Abtak Media Google News

લોકોની ખરીદ શકિત વધારવા બેંકોએ રૂપિયાનાં કોથળા ખુલ્લા કરવા પડશે

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે જે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી બજારમાં તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી ધંધા-રોજગારોને બેઠા કરવા માટે તેઓને નાણા આપવા એટલા જ જરૂરી બન્યા છે. આંકડાકિય માહિતી મુજબ બજારમાં તરલતા લાવવા માટે બેંકોએ રૂ.૫ લાખ કરોડની રકમ જોશે કે જે ધંધા-રોજગારોને બેઠા કરવા મદદરૂપ સાબિત થશે અને અસરકારક પણ નિવડશે. લોકડાઉન ખુલતાની સાથે જ ધંધામાં વધારો થશે તો તેની સામે જોખમ પણ એટલા જ અંશે વધે તેવી પણ શકયતા સેવાઈ રહી છે. સરકાર દ્વારા જે રીતે જરૂરીયાતમંદ લોકોને એક લાખ રૂપિયાની લોન આપવાની જે વાત કરી છે તેનાથી પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થયો છે કે શું આપવામાં આવેલી રકમને પરત કરવામાં આવશે કે કેમ ? હાલ સરકાર ધંધા-રોજગારોની સ્થિતિ સુધારવા માટે અનેકવિધ પ્રયત્નો હાથધરી રહી છે ત્યારે બજારમાં તરલતા જળવાય રહે તે માટે રૂ.૫ લાખ કરોડની જરૂરીયાત ઉભી થશે જે માટે બેંકોએ સજજ પણ થવું પડશે.

તરલતામાં વધારો કરવા લોકોની ખરીદ શકિતમાં પણ વધારો કરવા સરકાર વિચારણા કરી રહી છે ત્યારે અનેકવિધ ક્ષેત્રમાં લોકોની ખરીદ શકિતમાં વધારો થાય તે માટે આકર્ષક સ્કિમો પણ સરકાર દ્વારા આપવામાં આવે તેવું પણ સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે. કોરોનાનાં કારણે જે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી દેશની આર્થિક સ્થિતિને પણ ઘણી ખરી અસર પહોંચી છે. એક તરફ સરકારનું ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન અને બીજી તરફ ૮ ટકા જીડીપી ગ્રોથને લઈજે પગલા ભરવામાં આવ્યા હતા તેને કોરોનાએ પણ દુરંદેશી બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાને પુર ઝડપે આગળ વધારવા માટે બજારમાં નાણા હોવાની જરૂરીયાત ખુબ જ વધુ હોય તેવું લાગે છે. આશરે બે વર્ષ દરમિયાન પાંચ લાખ કરોડ રૂપિયાની રોકડ બેંકોએ બજારમાં ઠાલવવી પડશે તો જ દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધારો જોવા મળશે. બેંકમાં નોન પર્ફોમીંગ લોનનો આંકડો પણ ઘણાખરા અંશે વધુ છે. સાથો સાથ બેંકોનાં એનપીએમાં પણ અનેકઅંશે વધારો જોવા મળ્યો છે પરંતુ આ તમામ મુદાને એક તરફ રાખી દેશની આર્થિક સ્થિતિને સુધારવા માટે નાણાકિય સહાય મળવી અત્યંત આવશ્યક બની રહેશે.

દેશનાં બેન્કિંગ ક્ષેત્ર માટે કુલ ૨૦ બિલીયન ડોલરની આવશ્યકતા જરૂરી છે જેમાંથી ૧૩ બિલીયન ડોલર પબ્લીક સેકટર બેન્કોનાં વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પબ્લીક સેકટર બેંકોની સ્થિતિમાં સુધારો લાવવા અને સ્વનિર્ભર બનવા માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે અને જેને લઈ નાણા મંત્રાલય પણ સજજ બન્યું છે. બજારમાં પુરતા નાણા મળી રહે તે માટે સરકાર અનેકવિધ રીતે પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે નાણાકિય વર્ષ ૨૦૨૧ માટે સરકારે પબ્લીક સેકટર બેંક યુનિટમાં કેટલા રૂપિયા આપવા તે હજુ સુધી નકકી થઈ શકયું નથી. એક તરફ એ વાત પણ સ્પષ્ટ છે કે પબ્લીક સેકટર યુનિટોમાં બેંકોને આપવામાં આવતા નાણાની જોગવાઈ પણ હજુ સુધી કરવામાં આવી નથી જેથી હાલની વાસ્તવિક પરિસ્થિતિમાં બજારમાં તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે સરકાર પબ્લીક સેકટર બેંક, હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન, નોન બેન્કિંગ ફાયનાન્સ કોર્પોરેશન આ તમામ ક્ષેત્રોને બેઠા કરવા માટે હાલ અત્યંત મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે. દેશનાં આર્થિક વિકાસ માટે જો આ તમામ ક્ષેત્રોને બેઠા કરવામાં આવશે તો તેની સીધી જ અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર હકારાત્મક અસર જોવા મળશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.