ટીઆરપીની દોડમાં ન્યુઝ ચેનલોની ‘લોકપ્રિયતા’ તળિયે…!

વ્યવસાયિક સ્પર્ધામાં ટકી રહેવા લક્ષ્મણ રેખા ઓળંગવાની હોડ માધ્યમો માટે ‘મરણતોલ’

માધ્યમો ભાષા, વાણી, વર્તન અને ક્ધટેઈનનો પ્રવાહ તટસ્થ ધર્મ જાળવવાથી જોજનો દૂર થતા જાય છે

લોકતંત્રના મુળભૂત ચાર સ્થંભોમાં ચોથી જાગીરની ઉપમા ધરાવતા અખબારી આલમ અને હવેના યુગમાં ટીવી અને ડિજીટલ પ્લેટફોર્મના સમાચાર અને પ્રસાર માધ્યમોની નિષ્ઠા અને રાષ્ટ્રધર્મનું લોકતંત્રમાં અને સામાજિક ધોરણે ખુબજ મહત્વ આંકવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિશ્વસનીયતા મુદ્દે માધ્યમો સામે  વારંવાર આંગળી ચિંધામણી પરિસ્થિતિ ઉભી થાય છે અને ક્યાંકને ક્યાંક માધ્યમો વ્યવસાયીક, સ્પર્ધાત્મક દોડમાં પોતાનો નૈતિકતાનો ધર્મ ચૂકી જતા હોવાના બનાવો ખેદજનક રીતે સામે આવે છે.

પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા અને ડિજીટલ મીડિયા પોતાની ટીઆરપી અને વ્યુઅરશીપ જાળવી રાખવાની સ્પર્ધામાં ક્યારેક ક્યારેક શોર્ટકટ લે છે તેના કારણે પ્રજાની વિશ્વસનીયતામાં ભારે મોટા ખાડાનો ભોગ બનીને સ્પર્ધાત્મક યુગમાં અનેક મીડિયા પ્લેટફોર્મ અવિશ્ર્વસનીય પરિસ્થિતિના વમણમાં પોતે જ  ફસાઈને નામશેષ થતા જાય છે.

પબ્લિક વ્યુઅરશીપ અને વિશ્ર્વાસમાં અગાઉથી અત્યાર સુધી આજે પણ પ્રિન્ટ મીડિયાનો દબદબો સવિશેષ જોવા મળી રહ્યો છે. બદલાતા જતાં સમય અને સમયના તકાજાના પગલે ટીવી અને ડિજીટલ પ્લેટફોર્મ પણ માહિતીના મુખ્ય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છે ત્યારે ટીઆરપીની દોટમાં ખાસ કરીને ન્યુઝ ચેનલો દર્શકોને યેનકેન પ્રકારે જકડી રાખવા માટે જે શોર્ટકટ અપનાવે છે તેનાથી પોતે જ ખોદેલા ખાડામાં પડી જાય છે. આજે ચેનલો માટે દર્શકો ટીવી ચાલુ રાખે તે જરૂરી બન્યું છે. મુળભૂત સમાજ ઉપયોગી મુદ્દા રાષ્ટ્રના મુખ્ય પ્રવાહ, સામાજીક જરૂરીયાતો અને જેના માધ્યમથી લોક સાંસ્કૃતિક સંસ્કારો અને સ્થાનિક ધોરણે સામાજિક એકતાના ભાવ જળવાઈ રહે તેવા વિષય-વસ્તુને કોરાણે મુકીને ન્યુઝ ચેનલો અત્યારે માત્ર ટીવી ખુલ્લા રખાવા માટે જે અવળે રસ્તે ચડી ગઈ છે તેનાથી સામાજીક આચારસંહિતા, ભાષાની સભ્યતા સંસ્કારરૂપ સંદેશાઓના ક્ધટેઈન દૂર થતાં જાય છે. બજારમાં થોડો સમય આવી પ્રવૃતિથી ચેનલોને ફલેસબેક મળે છે પરંતુ સરવાળે આપણી સંસ્કારપ્રિય પ્રજા આવા નુસ્ખા અજમાવનાર માધ્યમોને પોતાની નજરમાંથી નિમ્નસ્તરે પહોંચાડી દે છે અને સરવાળે ભાગાકાર જેવી સ્થિતિમાં જે ન્યુઝ ચેનલો પોતાનો ધર્મ ચૂકીને માત્ર ટીઆરપીને જ નજરે રાખીને લક્ષ્મણ રેખા વળોટે છે તેનું આપોઆપ નામુ નખાઈ જાય છે.

