Abtak Media Google News

બાંગ્લાદેશની ટીમે આપેલા ૨૨૩ રનના ટાર્ગેટને ભારતે છેક છેલ્લા બોલે પાર પાડયો: દિલધડક ફાઈનલ જીતી ભારત સાતમી વખત એશિયા કપ લઈ આવ્યું

એશિયા કપની ફાઈનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રસાકસી પૂર્ણ મુકાબલો થયો હતો. જેમાં ભારતે બાંગ્લાદેશને હરાવી એશિયા કપ પર કબજો કર્યો છે. જો કે ભારતની આ જીતમાં બાંગ્લાદેશની ટીમે આપેલી ટક્કરને ક્રિકેટરસીકો દિલથી વધાવી રહ્યાં છે. બાંગ્લાદેશે આપેલા ૨૨૩ રનના પડકારને પૂર્ણ કરવા ભારતે પુરેપુરી ૫૦ ઓવર રમવી પડી હતી. નાના સ્કોરનો પીછો કરવામાં ભારતના ખ્યાતનામ બલ્લેબાજોને બાંગ્લાદેશની ચુસ્ત બોલીગ સામે રીતસરનું ઝઝુમવું પડયું હતું.

બાગ્લાદેશ તરફથી લીટોન દાસે ૧૨૧ રનની શાનદાર ઈનીંગ રમી હતી. જયારે ભારત તરફથી કેપ્ટન રોહીત શર્માએ ૪૮, કાર્તિકે ૩૭ અને ધોનીએ ૩૬ રન ફટકાર્યા હતા. કુલદિપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. જો કે, કેદાર જાધવે ભારતને મહત્વપૂર્ણ ગણાતી બે વિકેટ અપાવી હતી. બાંગ્લાદેશની બેટીંગની શરૂઆતની ૧૫ ઓવર ભારતીય બોલરો માટે ખુબજ કપરી રહી હતી.

૧૮મી ઓવરમાં બાંગ્લાદેશની ટીમ ૧૦૦ રનની પાર પહોંચી ગઈ હતી તે દરમિયાન લીટલ દાસે ૫૬ બોલમાં ૭૩ રન અને મહેદી હસને ૫૨ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા. દાસ વિસ્ફોટક બેટીંગ કરી રહ્યો હતો જયારે સામે છેડે હસન શાંત રમ્યો હતો. ૩૩ બોલમાં દાસે અર્ધસદી પુરી કરી હતી. ૧૦ ઓવર બાદ ટીમ ઈન્ડિયાના બોલર બાંગ્લાદેશની એક પણ વિકેટ પાડી શકયા ન હતા.

બીજી તરફ ભારતીય બેટ્સમેનની સ્થિતિ ખરાબ હતી. રોહિત શર્મા અને ધોની સીવાયના મોટાભાગના બેટ્સમેન નિષ્ફળ રહ્યાં હતા. રવિન્દ્ર જાડેજા અને ભુવી માત્ર ૨૧ રન બનાવીને જ આઉટ થઈ ગયા હતા. કેદાર જાધવના મસલ્સમાં પ્રોબ્લમ આવતા ૧૯ રન બનાવી તે રીટાયર્ડ હર્ટ થયો હતો.

બાંગ્લાદેશની બેટીંગમાં પ્રથમ ૧૦ ઓવર નિષ્ફળ રહેલા ભારતીય બોલરોએ છેલ્લી ૧૦ ઓવરમાં વાપસી કરી હતી. છેલ્લી ૧૦ ઓવરમાં ભારતીય બોલરોએ માત્ર ૨૯ રન આપ્યા હતા અને ચાર વિકેટો ઝડપી હતી. ભારતીય બલેબાજને ૨૨૩ રન જેવડો સ્કોર કરવામાં પરસેવો વળી ગયો હતો. છેક છેલ્લા બોલે ભારતીય ટીમ જીત મેળવી શકી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.