“બાબરા અરજીઓ લખનારે ચિઠ્ઠી લખી પોતાના મૃત્યુ માટે ફોજદાર જયદેવ અને પત્રકારને જવાબદાર ઠેરવી જાતે ઝેર પીને આત્મહત્યા કરી

99

“આવા સંજોગોનો ગેરફાયદો રાજકારણીઓ ન લે તો જ નવાઈ કહેવાય, વિધાયકે તાત્કાલીક ધરપકડ કરાવવા જોર લગાવ્યુ

કુદરત કે ઈશ્ર્વર કોઈનો નાશ કરતા જ નથી. દરેક વ્યકિતના પોતાના સંચિત કર્મો જયારે પૂરા પાકી જાય ત્યારે તે ફળ આપવા તૈયાર થાય તે ‘પ્રારબ્ધ કર્મ’ના પરિણામ રૂપ તે વ્યકિતની તેવી બુધ્ધી થાય છે. જે વ્યકિતએ વિકર્મ કે નિશિધ્ધ કર્મો પાપ કર્યા હોય તો તેની બુધ્ધી ભ્રષ્ટ થતા તેનો જાતે જ વિનાશ થાય છે. તે રીતે પવન ગોરના પ્રારબ્ધ કર્મ હવે ફળ આપવા તત્પર થયા હતા!

પવનગોરને છાપામાં આવતી તેની જૂની પાપ લીલાની એક પછી એક વાતોનો એવો ભય હતો કે જો આ તમામ બાબતો અંગે ગુન્હા નોંધાય તો હવે તેની બાકીની જીંદગી જેલની કાળ કોટડી ચાર દિવાલોમાંજ પૂરી થશે તે વિચારે તેણે પોતાની વિચાર શકિત અને મનનો વિવેક ગુમાવી દીધો કે હવે શું કરવું?

ફોજદાર જયદેવ હવે કોઈપણ સંજોગોમાં આ ગુન્હામાં બાંધછોડ કરે તેવી શકયતા જ ન હતી બાબરા પત્રકારના વિરોધી જુથ સાથે પવન ગોરને મીત્રાચારી હતી તેથી ભૂતકાળમાં પવને પત્રકારને બે ત્રણ વખત હડફેટે લીધેલ પરંતુ ચબરાક અને ચકોર પવન કયારેય પત્રકારની અડફેટે ચડેલ નહિ હવે પત્રકારને માંડ પવનને અડફેટે લેવાનો મોકો મળ્યો હતો જોકે મોકો સાચો હતો તેથી પત્રકારે પોતાની પુરી શબ્દરૂપી તાકાત ને કામે લગાડીને પવનની પાપલીલાઓને શણગારી શણગારીને છાપામાં મોકલતા હતા.

આખરે બાબરા પોલીસ ઉપર અમરેલી સેશન્સ કોર્ટની નોટીસ આવી કે આ પવન ગોર વિરૂધ્ધના કેસ કાગળો લઈ અદાલતમાં હાજર થાવ, પવન ગોરે અમરેલીનાં એક પ્રતિષ્ઠિત અને વિદ્વાન વકીલ મારફતે આ ગુન્હા માટે આગોતરા જામીન અરજી મૂકી હતી. જયદેવે રાયટર અરૂણને કહ્યું ‘અરૂણ હવે આપણી ખરીક સોટી શરૂ થાય છે. આખા સમાજની નજર આપણી ઉપર છે.’ અરૂણે કહ્યું ‘પણ સાહેબ આમાં આપણે શું કરી શકીએ?’ જયદેવે કહ્યું ‘આપણે અત્યાર સુધી કરેલ તપાસ, એકઠો કરેલો પુરાવો અદાલત સમક્ષ એવી રીતે રજૂ કરી એ કે અદાલતને પણ એ વાત ગળે ઉતરી જાય કે આ હકિકત ખરેખર જાહેરહીતની બાબત છે. અને આ ચુકાદાની દુરોગામી અસર કાયદો અને વ્યવસ્થા તથા સમાજ ઉપર પણ પડશે.’

