બે નંબરી હથિયારોને લઈ સૌરાષ્ટ્રને ‘તહસ-નહસ’ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરતું એટીએસ

નંબરી તો નંબરી, બે નંબરી પણ કમ નહીં

સૌરાષ્ટ્રના અનેકવિધ જિલ્લાઓમાં ૧૦૦થી પણ વધુ હથિયારનો વેપલો પુરો પાડયાનો બલ્લુનો ખુલાસો

જામનગરના કુખ્યાત આરોપી જયેશ પટેલને હથિયારો સપ્લાય કરનાર બલવીરસિંહ ઉર્ફે બબલુની ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, બલવીરસિંહ ઉર્ફે બબલુએ પ્રાથમિક પુછપરછમાં રાજયમાં ૧૦૦થી વધુ હથિયાર સપ્લાય કર્યા હોવાની કબુલાત આપી છે જેમાં તેણે કહ્યું છે કે, મુખ્યત્વે તે સૌરાષ્ટ્રમાં કુખ્યાત ગેંગસ્ટર જયેશ પટેલને હથિયારોનો વેપલો પુરો પાડતો હતો.

સૌરાષ્ટ્રમાં હાલના સમયમાં યુવાનોમાં હથિયારનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. સાથે હથિયાર હોવું એ ઠાઠની નિશાની છે તેવી યુવાનોની માનસિકતા થઈ રહી છે. હાલ બે પ્રકારનાં હથિયાર ઉપલબ્ધ છે. એક કાયદેસર પરવાના લઈને હથિયાર મેળવવામાં આવતું હોય છે જેની પ્રક્રિયા ખુબ જ લાંબી હોય છે તેમજ તેના ધારાધોરણો પુરા કરવા પણ કઠિન હોય છે. બીજો રસ્તો શોર્ટકટ કહી શકાય એટલે કે બે નંબરી હથિયાર ગેરકાયદેસર મેળવી શકાય છે. અગાઉ  હથિયારનો ઉપયોગ સ્વરક્ષણ અથવા તો પ્રજાના રક્ષણ હેતુસર કરવામાં આવતો હતો પરંતુ હાલ હથિયારનો ઉપયોગ પણ બદલાઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પોલીસ મેન્યુઅલમાં પણ હથિયારનો ઉપયોગ ફકત પ્રજાના રક્ષણ અથવા તો આત્મરક્ષણ માટે કરવો તેવું નોંધવામાં આવ્યું છે પરંતુ માનસિકતા બદલાતા હવે હથિયારનો ઉપયોગ ડરાવવા-ધમકાવવા અથવા તો અંગત સ્વાર્થ પુરો કરવા થઈ રહ્યો છે. હથિયારનો વધતો ક્રેઝ જોતા એક સવાલ ચોકકસ થાય છે કે હાલ હથિયાર સ્વરક્ષણ કે સ્વગસ્ત માટે થાય છે તે જાણવું અતિજરૂરી છે.

એક નંબરી હથિયાર એટલે કે પરવાના સાથે લેવામાં આવેલુ હથિયાર જેનો ઉપયોગ સ્વરક્ષણ માટે કરવાનો હોય છે જયારે હથિયારના પરવાના આપવામાં આવે છે ત્યારે અરજદારે હથિયાર મેળવવા પાછળનું કારણ રજુ કરવાનું હોય છે. અરજદારે રજુ કરેલું કારણ યોગ્ય છે કે કેમ ? તેનો અંતિમ નિર્ણય શહેરી વિસ્તારમાં પોલીસ કમિશનર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રેન્જ આઈ.જી. કરતા હોય છે. ઉચ્ચ અધિકારી સમીક્ષા કરીને હથિયારના પરવાના રજુ કરતા હોય છે પરંતુ હાલ જે પરવાના મંજુર કરવામાં આવતા હોય છે તે મોટાભાગના અરજદારો હથિયારનો ઉપયોગ આત્મરક્ષણ માટે નહીં પરંતુ માભો પાડવા કરતા હોય તેવું સ્પષ્ટ દેખાય આવે છે ત્યારે હથિયારના પરવાના રજુ કરતા પૂર્વે પોલીસ તંત્રએ વધુ ચોકસાઈપૂર્વક સમીક્ષા કરવી જરૂરી છે. બીજી બાજુ હથિયારના પરવાના મેળવવાના ધારાધોરણ પર યોગ્ય નહીં ઠેરનારા અરજદારો, આવારા તત્વો, ગેંગસ્ટરો બે નંબરી એટલે કે ગેરકાયદેસર હથિયાર મંગાવી પોતાના અંગત સ્વાર્થ પુરા કરતા હોય છે. હથિયારનો ઉપયોગ રક્ષણથી વધુ માભો પાડવા તેમજ સામાન્ય પ્રજામાં ભયનો માહોલ ઉભો કરવા થઈ રહ્યો હોય તેવું પણ હાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

