Abtak Media Google News

મેલબર્ન, સીડની અને એડિલેડ ખાતેનાં ગ્રાઉન્ડ પર પ્રેક્ષકોની સંખ્યામાં માત્ર ૨૫ ટકાને જ અપાશે મંજુરી

હાલનાં મહામારીનાં સમયમાં કોરોનાએ પણ રમતોને અસર પહોંચાડી છે ત્યારે ક્રિકેટને પણ માઠી અસરનો સામનો કરવો પડયો છે. વિવિધ ક્રિકેટ બોર્ડને પણ નાણાકિય ખેંચતાણનો અનુભવ કરવો પડયો છે અને ખાધ પુરતા પ્રમાણમાં ઉભી થઈ છે ત્યારે ઓસ્ટ્રેલિયા પોતાની નાણાકિય ખાધ પુરવા માટે કોઈપણ ભોગે ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વિશ્ર્વકપ રમાડવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી રહ્યું છે અને નાણાને કેવી રીતે ઉસેડી શકાય તે માટે પણ હાલ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરીસને જણાવતા કહ્યું હતું કે, ઓકટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી-૨૦ વિશ્ર્વકપમાં માત્ર ગ્રાઉન્ડ પર ૨૫ ટકા જ પ્રેક્ષકોને મેચ નિહાળવાની મંજુરી આપવામાં આવશે.

ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-૨૦ વર્લ્ડ કપ થવાની અપેક્ષાઓ વધી છે. શુક્રવારે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને દેશમાં રમતની વાપસી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આવતા મહિનાથી દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી આપવામાં આવશે. જોકે, પ્રારંભિક તબક્કે ૨૫% દર્શકો જ સ્ટેડિયમમાં આવી શકશે. તેમણે કેબિનેટની બેઠક બાદ માહિતી આપી હતી કે, આ ફેરફારો રમતગમતની સ્પર્ધાઓ, તહેવારો અને કોન્સર્ટમાં લાગુ થશે. ૪૦ હજારની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં શરૂઆતમાં ફક્ત ૧૦,૦૦૦ દર્શકો (૨૫%) જ આવી શકશે.

સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયા કપ મુલતવી રાખવાની સ્થિતિમાં આઈપીએલ યોજાય તેવી સંભાવના છે. આ વખતે પાકિસ્તાનની યજમાનીમાં દુબઇમાં એશિયા કપ થવાનો છે. શરૂઆતમાં તે પાકિસ્તાનમાં યોજવાનો હતો, પરંતુ ભારતે ત્યાં જઇને ટૂર્નામેન્ટ રમવાનો ઇનકાર કરી દીધો હતો. આ કારણોસર, એશિયા કપને તટસ્થ પર ખસેડવામાં આવ્યો હતો. આ વિંડોમાં, લીગનું આયોજન કરવું સરળ નથી કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણી વાર કહ્યું છે કે તે ઈંઙક માટે એશિયા કપ મોકૂફ રાખશે નહીં. આ ઉપરાંત તે સમયે ભારતમાં ચોમાસાની સીઝન છે. આવી સ્થિતિમાં વરસાદ પણ અવરોધ બની શકે છે.

મોરિસને વધુમાં કહ્યું કે આ માટે મોટી અને ખુલ્લી જગ્યા હોવી જોઈએ. તેમાં પણ બે જણાની વચ્ચે વ્યાજબી અંતર હોવું જોઈએ. ટિકિટ આપવાની જરૂર પડશે જેથી લોકો સમજે કે આ કાર્યક્રમમાં કેટલા લોકો આવી શકે છે. તેમણે કહ્યું કે મુખ્ય આરોગ્ય અધિકારીઓની મદદથી જાહેર સ્થળો માટે ગાઈડલાઈન બનાવવામાં આવી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ માટે આ રાહતના સમાચાર છે કારણ કે હવે તેઓ શેડ્યૂલ મુજબ ઓક્ટોબર-નવેમ્બરમાં ટૂર્નામેન્ટ યોજશે. કોઈપણ દર્શકો વિના ટી-૨૦ વર્લ્ડ કપ કરાવવાના પક્ષમાં નહોતું. કારણકે તેનાથી રેવન્યુને નુકસાન થાત. તેમજ ખેલાડીઓ પણ તે રીતે રમવા ઉત્સાહિત નહોતા. આવી મર્યાદિત સંખ્યામાં, દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળ્યા બાદ તે મોટા પ્રમાણમાં મુશ્કેલી ઓછી થઈ છે. માર્ચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન સરકારે કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને આગામી ૬ મહિના માટે દેશની સરહદો સીલ કરવાની જાહેરાત કરી હતી. આ પછી, ટી- ૨૦ વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવે તેવી અટકળો હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.