જયદેવે રાત ઉજાગરો કરી સેશન્સ કોર્ટમાં રજૂ કરવાની એફીડેવીટ જાતે તૈયાર કરી અને બીજે દિવસે સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ ને મળ્યો. જયદેવે સરકારી વકીલને એફ.આઈ.આર.થી લઈને છેલ્લી ઘડી સુધીના એકઠા કરેલા પુરાવા અને આરોપી પવનનોતેમાં શું રોલ છે. તેનાથી અવગત કર્યા. સરકારી વકીલે પણ આ કિસ્સો છાપામાં વાંચેલો તેથી તેઓએ પણ આકેસમાં રસ લઈ ફોજદાર સાથે પૂરો વિચાર વિમર્શ કરી પૂર્વ તૈયારી કરી. સરકારી વકીલે અગાઉના આગોતરા જામીન અંગેના પ્રોસીકયુશન ફેવરના ચૂકાદાઓ શોધી કાઢ્યા કે આરોપીને આગોતરા જામીન કયા સંજોગોમાં આપી શકાય નહિ વધુમાં ફોજદારને કહ્યું સુનાવણી વખતે તમે અદાલતમાં જ હાજર રહેજો કોઈ ખૂટતી બાબત અંગે તમને પુછવું પડે જયદેવે કહ્યું ભલે.

અદાલતમાં સરકારી વકીલે બુધ્ધીપૂર્વક દલીલો કરી જાહેર હીતમાં આવા ગંભીર પ્રકારનાં ગુન્હાના આરોપીને આગોતરા જામીન આપી શકાય નહિ તેના ઉચ્ચ અદાલતોના ચૂકાદા ટાંકીને ભારપૂર્વક રજૂઆત કરી. બચાવ પક્ષના વકીલે પણ જોરદાર દલીલો કરી કે નામદાર કોર્ટ જુએ કે આ કિસ્સો ‘ઉલટા ચોર કોટવાલ કો દંડે’ તેવો અદલ છે. આ અમારા અસીલ ખરેખર ફરિયાદી છે વળી માનવતાના ધોરણે મરનારને આશરો આપતા આ ‘ઉલટી બલા અમને ગળે વળગી છે’ એફ.આઈ.આર. મુજબના ખરેખર આરોપીને પોલીસે સાક્ષી બનાવી દીધો છે અને મનસ્વી રીતે ફરિયાદીને આરોપી બનાવ્યો છે. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળી બીજા દિવસે ચૂકાદો જાહેર કરવાનો હુકમ કર્યો.

ચૂકાદાના દિવસે જયદેવ બાબરા પોતાની ચેમ્બરમાં કામ કરી રહ્યા હતો. ત્યારે સાડા અગીયારેક વાગ્યે અમરેલીથી એક ટેલીફોન આવ્યો કે પવનગોરને અમરેલી કોર્ટમાં જામીન મળ્યા નહિ અને તે હવે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે ગયો છે.

અમરેલી સેશન્સ કોર્ટ માફક જ જયદેવે અમદાવાદ હાઈ કોર્ટમાં સરકારી વકીલનેકેસની હકિકતથી વાકેફ કર્યા અને હાઈકોર્ટમાંથી પણ પવનને આગોતરા જામીન મળ્યા નહિ. હાઈકોર્ટ હુકમ કર્યો કે આ મહિનાની ૧૫મી તારીખના ક.૧૧/૦૦ સુધીમાં તપાસ કરનાર અધિકારી સમક્ષ હાજર થવું.

બાબરાના પત્રકારે આ સેશન્સ કોર્ટ તથા હાઈકોર્ટે પવનગોરને આગોતરા જામીન આપ્યા નહિ તે સમાચારો પણ છાપામાં લડાવી લડાવીને મોકલ્યા કે જે વાંચનારને પણ રસ પડવા માંડે.