જામનગર પોલીસ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલા સંયુકત ઓપરેશનમાં બલવીરસિંહ પાટવા ઉર્ફે બળવંત ઉર્ફે બલ્લુની મધ્યપ્રદેશ ખાતેથી બુધવારે મોડીરાત્રે ધરપકડ કરવામાં આવી હતી. બલ્લુ કુખ્યાત ગેંગસ્ટર જયેશ રાણપરીયા ઉર્ફે ગેંગસ્ટર જયેશ પટેલને સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે હથિયારનો વેપલો પુરો પાડતો હોવાનું સામે આવ્યું છે. બલ્લુએ પ્રાથમિક પુછપરછમાં કબુલાત આપતા કહ્યું હતું કે, હાલ સુધી તે સૌરાષ્ટ્રમાં ૧૦૦થી પણ વધુ હથિયારોની સપ્લાય કરી ચુકયો છે. એટીએસને મળેલી માહિતી અનુસાર ગેંગસ્ટર જયેશ પટેલે ૨૦૧૯માં રાજાણી નામના પ્રોફેસર પાસેથી રૂા.એક કરોડની ખંડણી માંગી હતી. આ કામ માટે જયેશ પટેલે ઈકબાલ નાયક નામના ખંડણીખોરને જવાબદારી સોંપી હતી. આ કામમાં બલ્લુએ પિસ્તોલ અને પાંચ રાઉન્ડ ગોળી સપ્લાય કરી હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત એટીએસના ડીઆઈજીએ કહ્યું હતું કે, એટીએસને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલ બલ્લુ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રહે છે જેના આધારે સંયુકત ઓપરેશન હાથ ધરી બલ્લુને ઝડપી લેવામાં આવ્યો હતો.

ડીઆઈજી હિમાંશુ શુકલાએ વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, અમે જામનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને એટીએસની એક સંયુકત ટીમને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રવાના કરી હતી. અમને મળેલી બાતમીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, બલ્લુ હાલ તેના ધાર જિલ્લા ખાતે સ્થિત રહેણાંક ખાતે છે જેના આધારે અમે ટીમને રવાના કરી હતી પરંતુ ત્યાં સુધી પહોંચવું ખુબ જ મુશ્કેલ હતું તેમ છતાં એટીએસ અને એસઓજીની ટીમ યેનકેન પ્રકારે બલ્લુના ઘર સુધી પહોંચી હતી. બલ્લુના ઘરની ઘેરાબંધી કર્યા બાદ એટીએસની ટીમે બલ્લુને પ્રત્યાર્પણ કરવા કહ્યું હતું. ચારેય બાજુથી ઘેરાયેલા બલ્લુ પાસે પ્રત્યાર્પણ કરવા સિવાય કોઈ રસ્તો નહીં હોવાથી બલ્લુએ સલેન્ડર કર્યું હતું. ધરપકડ બાદ બલ્લુની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછ દરમિયાન બલ્લુએ સ્વીકાર્યું હતું કે, હાલ સુધીમાં તેણે ૧૦૦થી પણ વધુ હથિયારોનો વેપલો ગુજરાત સુધી પહોંચાડયો છે જેમાં મુખ્યત્વે હથિયારો જયેશ પટેલને આપવામાં આવતા હતા. બલ્લુએ ચોંકાવનારી વિગતો આપતા કહ્યું હતું કે, તેણે જયેશ પટેલ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં પણ હથિયારની સપ્લાય કરી હતી. ઉપરાંત અમદાવાદ શહેર ખાતે પણ તેણે હથિયારનો વેપલો પુરો પાડયો હોવાનું કબુલ્યું છે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

તપાસનીશ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, બલ્લુની ધરપકડ થઈ તે પહેલા સુધી તે જયેશ પટેલના સંપર્કમાં હતો જેથી જામનગર પોલીસની સાથે મળી એટીએસની ટીમ જયેશ પટેલને ઝડપી પાડવા કાર્યરત થઈ છે. બલ્લુએ આપેલી કબુલાત મુજબ ચોકકસ કહી શકાય કે જે રીતે સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓમાં હથિયારનો વેપલો પુરો પાડવામાં આવતો હતો તેના કારણે ગુંડાઓ સૌરાષ્ટ્રમાં બેફામ બની શકે છે અને ગુંડાઓ બેફામ બનતા સૌરાષ્ટ્ર તહસ-નહસ થઈ શકે છે.

Loading...