Abtak Media Google News

રાષ્ટ્રપતિ, રાજયપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા અક્ષરદેરીની વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી

દેશ-વિદેશથી લાખો હરિભકતો ઉમટયા

ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ પ્રથમ આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન બાદ તેઓના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જે સ્થાન પર કરવામાં આવ્યો હતો એ સ્થાન અક્ષર દેરીના નામે વિશ્ર્વપ્રસિદ્ધ છે. ગુજરાત રાજયના રાજકોટ શહેરથી ૩૫ કિ.મી.ના અંતરે આવેલ અક્ષરદેરીની સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા ઉજવાઈ રહેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભા ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદજીની પ્રેરક ઉપસ્થિતિમાં તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજય મહંતસ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં સંપન્ન થઈ.

અક્ષરદેરી અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જ નહીં પણ અન્ય ધર્મોના લોકોને પણ અક્ષર દેરીની દિવ્યતા અને પવિત્રતા અહીં ખેંચી લાવે છે. અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભાનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભકતો-ભાવિકો સવારથી જ પહોંચી ગયા હતા. અક્ષરદેરીએ અનેક લોકોનો અશાંતિનો રોગ ટાળીને શાંતિ પ્રદાન કરી છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે ૪૦ વર્ષ સુધી અક્ષરદેરીની સેવા કરી હતી.

અક્ષરદેરીના દર્શન માટે આવતા ભાવિકોની સંખ્યામાં સતત વધારો થતા પરમ પુજય પ્રમુખસ્વામી મહારાજે અક્ષરદેરીના નવિનીકરણનો શુભ સંકલ્પ કર્યો હતો. આ નિમિતે આયોજીત મહાપૂજામાં આશીર્વાદ આપતા પરમ પૂજય મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, આ અક્ષર દેરી સૌના મનોરથ પૂર્ણ કરનાર મહાપ્રતાપી સ્થાન છે. અહીંયા મહાપુજા, પ્રદક્ષિણા અને ધૂન કરીને ભકતો જે કંઈ પ્રાર્થના કરશે તે સર્વે સંકલ્પો અક્ષરદેરી સિદ્ધ કરશે. અહીંયા આવનાર તમામને સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત થશે.

ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદજી મહોત્સવની મુખ્યસભાનો લાભ લેવા માટે પધારતા સૌરાષ્ટ્રની ધરતીને છાજે એવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અક્ષર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ક્ધવીનર તથા વરિષ્ઠ સંત પૂ.ઈશ્ર્વચરણદાસ સ્વામીએ સંતો તથા મહાનુભાવો સાથે રાષ્ટ્રપતિનું ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું.

રાષ્ટ્રપતિએ પણ પ્રોટોકોલને એક બાજુ રાખી મુખ્ય પ્રવેશદ્વારથી અક્ષરદેરી સુધી ચાલતા ચાલતા જવાનું પસંદ કર્યું. મુખ્ય પ્રવેશદ્વારથી અક્ષરદેરી સુધીના પથ પર નાના નાના બાળકોએ દેવદૂતોના પરિવેશમાં નૃત્યના માધ્યમથી રાષ્ટ્રપતિને વધાવ્યા હતા. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજયના રાજયપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

બીએપીએસ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને ગુરુપદે બિરાજતા પરમ પૂજય મહંત સ્વામી મહારાજે રાષ્ટ્રપતિને ભગવાનનો પ્રસાદીભૂત હાર પહેરાવીને અક્ષરદેરીમાં આવકાર્યા. મહાનુભાવોએ અક્ષરદેરીમાં પધારી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિનો લાભ લીધો અને વૈશ્ર્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા એ પૂર્વે પણ અક્ષરદેરીના દર્શન માટે પધારી ચુકયા હતા. અક્ષરદેરીની પવિત્રતાથી રાષ્ટ્રપતિ પણ પ્રભાવિત થયા હતા.

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભામાં બીએપીએસ સંસ્થાના સદગુરુ સંતોએ અક્ષરદેરીના મહિમાની વાતો કરી હતી. આ પ્રસંગે ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા અક્ષરદેરીની પોસ્ટલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી. વકતવ્યના પ્રારંભે રાષ્ટ્રપતિએ અક્ષરદેરીની આ પૂર્વે બિહારના રાજયપાલ તરીકે કરેલ યાત્રાની સ્મૃતિ કરતા જણાવ્યું હતું કે, કદાચ અક્ષરદેરીની આ પવિત્ર ધરતીનું પણ મારા રાષ્ટ્રપતિ બનવામાં યોગદાન જરૂર રહ્યું હશે’.

