કચેરીઓમાં ફોન, કોમ્પ્યુટર, એસી, ફર્નિચર સહિતની વસ્તુઓની ખરીદી ઉપર રોક

માર્ચ ૨૦૨૧ સુધી નાનામાં નાની ખરીદી પણ નાણાં વિભાગના ઈશારે થશે: તમામ સરકારી કચેરીઓને વીજબીલ ઓછા આવે તેની તકેદારી રાખવાની સૂચના પણ અપાશે

કોરોના સામેના જંગમાં આર્થિક માર પડ્તા સરકારે શરૂ કરી કરકસર

કોરોનાની મહામારી સામેની જંગમાં સરકારને આર્થિક માર પડ્યો હોય જેને ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા કરકસર શરૂ કરવામાં આવી છે. જેથી હવે કચેરીઓમાં ફોન, કમ્પ્યુટર, એસી, ફર્નિચર સહિતની વસ્તુઓની ખરીદી ઉપર રોક લગાવવામાં આવી છે. હવે નાનામાં નાની વસ્તુની ખરીદી માટે પણ નાણા વિભાગની મંજૂરી લેવી પડશે તેવુ જાણવા મળ્યું છે.

કોરોના સંક્રમણના સમયમાં સરકારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કચેરીઓ માટે નવી ખરીદી બંધ કરી દેવામાં આવી છે. હવે નાનામાં નાની વસ્તુઓની ખરીદી માટે પણ નાણાં વિભાગની મંજૂરી લેવી પડશે.

આ પ્રકારના પ્રતિબંધના આદેશનું પાલન માર્ચ ૨૦૨૧ સુધી કરવું પડશે.

સરકારી વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનની કચેરીના વડાને આપવામાં આવેલી સૂચના પ્રમાણે નવાં વાહનોની ખરીદી કરી શકાશે નહીં. ઇલેક્ટ્રોનિક્સ સાધનો, જેવાં કે કમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્સ, એસી, મોબાઇલ ફોન, લેપટોપ, કૂલર અને આઇટી સંલગ્ન મશીનરીની ખરીદી પર ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ ઉપરાંત કોઇપણ ઓફિસમાં નવું ફર્નિચર વસાવી શકાશે નહીં.

રાજ્યના નાણાં વિભાગના અધિકારીઓની સમીક્ષા બેઠક પછી તેણે નવી ખરીદી આવતા વર્ષ સુધી બંધ કરી દીધી હોવાના આદેશ કર્યા છે, જેથી સરકારી કચેરીઓ સંકટ અને અસુવિધાનો સામનો કરી રહી છે. નાણાં વિભાગે મોટા ભાગની ખરીદી ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી સ્થગિત કરી દીધી છે.

જો ખરીદી માટેના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હોય તો એને ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી સ્થગિત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિભાગે એવું પણ કહ્યું છે કે સરકારી કચેરીઓમાં વીજળીનો વપરાશ કરકસરયુક્ત થવો જોઇએ. તમામ કચેરીએ માસિક વીજબિલમાં ઘટાડો થાય એવા પ્રયાસ કરવાના રહેશે.

Loading...