બાબરા ગામ નાનુ અને શેરીઓ એટલી વાતો અને અફવાઓ !નવાઈની વાત એ હતી કે આજદીન સુધીમાં પવનની કોઈ એક પણ ભલામણ જયદેવ ઉપર આવી નહતી. જનતાને તો ઠીક હવે પોલીસ દળના જવાનોને પણ હવે શું થશે તેની ઈન્તેજારી હતી. તારીખ નજીક આવતી જતી હતી પરંતુ જયદેવ ને તે બાબતની કોઈ ઉતાવળ નહતી.

તારીખ ૧૫મીના સવારના નવ વાગ્યે જયદેવ પોલીસ સ્ટેશનમાં ચેમ્બરમાં બેઠો હતો ત્યારે તેના ટેલીફોનની ઘટડી ગરજી ઉઠી. જયદેવે જાતે જ ફોન ઉપાડયો સામા છેડે સરકારી ડોકટર હતા. ડોકટરે જયદેવને કહ્યું ‘સાહેબ તમારો આરોપી પવન ગોર જાતે ઝેર પીને સારવારમાં આવેલ છે. અને તેણે એટલે પવનગોરે કહ્યું છે કે તાત્કાલીક મામલતદારને બોલાવો મારે ડીડી લખાવવું છે. જયદેવે તુર્ત જ બાબરા મામલતદારનેમરણોન્મુખ નિવેદન નોધવા યાદી લખી અને ડોકટરે આપેલ વર્ધી સ્ટેશન ડાયરી અને ટેલીફોન રજીસ્ટરમાં નોંધી લીધી અને જરૂરી સ્ટાફ સાથે દવાખાને આવ્યો. ડોકટરે જયદેવને કહ્યું કે દર્દીની હાલત અતિ નાજૂક જણાય છે. જયારે સારવારમાં આવ્યો ત્યારે સંપૂર્ણ ભાનમાં હતો અત્યારે અર્ધ બેશુધ્ધ હાલતમાં છે. તેમને તાત્કાલીક અમરેલી રીફર કરવા પડશે. દવાખાનાના દરવાજે એમ્બ્યુલન્સ તૈયાર જ ઉભી હતી તેથી દવાખાનાનો સ્ટાફ અને પવનના સંબંધીઓ તેને સ્ટ્રેચરમાં સુવાડી એમ્બ્યુલન્સમાં લઈ અમરેલી જવા રવાના થયા.

જયદેવે પોલીસ સ્ટેશનમાં આવી આ જાણવા જોગ નોંધ અને દર્દીને રીફર કર્યાની જાણ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ઘટતી કાર્યવાહી કરવા વાયરલેસથી કરી દીધી. પરંતુ એમ્બ્યુલન્સ ચિતલ રેલવે ફાટક પાસે પહોચી ત્યાં દર્દી પવન ગોરે અંતિમ શ્ર્વાસ લીધા અને માથુ ઢાળી દીધું. આથી એમ્બ્યુંલન્સ ચિતલ રેલવે ફાટકેથી પાછી વળી. ડોકટરે ટેલીફોનથી જયદેવને એમ્બ્યુલન્સ પાછી આવવાના અને દર્દીના મોતની જાણ કરી જયદેવને આઘાત લાગ્યો અને મનમાં થયું કે કર્મના સિધ્ધાંત મુજબ સંચિત નિશિધ્ધ કર્મ પાપનું પરિણામ પવન ગોરને મળી ગયું.

જયદેવે વધુ એક અકસ્માત મોતની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી તે તપાસ જાતેથી જ સંભાળી લીધી અને દવાખાને આવ્યો. પવનની લાશ પી.એમ. રૂમમાં રાખેલી હતી. બાબરાના બે પ્રતિષ્ઠિત પંચોને બોલાવી લાશનું ઈન્કવેસ્ટ પંચનામું ચાલુ કર્યું પવનની લાશના કપડાના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવી જે વાંચીને પંચોતો ઠીક પણ જયદેવ પણ સ્તબ્ધ થઈ ગયો. આ ચિઠ્ઠી પવનગોરે જાતે વિગતવારની લખી હતી જે ચીઠ્ઠીની નકલો બાબરાના ધારાસભ્ય અમરેલીના કલેકટર અને પોલીસ વડાને પણ ટપાલ રસ્તે મોકલેલની નોંધ કરેલી હતી.

