Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં ખુદ નગરપાલિકાના સભ્યના પરિવારના 3ને ડેન્ગ્યુ..

એક જ સોસાયટીમાં ડેન્ગ્યૂના પાંચ કેસ ધ્યાને આવ્યા

સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ઠંડી નો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા સાથો સાથ મચ્છર નો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા એક સાથે ૫ ડેન્ગ્યુ ના પોઝિટિવ કેસ દાખલ થતાં સુરેન્દ્રનગર જીલ્લા મા ચકચાર મચી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગરની કડીયા સોસાયટીમાં રહેતા સુધરાઇ સભ્યના પરિવારમાં એક સાથે ત્રણ વ્યકિતઓને ડેન્ગ્યૂ ધ્યાને આવ્યો છે. આ વિસ્તારમાં કુલ પાંચ વ્યકિતઓને ડેન્ગ્યૂ ધ્યાને આવતા આરોગ્યની ટીમે ધસી જઇ ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં ઠંડીની જમાવટ સાથે રોગચાળો પણ પગપેસારો કરી રહ્યો છે. શહેરની કડીયા સોસાયટીમાં રહેતા અને સુધરાઇ સભ્ય શોભનાબેન ગોવિંદીયાના પરિવારમાં એક સાથે ત્રણ વ્યકિતઓને ડેન્ગ્યૂ પોઝીટીવ આવતા દોડધામ મચી છે. સુધરાઇ સદસ્યાના પતિ મેહુલભાઇ મનુભાઇ ગોવિંદીયા, ધાર્મિક ગોવિંદીયા અને શ્રધ્ધા ગોવિંદીયાને તાવ આવ્યા બાદ રીપોર્ટ કરાવતા ખાનગી લેબોરેટરીમાં પ્લેટ કાઉન્ટ ઓછા આવતા ડેન્ગ્યૂની અસર હોવાનું જણાયુ હતુ. આથી તેઓને સારવાર માટે તાત્કાલીક દવાખાને લઇ જવાયા હતા.

આ ઉપરાંત આ જ વિસ્તારમાં રહેતા અન્ય બે વ્યકિતઓ પણ ડેન્ગ્યૂની ઝપટે ચડયા છે. આ બનાવની આરોગ્ય વિભાગને જાણ થતા મેલેરીયાની ટીમ તાકિદે કડીયા સોસાયટી વિસ્તારમાં ધસી ગઇ હતી. જયાં દવા વિતરણ અને ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. એક જ સોસાયટીમાં ડેન્ગ્યુના કેસ મળી આવતા નાગરિકોમાં ભયની લાગણી ફેલાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.