તાજેતરમાં જ મુંબઈ પોલીસે ત્રણ ટીવી ચેનલોને પોતાની ટીઆરપી વધારવા માટે અવેધ રસ્તો અપનાવ્યા બદલ કાયદાના સકંજામાં લીધી છે. મુંબઈ પોલીસ કમિશનર પરમવીરસિંઘે જણાવ્યું હતું કે, અર્ણબ ગૌસ્વામી અને બે વ્યક્તિઓએ ટીવી ચેનલોની ટીઆરપી વધારવા માટે અવેધ રસ્તો અપનાવ્યો હોવાનું જણાવી પર્દાફાશ કર્યો હતો કે, હંસા નામની એક સંસ્થા દ્વારા ટીવી ચેનલોને મદદરૂપ થવા માટે ૨૦૦૦ જેટલા મુંબઈમાં લગાવાયેલા બેરોમીટરમાં ચેડા કરીને ટીઆરપી વધારવાનું ષડયંત્ર રચ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ કેટલાક લોકો ઘેર-ઘેર ફરીને પોતાની જ ચેનલ જોવા માટે દર મહિને પૈસા આપતા હતા અને પૈસા આપીને પોતાની ચેનલ જોવાનો આગ્રહ રાખતા હતા. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે, આ રેકેટના ભાગરૂપે પરિવારોને દર મહિને ૪૦૦ થી ૫૦૦ રૂપિયા ચૂકવાતા હતા. આ મુદ્દે મુંબઈ ક્રાઈમ બ્રાંચે અવેધ રીતે ટીઆરપી રેકેટ ચલાવવા બદલ ટીવી ચેનલના ૨ માલીકોને અટકાયતમાં લઈ અન્ય સુત્રધારો સામે સમન્સ જારી કર્યા છે. રૂા.૩૦ થી ૪૦ હજાર કરોડના ટીવી એડવર્ટાઈજીંગ બિઝનેશમાં ટીઆરપીમાં ખોટી રીતે ઉછાળો લાવીને જાહેરાતો મેળવવા આ પ્રયાસો થાય છે. કંઈ ચેનલ અથવા શોને કેટલા લોકો કેટલા સમય સુધી જોવે છે તેના માપદંડને ટીઆરપી કહેવામાં આવે છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સીલ ટીઆરપીનો રેકોર્ડ રાખે છે અને તેનો અંદાજ મંડાય છે. કેટલાક ઘરોમાં મીટર રાખીને ટીઆરપી માપવામાં આવે છે અને આ આધારે જ જાહેર ખબરોના દર નક્કી થાય છે. ટીઆરપી વધારવાની હોડમાં માધ્યમોની વિશ્ર્વસનીયતા જાળવવાની નૈતિક ફરજ ભુલાઈ જાય છે અને માત્રને માત્ર દર્શકોને આકર્ષવા માટે જે શોર્ટકટ અપનાવવામાં આવે છે તેનાથી ટીવી ચેનલો દિવસે-દિવસે લોકોના દિલમાંથી ઉતરી જાય છે. ખોટું કયાં સુધી ચાલે તેની સત્ય હકીકત લોકોને જલ્દી સજાય જાય છે પરંતુ શોર્ટકટ લઈને આવકનો સમંદર પીવા માટે નીકળી પડતા માધ્યમોને લોકપ્રિયતામાં પોતાનું ધોવાણ થઈ જાય ત્યાં સુધી ખબર પડતી નથી. ટીઆરપીની દોટમાં છેલ્લે ન્યુઝ ચેનલની લોકપ્રિયતા તળીયે પહોંચી ચૂકી છે.

પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયાએ નિષ્પક્ષ વ્યવસાયિક ધર્મને વધુ સંગીન બનાવવાની જરૂર

લોકતંત્રના ચોથા સ્થંભ એવા માધ્યમોની વિશ્ર્વસનીયતા અતિ જરૂરી હોય છે. આપણા સમાજમાં અગાઉ અખબારોમાં લખાતી એક-એક લીટી સત્ય કથન ગણીને તેનું આચરણ કરવામાં આવતું હતું. આજે પણ અખબારોની વિશ્ર્વસનીયતા અન્ય માધ્યમો કરતા વધુ મજબૂત માનવામાં આવે છે. તેની સામે ઈલેકટ્રોનિક મીડિયા, ટીવી ચેનલો અને અત્યારે સરળતાથી દુનિયામાં છવાઈ ચૂકેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ થતી હકીકતો, સમાચારો અને ઘટનાઓની ઝડપ જેવી વિશ્ર્વસનીયતા રહી નથી તે હકીકત છે. સમાચાર માધ્યમોને સત્યથી નજીક રાખવા અને વિશ્ર્વસનીયતા મુજબ પ્રસારણ કરવાની વ્યવસ્થા સંગીન બનાવવાની જરૂરીયાત છે.

ટીઆરપી વ્યૂઅરશીપના બહોળા ફેલાવા માટે નીચલા દરજ્જે ઢસડાઈ જતા માધ્યમો જ લોકતંત્રનું સૌથી વધુ અહિત કરે છે

ઈલેકટ્રોનિક માધ્યમો માટે ટીઆરપી અસ્તિત્વનો સવાલ બની રહ્યો છે. ટીઆરપી વધુ હોય તેમ જાહેરાતો અને આવક વધે તેવા સામાન્ય ગણીતના આંકડાઓ સરભર કરવા માટે કેટલાક માધ્યમો પોતાની વ્યુઅરશીપ જાળવી રાખવા માટે અવાસ્તવિક હકીકતોનું આંકલન, ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના ઉચ્ચસ્તરને જાળવી રાખવાના ધર્મને કોરાણે મુકીને નિમ્નસ્તરના વલણથી સામાજીક સંસ્કૃતિનું અધપતન તો થાય છે સાથે સાથે લોકતંત્રનું પણ આવી પ્રવૃતિ અહિત કરે છે.

પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયાની ભૂમિકા

લોકતાંત્રીક શાસન વ્યવસ્થામાં સમાચાર માધ્યમોની એક વિશિષ્ટ ભૂમિકા હોય છે. લોકતંત્રમાં જેવી રીતે રાજકીય ચૂંટણી વ્યવસ્થા, સંરક્ષણ માળખુ અને વહીવટી તંત્રના પાયાની જેમ જ માધ્યમને ચોથો સ્થંભ ગણવામાં આવે છે. દાયકાઓથી આપણા દેશના સમાજમાં પ્રિન્ટ મીડિયાનું પ્રભુત્વ રહેલું છે. અખબારોમાં પ્રકાશન થતાં સમાચાર અને માહિતી સામગ્રીને સત્ય દસ્તાવેજો તરીકે મુલવવાની આપણા સમાજમાં તાસીર છે. ત્યારપછી આ ક્ષેત્રમાં પ્રવેશેલા ઈલેકટ્રોનિક મીડિયા અને ડિજીટલ મીડિયા અત્યારે સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે મુળ સિદ્ધાંત અને નિયમોમાં ઝડપથી બાંધછોડ કરવા લાગ્યા છે. માધ્યમોએ પોતાની ભૂમિકા અને વિશ્વસનીયતા જાળવવા માટે પણ સચેતતા દાખવવી જોઈએ.

Loading...