ચિઠ્ઠીમાં જે લખાણ હતુ તેમાં પવન ગોરે પોતાના મૃત્યુ માટે બે વ્યકિતઓને જવાબદાર ઠેરવ્યા હતા. પોતાના વિકર્મ નિશિધ્ધ કર્મ પાપકર્મને નહિ જે જવાબદાર ઠેરવેલ વ્યકિતમાં પહેલુ નામ હતુ પત્રકાર બાબરાનું કે જેણે છાપામાં આ બાવાજી બાઈના મૃત્યુના સમાચારો છાપી સમાજમાં પોતાને મોઢુ દેખાડયા જેવો રહેવા દીધો ન હતો. અને બીજુ નામ ફોજદાર જયદેવનું કે જેણે તેના કહેવા મુજબ ખોટી તપાસ કરી સાચા આરોપીને સાક્ષી બનાવ્યો અને ફરિયાદી (પવન પોતાને)ને આરોપી સાબિત કર્યો એક ગરીબ નિર્દોષને ભયંકર ગુન્હામા ખોટો ફીટ કર્યાનો આક્ષેપ હતો. પંચોએ કહ્યું આવી ચીઠ્ઠી કાંઈ કબ્જે કરવાની ન હોય તેને સળગાવી દયો. જયદેવે કહ્યું નહિ ચીઠ્ઠી ઉપર તમે સહીઓ કરો હું પણ સહી કરીશ અને તે કાયદેસર કબ્જે થશે હાજર તમામ લોકોને આશ્ર્ચર્ય થયું કે પવન કયાં હરિચંદ્રનો અવતાર હતો છાપામાં આવતું હતુ તે બધુ સાચુ જ છે ને? જયદેવે કહ્યું ‘તે પણ સાચુ છે ને કે આ ચિઠ્ઠી પવનના ખીસ્સામાંથી મળી આવી. ચીઠ્ઠીમાં કરેલા આક્ષેપો સાચા છે કે ખોટા તે આપણે કયાં નકકી કરવાનું છે’ તે તો તટસ્થ અધિકારી નકકી કરશે કે લખેલ હકિકત સત્ય છે કે કેમ? અને ચિઠ્ઠી કબ્જે થઈ.

બાબરા ગામમાં સન્નાટો ફેલાઈ ગયો. પોલીસે લાશ પોસ્ટ મોર્ટમ કરવા માટે ડોકટરને સોપી જયદેવ આગળની તપાસ માટે પવન ગોરના ઘેર આવ્યો અહીનો માહોલ જોઈને જયદેવને પારાવાર દુ:ખ થયું પવનના ઘેર રોકકળ ચાલુ હતી પરંતુ પવનની પત્ની જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ સ્થિત પ્રજ્ઞ ભાવે બેઠી હતી કેમકે તે તો મનોરોગી હતી. જયદેવે વિચાર કર્યો કે એક જ વ્યકિતના અવળા કાર્યો નેકારણે કેટલા બધા લોકો દુ:ખી અને પરેશાન છે. આવા કારણોને લીધે જ શાસ્ત્રોમાં નિશિધ્ધ કે વિકર્મ પાપકર્મ કરવાની મનાઈ કરી હશે અને તે બરાબર જ છે.ઘરમાં બનાવવાળી જગ્યાનું પંચનામું કર્યું ઝેરની ખાલી શીશી કબ્જે કરી પથારીના ઓશિકા નીચેથી પણ એક ચિઠ્ઠી મળી જે લાશના કપડાના ખીસ્સામાંથી મળી હતી તેવી જ અરજી પ્રકારની હતી તે પણ જયદેવે કબ્જે કરી.

