધી મ્યુઝિયમ ની મુલાકાતે આવતા હોવાનું પણ એક કારણ રહેલું છે. આ ઉપરાંત કોરોના સંક્રમણના ડરને કારણે લોકો હરવા-ફરવાની જગ્યાએ ખુબ જ ઓછી માત્રામાં જઈએ છે આ અલગ-અલગ કારણોને લઈને પણ ગાંધી મ્યુઝિયમમાં મુલાકાતીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.પરિણામે અનલોક  થયા બાદ ૮૪ દિવસમાં રોજ સરેરાશ ૪૩ વ્યક્તિઓની સાથે ગાંધી મ્યુઝિયમ ૩૬૬૯ વ્યક્તિઓએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.લોકો બાપુને વિસરી રહ્યા હોય તેવું કહેવું પણ ખોટું નથી.કારણ કે અનલોક થયા બાદ અન્ય ફરવા લાયક સ્થળો એ લોકોની સંખ્યા સતત વધી રહી છે. જ્યારે જ્યાંથી ઇતિહાસની પૂરી માહિતી મળી રહે અને બાપુના જન્મથી લઇ મૃત્યુ સુધીની માહિતી તે સ્થળ ગાંધી મ્યુઝિયમ ખાતે લોકોનું આવન-જાવન ખૂબ જ ઓછું થઈ ગયું છે. કોઈ મહાનુભાવે પણ છેલ્લા કેટલાક સમયથી ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી ન હોવાનું પણ બહાર આવી રહ્યું છે.મહાત્મા ગાંધી મ્યુઝિયમ હવે રાજકોટની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં ઓળખ ઉભો કરી રહ્યું છે ત્યારે અહીં વધુમાં વધુ મુલાકાતીઓ આવે તે માટે મહાપાલિકા દ્વારા કોઇ ગંભીર વિચારણા અને પ્રચાર-પ્રસાર કરવાની આવશ્યકતા છે.

Loading...