Abtak Media Google News

“મધર્સ ડે”ના  ઉપલક્ષે લાઈવ પ્રસારણના માધ્યમે “મા પરમાત્મા” કાર્યક્રમમાં હજારો ભાવિકો જોડાયા

દરેક સંતાનોએ પોતાની માતાના હૃદયમાં ધર્મભાવ જાગૃત કરીને માતાના ઉપકારોથી ઋણ મુક્ત થવા તેમજ દરેક માતાઓએ પોતાનાં સંતાનની આત્મરક્ષાના ભાવ કરી મા માંથી પરમાત્મા બનાવાના બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે “મા પરમાત્મા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. “મધર્સ ડેના ઉપલક્ષે લાઈવ પ્રસારણના માધ્યમે આયોજિત મા પરમાત્માના આ કાર્યક્રમ અંતર્ગત દેશ વિદેશના હજારો ભાવિકો જોડાયાં હતાં. જેમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી સહુએ પોતપોતાના પોતાની માતા પ્રત્યે  ઉપકારોની અભિવ્યક્તિ અને કરેલાં અપરાધોની ક્ષમાયાચના કરતાં સહુના હૃદય એક અકથ્ય સંવેદના સાથે સ્પંદિત થયાં હતાં.

આ અવસરે પરમ ગુરુદેવે બોધ વચન ફરમાવતાં સમજાવ્યું હતું કે, સદભાગી હોય છે એવા લોકો જેના પર માની છત્રછાયા હોય છે પરંતુ પરમ સદભાગી હોય છે એ મા જે પોતાના સંતાનના સંયમ અને ગુણો પ્રત્યે નમસ્કૃત બનતી હોય છે . મા દરેકને પ્રિય હોય છે પરંતુ માના પ્રેમની તુલનામાં મોટાભાગના સંતાનોનો પ્રેમ ઊણો પડતો હોય છે. દરેક સંતાન માટે મા ઉપકારી હોય છે પરંતુ પરમાત્મા કહે છે કે જે સંતાન પોતાની માતાના હૃદયમાં ધર્મ પ્રેરણા જાગૃત કરી દે છે તે જ સંતાન માતાના ધર્મ ઉપકારી બનીને માતાના ઋણમાંથી મુક્ત બની શકે છે. એક સંતાન માટે માના ઉપકારોથી ઋણ મુક્તિનો એક જ ઉપાય છે અને તે છે સંતાન દ્વારા થતો ધર્મ ઉપકાર.

આ અવસરે ઓલ ઈન્ડિયા લુક એન લર્ન સેન્ટર્સ તરફથી “બાલ ઉત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું . છેલ્લાં કેટલાંય દિવસથી દેશભરમાં ચાલી રહેલાં લોકડાઉનના આ સમયમાં જ્યારે સર્વત્ર શિક્ષામંદિરો બંધ છે તેમ છતાં આ સમયમાં જ્ઞાન આરાધના અને અવનવા કલા કૌશલ્યના પ્રાગટ્ય સાથે સમયને સાર્થક કરનારા એવા લુક એન લર્નના અનેક બાળકોએ વિધવિધ પ્રકારે ગુરુ પરમાત્મા અને જિન શાસન પ્રત્યે ઉપકાર અભિવ્યક્તિ કરતાં સહુના હૃદયને સ્પર્શી ગઈ હતી.

આ અવસરે અનેક બાળકોએ વકૃત્વ કળા, સિંગિંગ કળા, ડ્રામા આદિ દ્વારા સુંદર ભાવોની અભિવ્યક્તિ કરી હતી. એ સાથે જ, સુંદર પેઇન્ટિંગ, સુંદર પોસ્ટર્સ અને ડ્રોઈંગ દ્વારા ભગવાન મહાવીરના સંદેશની પ્રેરણા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.