Abtak Media Google News

અખીલ ભારત સાધુ સમાજના સેક્રેટરી નિર્માની અખાડાના મહામંડલેશ્વર શ્રીમહંત રઘુવરદાસ ઉર્ફે પહેલવાન બાપુનો લાંબી બીમારી બાદ આજે સાકેત વાસ થયો હતો. જેતપુરની સુપ્રસિધ્ધ ખાખામઢી હનુમાન તેમજ રાજકોટની આજી ડેમ કાંઠે આવેલ ડેમેશ્વર મહાદેવના મહંત રઘુવરદાસ ઉર્ફે પહેલવાન બાપુ પોતે બચપણથી સંન્યાસ લઈને અખાડા સાથે જોડાઈ ગયા હતા જેમાં જુદાજુદા અખાડાઓમાં મહામંડલેશ્વરના પદ સુધી પહોંચ્યા હતા.

જેમાં હાલ નિર્માની અખાડાના શ્રીમહંત  મહામંડલેશ્વરના પદે બિરાજતા અને દર વખતના કુંભમેળા પહેલવાન બાપુનો કેમ્પ લાગતો જેમાં જેટલાં દિવસ મેળો ચાલે તેટલા દિવસ શ્રધાળુઓ માટે ધુમાડેબંધ જમણવાર રાખવામાં આવતો પરંતુ ઘણા સમયથી તેમની તબીયત ખરાબ હોય તેઓ ચાલુ વર્ષના કુંભમેળામાં જઈ શક્યા ન હતા.

બાપુ અખીલ ભારત સાધુ સમાજના સેક્રેટરી હોય તેઓ સાધુને રંજાડતા તત્વો સામે પણ બાથ ભીડતા અને સાધુને ન્યાય અપાવતા આવા શ્રીમહંતનું આજે વહેલી સવારે લાંબી બીમારી બાદ (દેહ વિલય) સાકેત વાસ થતાં જેતપુર ખાખામઢી મંદિર ખાતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સંતો મહંતો બાપુના પારથી દેહનાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને તેઓની હાજરીમાં મઢીના પ્રાંગણમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. બાપુની પ્રાર્થના સભા ખાખમઢી હનુમાન મંદિર ખાતે તારીખ ૩ને રવીવારના રોજ સાંજે ૪થી ૬ દરમિયાન રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.