બીએપીએસ સંસ્થાને નિરંતર લોકકલ્યાણ માટે અનેક ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થા ગણાવીને તેની માનવજાતની નિશ્ર્વાર્થ સેવા બદલ પ્રશંસા કરી હતી. તેઓએ પોતાને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રગતિશીલ કાર્યો અને વિચારોના પ્રશંસક ગણાવ્યા હતા. વળી અંધશ્રદ્ધા, જાતિ-વર્ગ અને ઉંચનીચના ભેદ મિટાવી, સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સદૈવ કાર્યરત ભગવાન સ્વામિનારાયણને અંજલિ આપી હતી.

આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને યાદ કરી તેઓએ જણાવ્યું હતું કે, કલામ સાહેબ બીએપીએસ સંસ્થાની આધ્યાત્મિકતા તેમજ માનવ કલ્યાણના કાર્યોથી ઘણા પ્રભાવિત હતા અને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં બિરાજીને તેઓ ઘણું શીખ્યા હતા.

વિશ્ર્વભરમાં ફેલાયેલા બીએપીએસ સંસ્થાના સેંકડો મંદરો અને કેન્દ્રો વ્યકિત અને સમાજના બહુ આયામી વિકાસ માટે કાર્યરત હોવાનો ઉલ્લેખ કરીને તેઓએ ત્યાંની સ્વચ્છતાની ખુબ પ્રશંસા કરતા કહ્યું હતું કે, બીએપીએસના મંદિરોમાં સ્વચ્છતા હોય છે અને સ્વચ્છતા દ્વારા મનુષ્યમાં પવિત્રતા, નૈતિકતા અને દિવ્યતાનો પ્રવેશ થાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બીએપીએસ સંસ્થાના વિશ્ર્વભરમાં કાર્યરત ૧૦ લાખ ભકતો અને ૫૫ હજારથી વધુ સ્વયંસેવકો નિયમિત‚પે માનવસેવામાં સમયનું દાન કરી લાખો લોકોને આપણી સંસ્કૃતિના આદર્શો સાથે જોડી રહ્યાં છે. બીએપીએસ સંસ્થા દ્વારા પવિત્રતા, નૈતિકતા અને સેવાભાવના પર આધારિત જ્ઞાન આપી લોકોનું ચારિત્ર્ય ઘડતર કરવામાં આવે છે.

તેઓને પાયાના ક્ષેત્રોમાં સેવા કરવાનો અવસર આપી માનવ કલ્યાણના કાર્યોમાં પ્રેરિત કરવામાં આવે છે. અસ્થિરતા અને તણાવના વર્તમાન યુગમાં આવા મહોત્સવમાં વિશ્ર્વશાંતિની પ્રાર્થના સાથે યોજાતા યજ્ઞોની તેમણે પ્રશંસા કરી હતી.

એટલું જ નહીં નબળા વર્ગોને સહાય, આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સુરક્ષા, આફત રાહત તથા સામુદાયિક વિકાસના કાર્યો દ્વારા લોકોના સશકિતકરણમાં મહત્વપૂર્ણ યોગદાન માટે રાષ્ટ્રપતિએ બીએપીએસ સંસ્થાને ખુબ બિરદાવી હતી. ગુજરાતની ધરતી પર જન્મેલા મહાપુરુષો મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ તેમજ મોરારજી દેસાઈ વગેરે ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનો ઘણો પ્રભાવ રહ્યો હતો તેનો પણ રાષ્ટ્રપતિએ પોતાના વકતવ્ય દરમિયાન ઉલ્લેખ કર્યો હતો.પરમ પૂજય મહંતસ્વામી મહારાજે ઉપસ્થિત ૧ લાખથી વધારે ભકતોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, અક્ષરદેરીનો પ્રેમ અને પ્રતાપ મહામહિમ રાષ્ટ્રપતિને ગોંડલ સુધી ખેંચી લાવ્યો છે.

રાજયપાલ કોહલી સાહેબ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ સંસ્થા સાથે પારિવારિક ભાવથી જોડાયેલા છે. અક્ષરદેરી સમગ્ર વિશ્ર્વને શાંતિ આપનારું અતિ પવિત્ર સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા અને લોકકલ્યાણ માટે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પણ સાથે લાવ્યા. મહારાજ-સ્વામી પ્રાગટયા તે વખતે સમાજમાં નાત-જાત અને ઉંચ નીચના ભેદ પ્રવર્તતા હતા પરંતુ સ્વામિનારાયણ ભગવાને નાત-જાત કે ઉંચનીચના ભેદભાવ વગર સૌને અપનાવ્યા અને સામાજિક સમરસતાનું કાર્ય કર્યું સમાજના કચડાયેલા વર્ગને સામાજિક અને આધ્યાત્મિક ઉંચાઈ આપવાનું કાર્ય કર્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.