શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત નહીં, ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ રહેશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

શાળાએ આવવા વિદ્યાર્થીઓએ વાલીઓની સંમતિ મેળવવાની રહેશે સ્કૂલ-કોલેજોએ કેન્દ્ર સરકારની એસઓપીનું પાલન કરવાનું રહેશે

અન્ય ધોરણના વર્ગો પણ તબક્કાવાર શરૂ કરાશે

રાજ્ય સરકાર દ્વારા આજે સ્કૂલો-કોલેજ ખોલવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આગામી તા.૧૧ જાન્યુઆરીથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોના દ્વાર ખુલ્લા થશે ત્યારે શિક્ષણ પ્રધાન ચુડાસમાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય ધોરણોના વર્ગો પણ શરૂ કરવામાં આવશે. હાલ ફક્ત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જ સ્કૂલ કોલેજો શરૂ થશે.

૧૦ મહિના બાદ સ્કૂલોમાં ફરી રોનક આવશે: ડો.ડી.વી.મહેતા

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને જીનીયસ સ્કૂલના સંચાલક ડો.ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે બોર્ડના વિદ્યાર્થી માટેનો જે નિર્ણય કર્યો છે તે ખુબજ આવકારદાયક છે. ૧૦ મહિના બાદ સ્કૂલો ફરીથી ધમધમતી થવાની છે અને સ્કૂલોમાં નવી રોનક આવશે. છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થી અને વાલીઓ માનસીક રીતે કંટાળી ગયા હતા અને સ્કૂલો ખુલવાની રાહ જોઈ બેઠા હતા. ક્યારે સ્કૂલો ખુલશે, બાળકો ફીઝીકલ રીતે ભણશે અને શિક્ષકોને પણ એક નવી તાજગી સાથે ૧૦ મહિના બાદ ભણાવવાનો મોકો મળશે. આ નિર્ણયથી શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થી, વાલીમાં એક આનંદની લાગણી પ્રસરી છે. સ્કૂલો ખુલશે ત્યારબાદ જેટલું ભણાવાશે તેટલાની પરીક્ષા લેવાનું પણ સરકાર વિચારી રહી છે. જેનાથી વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે તે નિશ્ર્ચિત છે.

Loading...