Abtak Media Google News

કોંગ્રેસ, આપ અને વિરોધીઓ બહાનાબાજી અને નકારાત્મકતાની રાજનીતિ છોડીને ભાજપાની વિકાસની રાજનીતિનું સમર્થન કરે

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ દિલ્હીની એમ.સી.ડી.ની ચૂંટણીઓના આવેલા પરિણામો અંગે મીડીયા સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં એમ.સી.ડી.ની ચૂંટણીઓમાં ભાજપાની પ્રચંડ જીત સુકમાના શહિદોને શ્રદ્ધાંજલી સ્વરૂપે અર્પણ કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં દેશના દરેક પ્રાંતોમાંથી આવીને લોકો વસે છે અને આ ચૂંટણીઓમાં ભાજપાની પ્રચંડ જીતનો પ્રતિબિંબ દેશભરમાં પડશે. દેશભરમાં પાછલાં ઘણા સમયથી યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપાએ ૨/૩થી લઈ ૩/૪ જેટલી બહુમતી મેળવી છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.

વાઘાણીએ વિરોધીઓ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ, આપ અને વિરોધીઓ બહાનાબાજી અને નકારાત્મકતાની રાજનીતિને છોડીને ભાજપાની વિકાસની રાજનીતિને સમર્થન આપવું જોઈએ અને પોતાને છાજતી વિરોધ પક્ષની ભૂમિકા અદા કરવી જોઈએ.  વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૩ વર્ષના કાર્યકાળમાં થયેલ વિકાસના કામો તેમજ પ્રજાલક્ષી, ગરીબલક્ષી તેમજ લોકકલ્યાણની યોજનાઓને જનતાએ સ્વિકારી છે અને એમ.સી.ડી.ની ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી આપીને સરકારની નીતિઓ પર મહોર મારી દીધી છે. એમ.સી.ડી.માં ભાજપના સુશાસનને દિલ્હીવાસીઓએ સતત ત્રીજી વખત જનસમર્થન આપ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની સંગઠનાત્મક સૂઝ-બૂઝ અને વ્યુહરચના તેમજ કાર્યકર્તાઓની મહેનતને દિલ્હીવાસીઓએ વધાવી લીધી છે.

વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરીબકલ્યાણનીતિઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની સંગઠનાત્મક સૂઝ-બૂઝ થકી ભાજપના વિજયનો અશ્વમેઘ સમગ્ર દેશમાં તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. કોઈ પણ નકારાત્મક શક્તિઓ તેને રોકી શકશે નહીં. આવનારી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓમાં ૩/૪થી પણ વધુ બેઠકો જીતાડીને ભાજપાને ફરીથી સેવા કરવાનો મોકો ગુજરાતની જનતા ચોક્કસપણે આપશે તેવો વિશ્વાસ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.