Abtak Media Google News

હાથ વણાટ કામ કરી જે પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે તેમના માટે કેન્‍દ્ર સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. વણાટ કારીગરો રાષ્‍ટ્રની કલા અને સંસ્‍કૃતિને જાળવી રાખેલ છે તેની કેન્‍દ્ર સરકારે કદર કરેલ છે. વણાટકામ કરતા તમામ કારીગરોનું સર્વાંગી સ્‍તર ઉંચુ આવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે કેન્‍દ્ર સરકાર પ્રયત્‍નશીલ છે, તેમ લોકસભા સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરાએ સુરેન્‍દ્રનગર ખાતે કાપડ મંત્રાલય દિલ્‍હી અને વણાટ સેવા કેન્‍દ્ર અમદાવાદના સંયુકત ઉપક્રમે યોજાયેલ હસ્‍તકલા સહયોગ શિબરમાં જણાવ્‍યું હતું. તેમણે વણાટ કારીગરો દ્વારા ઉત્‍પાદિત વસ્‍તુઓની વિદેશમાં પણ માંગ વધે તેવી વસ્‍તુઓ ઉત્‍પાદિત કરવા પણ અનુરોધ કર્યો હતો.

આ શિબરમાં વીવર્સ મુદ્રા યોજના દ્વારા ક્રેડીટ કાર્ડનું અમલીકરણ, ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્ગદર્શન માટે સહાય, કાચા માલની સુવિધા માટે યાર્ન પાસબુક, ઉચ્‍ચ શિક્ષણ માટે એન.આઇ.ઓ.એસ. અભ્‍યાસક્રમો, પ્રધાનમંત્રી જીવન જયોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, ઇ- ધાગા એપ્‍લીકેશન, જી.એસ.ટી. અંગે વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી.

સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરાએ વિવિધ સ્‍ટોલની મુલાકાત લઇ ઉત્‍પાદિત નમુનાઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતુ અને તેઓ દ્વારા કરવામાં આવતી આ વણાટ કલા કારીગરીથી પ્રભાવિત થયા હતાં. સાંસદશ્રી દેવજીભાઇના તેમજ મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રાગટય કરવામાં આવેલ હતું.. સાંસદશ્રીના હસ્‍તે વણાટ અંગેની તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.

આ પ્રસંગે વણાટ સેવા કેન્‍દ્રના નાયબ નિયામકશ્રી એચ.કે. ગુપ્‍તા, સહાયક નિયામકશ્રી પી.કે. ગુપ્‍તા, એન.એચ.ડી.સી.ના મેનેજરશ્રી એસ.કે. વર્મા, નાયબ મેનેજરશ્રી પી.એલ. સીંગલ, એન.આઇ.ઓ.એસ.ના પ્રાદેશિક નિયામકશ્રી રાજીવ પ્રસાદ  સહિત વણાટકામ કરતા કારીગરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.