આ બનાવની વાત બે ત્રણ દિવસમાં ભૂલાવા માંડી હતી. પરંતુ પવનગોરે ટપાલ રસ્તે રવાના કરેલ અરજીઓ જે તે જગ્યાએ પહોચી ગઈ. ધારાસભ્ય પાસે અરજી પહોચી એટલે તેમણે અસલ રાજકારણની અદાથી અમરેલીમાં પ્રેસને ઈન્ટરવ્યુ આપ્યો કે પોલીસે ભલે કાયદેસરની કાર્યવાહી કરી હોય અને તેને કારણે પવનને અદાલતમાંથી આગોતરા જામીન મળ્યા નહોય. પરંતુ બાબરાના પત્રકારે જે રીતે આરોપીઅંગે માહિતી પ્રસિધ્ધ કરી તેતો પવન ગોરની આત્મહત્યાનું કારણ બને જ છે. અને તેટલાપૂરતી તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સત્તાધારી પક્ષના વિધાયક એટલે તાત્કાલીક આ અરજીની તપાસ સીપીઆઈ આપાભાઈને સોંપાઈ.

ધારાસભ્યને આટલો અંગત રસ લેવાનું કારણ એ હતુ કે ધારાસભ્યની પક્ષાપક્ષી ભેદભાવ નીનીતિ અને કોઈ બાબત અંગે નિષ્ક્રિયતા અંગે બાબરાના પત્રકાર બાબરાની જનતાનો અવાજ છાપામાં પહોચાડતા હતા. હવે ધારાસભ્યને મોકો મળ્યો હતો તે ઉપરાંત બાબરાનું પત્રકારનું અંગત હરીફ જૂથ પણ તેના ટેકામાં ઉભુ થયું હતુ આથી આ બાબત પણ ફરીથી બાબરામાં લોકચર્ચાનો અને પત્રકારની ધરપકડ વિગેરે બાબતે અફવાઓનું કારણ બની હતી!

આથી પત્રકાર રાત્રીના સમયે જયદેવને મળ્યા અને પૂછયું કે હવે આમાં શું થશે? જયદેવે કહ્યું ગભરાવાની કોઈ જ‚ર નથી. તમે જે કર્યું છે તે ભારતીય બંધારણ મુજબ મૂકત અભિવ્યકિતના હકકથી કર્યું છે. છપાયેલ બાબત વિરોધી હકિકત સાબિત ના થાય ત્યાંસુધી મુંઝાવાનું કોઈ કારણ જણાતુ નથી. પત્રકારે જયદેવને કહ્યું આમતો આમાં આપણે બંને સાથે જ છીએને?’ જયદેવે કહ્યું હા આક્ષેપોમાં આપણે બંને સાથે છીએ પરંતુ બંનેની જવાબદારી અલગ અલગ છે છતાં મારો તમને સંપૂર્ણ ટેકો છે અને મુશ્કેલીમાં મારી જરૂર પડયે મારો સંપર્ક અવશ્ય કરજો તેમાં પણ હું સત્યના પડખે જ રહીશ. આતો અંધર્મ સામેનું યુધ્ધ છે. તમે સત્યના પક્ષે છો એવું મારૂ મંતવ્ય છે. જયદેવના શબ્દો સાંભળી ને ઉમર લાયક પત્રકાર ખૂશ થઈ ગયા.

બીજે દિવસે સીપીઆઈ આપાભાઈ આ અરજીની તપાસમાં ‘મારતે ઘોડે’ આવે તેમ બાબરા આવ્યા જયદેવને મળી ચર્ચા કરી કે ‘બાબરાની દરેક બાબત વિવાદના મોટા કુંડાળા જ ઉભા કરે છે. જયદેવે હંસીને કહ્યું કે ‘એટલા માટે તો આપણને ખાતામાં રાખ્યા છે ને?’ આપાભાઈએ કહ્યું પરંતુ આ કિસ્સામાં તો ધારાસભ્ય પત્રકારને ગમે તેરીતે ફસાવવા માંગે છે. તેથી વચ્ચે હું સલવાયો છું’. જયદેવે પૂછયું કેમ? આપાભાઈ એ કહ્યું કે આ પ્રકરણમાં એકબાજુ તમે છો અને સાથે બીજી બાજુ ચોથી જાગીર પ્રેસ છે. જયદેવે કહ્યું ‘તો શું થઈ ગયું? કરો કાયદેસર તપાસ અને હા અમને

