રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે છૂટક વેચાણના થડા બંધ કરાવાયા

85

શાકભાજીના હોલસેલરો રાત્રીના ૮ થી સવારના ૬ તેમજ ડુંગળી-બટેટા-કરિયાણાના વેપારીઓ સવારના ૮ થી ૧ર સુધી વેપાર કરી શકશે

હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં કોઇ શહેરીજનો નિયમોનો ભંગ ન કરે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો જીવન જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય, વેપાર માટે અમુક છુટછાટો આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છૂટક વેચાણના થડા આજરોજ સદંતર બંધ કરાવાય છે તેમજ છુટક વસ્તુની ખરીદી કરવા નહિ આવવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

જીવનજરૂરી શાકભાજી તેમજ ડુંગળી, બટેટા, કરિયાણાના વેપારીઓને અમુક કલાકોમાં જ વેપાર કરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આજરોજ છુટક વેચાણના થડા લોકડાઉન દરમ્યાન બંધ કરાવાયા છે પરંતુ શાકભાજીના હોલસેલર વેપારીઓને રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે તો ડુંગળી, બટેટા તેમજ કરીયાણાના વેપારીઓને સવારના ૮ થી ૧ર વાગ્યા સુધી જ ચાલુ રાખવા તાકીદ કરાઇ છે આ ઉપરાંત છુટક વસ્તુની ખરીદી કરવા શહેરીજનોને નહિ આવવા જણાવાયું છે.

હાલ લોકડાઉન દરમ્યાન નવું બેડી યાર્ડ સદંતર બંધ હોય જેથી ત્યાંના સ્ટાફને જુના માર્કેટીંગ યાર્ડ ખાતે બોલાવી લેવામાં આવ્યો છે. લોકડાઉનમાં જુના યાર્ડના કામકાજ અર્થે બેડી યાર્ડના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે હવે ફકત હોલસેલર વેપારીઓ જ ખરીદી કરવા આવી શકશે અને આ હોલસેલર વેપારીઓ પણ સોશ્યલ ડિસ્ટન્સ  જાળવી રાખશે. આ ઉપરાંત યાર્ડના તમામ હોદેદારો યાર્ડમાં નિયમો મુજબ કામકાજ થાય તે માટે નાનામાં નાની બાબતનું ઘ્યાન રાખી રહ્યાં છે.

Loading...