બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે આજે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાયો દિવ્ય દીપોત્સવ પર્વ

195

૨૦૦૦થી અધિક વ્યાપારીઓએ વૈદિક પૂજનવિધિમાં જોડાઈ ચોપડા પૂજનવિધિનો લાભ લીધો

આવતીકાલે વિ.સં.૨૦૭૫, નૂતનવર્ષના મંગલ પ્રારંભે ઠાકોરજી સમક્ષ ૧૫૦૦થી અધિક વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાશે 

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાનાર છે ત્યારે કાલાવડ રોડ પરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસરને સુંદર દીવડા તેમજ કલાત્મક રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરે રાત્રીનો અદભૂત શણગાર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.

આજે દિવાળીના દિવસે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન પ્રમુખસ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડાપૂજન વિધિ યોજાઈ જેમાં સારંગપુરથી પધારેલ પૂજ્ય નારાયણમુનિ સ્વામી અને સંતોએ ૨૦૦૦થી અધિક વ્યાપારીઓને વૈદિક પૂજનવિધિમાં જોડ્યા હતા. અંતમાં પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના વિડીયો આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થયો હતો.

આજે વિક્રમ સંવત ૨૦૭૪ની અંતિમ સંધ્યાએ મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્ય કલાત્મક દિવડાઓની રંગોળી રચવામાં આવશે. ઉપસ્થિત તમામ ભાવિકો હજારો દીવડાઓના શણગાર રચિત ઠાકોરજીની આરતી દ્વારા વર્ષની અંતિમ સંધ્યા આરતી કરી ધન્યતાની લાગણી અનુભવશે.

વિક્રમ સંવત ૨૦૭૫ એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિને ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરાવવામાં આવશે અને શણગાર આરતી દ્વારા વર્ષના પ્રથમ દિને ભક્તો ભાવિકો ભગવાન સમક્ષ પ્રાર્થના કરી આજના દિનનો મંગલ પ્રારંભ કરશે. ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા એ છે કે પ્રથમ ભગવાનને અર્પણ કર્યા બાદ જ સૌ કોઈ એ અન્નકૂટની વિવિધ વાનગીઓને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. આ વર્ષે પણ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ ખાતે ૧૫૦૦થી પણ અધિક શુધ્ધ, સાત્વિક અને શાકાહારી વાનગીઓનો ભવ્ય અન્નકૂટ રચાશે. રાજકોટના અગ્રણી મહાનુભાવોની હાજરીમાં અન્નકૂટની પ્રથમ આરતીનો ૧૧:૩૦ વાગ્યે લાભ પ્રાપ્ત થશે. ત્યારબાદ દર કલાકે સાંજે ૭:૦૦ વાગ્યા સુધી આરતી નો લાભ પ્રાપ્ત થશે.

આવતી કાલે નૂતન વર્ષે અન્નકૂટ ઉત્સવમાં રાજકોટના તમામ શહેરીજનોને પરિવાર-મિત્રજનો સહિત દર્શન-આશીર્વાદનો લાભ લેવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર વતી કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

Loading...