એટલી રાહત કે લાભ આપજો કે જો ધરપકડ કરવાની થાય તો મને પહેલા જાણ કરજો એટલે અમે બંને જણા કાયદાની રૂએ આગોતરા જામીન તો લઈ શકીએ?થી આપાભાઈએ કહ્યું ‘એ તોવાત છે, તમે તોબધુ કાયદેસર કર્યું છે તેથી તમારી કોઈ જવાબદારી થતી નથી અને ધારાસભ્યએ પણ કહ્યું છે કે ફકત પત્રકાર વિરૂધ્ધ જ કાર્યવાહી કરવાની છે આજ મોટો પ્રશ્ર્ન છે. જયદેવે કહ્યું ‘કાયદેસર રીતે જોઈએ તો પત્રકારે પણ કાંઈ ખોટું કર્યુંનથી તેણે તો તેને મળેલ બંધારણીય મુકત અભિવ્યકિતના હકકનોજ ઉપયોગ કર્યો છે. સાચુ કહેવું એ ગુન્હો બનતો હોય તેવું હું માનતો નથી’ અને જયદેવે સીપીઆઈ આપાભાઈને ચેતવતા કહ્યું કે ‘જો જો આ તો તમારો અમરેલી જિલ્લો રાજકીય કુરૂક્ષેત્ર છે તેના આવા ‘રાજકીય ચક્રવ્યુહ’માં ફસાયા તો બહાર નીકળવાનો રસ્તો પણ રાખજો નહિ તો પેલા અભિમન્યુ વાળી થશે જો ફસાણા તો સમર્થ મામા શ્રી ક્રિશ્ર્ન કે સમર્થ બાણાવાળી અર્જુન પણ બચાવી નહિ શકે !’

સીપીઆઈ આપાભાઈ એકદમ ઢીલા થઈ ગયા અને કહ્યું ‘સાલી વાત સાવ સાચી છે તમે આ જીલ્લાના રાજકારણને’ ઘોળીને પી ગયા છો’ કોણ કયારે કયાં હોય અને શું કરશે કે શું કહેશે તેનું કાંઈ નકકી જ નહિ દરેકને પોતાનો સ્વાર્થ લાગ્યો છે!

સીપીઆઈ આપાભાઈ અરજીની તપાસમાં બાબરા આવેલા અને બંને અકસ્માત મોત (બાવાજી પરિણીતા અને પવનગોર)ના કેસ કાગળો અને આઈપીસી ક ૩૦૬ના ગુન્હાના કેસ કાગળોની ઝેરોક્ષ નકલો લઈ ગયાની હકિકતની પત્રકારને ખબર પડી. પોલીસ દળમાં અને જનતામાં પણ આ સીપીઆઈની તપાસ બાબતે ચર્ચા અને અફવાઓ એ જોર પકડયું હતુ અવનવી વાતો થતી હતી કે હવે ફોજદાર અને પત્રકાર ને ખબર પડશે કે ‘કેટલી વિશે સાથે થાય છે.’

પત્રકારે ટેલીફોનથી જયદેવ સાથે વાત કરી અને આ અરજીની તપાસમાં સીપીઆઈ આપાભાઈ શું કરીને ગયા તે અંગે ચર્ચા કરી જયદેવે કહ્યું બંને અકસ્માત મોતના કેસ કાગળો અને આત્મહત્યા દુષ્પ્રેરણા અંગેના આઈપીસી ક.૩૦૬ મુજબના કેસ કાગળોની ઝેરોક્ષ નકલો લઈ ગયાનું જણાવ્યું. વૃધ્ધત્વના આરે પહોચેલા પત્રકારને હવે રીતસર ધરપકડનો ભય વ્યાપી ગયો તેમણે જયદેવને કહ્યું ‘હું આજથી જ નજર બહાર થઈ જાવ છું અને આગોતરા જામીન લઈને જ આવીશ, તમારો શું વિચાર છે?’ જયદેવે પત્રકારને આગ્રહ કરી સમજાવીને આગોતરા જામીન માટે અદાલતમાં નહિ જવા કહ્યું. પરંતુ પત્રકારે કહ્યું તમારા ખાતાનો ભરોસો નહિ જયંદેવે કહ્યું તો મારો વ્યકિતગત ભરોસો તો કરો શા માટે ‘પેટ ચોળીને પીડા ઉભી કરો છો’ પણ હા જીવની શાંતિ માટે થોડો સમય મહેમાન ગતી માણવી હોય તો બહાર ગામ જઈ આવો. અને પત્રકાર નજર બહાર થઈ ગયા.

પરંતુ પાંચેક દિવસમાં જ જયદેવને બાતમી મળવા લાગી કે પત્રકાર ગામડાઓમાં આવેલ જુદા જુદા ધાર્મિક સ્થળોએ અને આશ્રમોમાં સાધુ સંતો સાથે જ રહે છે. પંદરેક દિવસ રખડયા પછી ચાવંડ ગામેથી પત્રકારનો ફોન આવ્યો કે હવે હું કંટાળ્યો છું વકીલે બાંહેધરી આપી છે કે આગોતરા જામીન મળી જશે જયદેવે સામેથી કહ્યું ‘હું તમને બાંહેધરી આપું છું કે હું તમારી સીધી ધરપકડ નહિ થવા દઉ અને સંજોગો ઉભા થયે આગોતરા જામીન લેવાનો હું તમને ચોકકસ મોકો આપીશ. રહી વાત મારી હું તો આગોતરા જામીન લેવાનો નથી પછી ભલે મારી ધરપકડ કરે.’

આખરે પત્રકાર ગામમાં પાછા આવી ગયા અને પોતાના કામમા લાગી ગયા દરમ્યાન જયદેવને ધારાસભ્ય સાથે મળવાનું થયું અને આ મુદે ચર્ચા થઈ જયદેવે ધારાસભ્યને સમજાવતા કહ્યું કે ‘અવેરેજ શમે વેર, ન શમે વેર વેરથી’ દેશમાં લોકશાહીની મુકત અભિવ્યકિતની સ્વતંત્રતા છે.વળી તટસ્થ અને નિષ્પક્ષ પત્રકારત્વ લોકશાહીનો મજબુત આધાર સ્તંભ છે કે  જેની નીચે આપણે રહીએ છીએ જનતા પણ ભૂતકાળની વાત યાદ કરતી નથી તમે તેને લઈને તમારૂ વ્યકિતત્વ શા માટે વિવાદમાં ઉતારો છો આથી વિધાયકને વાત ગળે ઉતરી ગઈ અને સીપીઆઈ આપાભાઈને આ અરજીની તપાસમાં દબાણ કરવાનું બંધ કર્યું.

ત્યારબાદ સીપીઆઈ આપાભાઈએ તમામ કેસ કાગળોનો અભ્યાસ કરી બાબરા ગામમાં પણ ખાનગીમાં અને પછી જાહેરમાં તપાસ કરી તો ફોજદાર અને પત્રકાર બંને સાચા હતા. તેથી તેમણે જયદેવને કહ્યું હવે તમે બંને નિશ્ર્ચિત રહેજો કોઈ વિરૂધ્ધ કાંઈ કરવાનું નથી. જો કે જયદેવ ને તો ખબર જ હતી કે આ પગલુ લેવું તે સહેલી વાત નહતી અને કાયદેસર પણ ન હતી.

પરંતુ ત્યારબાદ બાબરાના તે  પત્રકાર કટોકટી કાળ સને ૧૯૭૬નો પોલીસનો ખરાબ અનુભવ ભુલીને કાયમી ધોરણે ફોજદાર જયદેવના મિત્ર બની ગયા.

Loading...