અસીમ પંડયા ગુજરાત બારના પ્રમુખ તરીકે ફરી સત્તારૂઢ

238

જામનગરમાં વકિલ કિરીટ જોશીની હત્યાના વિરોધમાં કરવામાં આવેલી હડતાલમાં ન જોડાતા અસીમ પંડયાને પ્રમુખપદેથી ખદેડાયા હતા

વકિલ અસીમ પંડયા ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખપદે ફરીથી સતારૂઢ થયા છે. જોકે, બારના પ્રમુખપદેથી તેમના રાજીનામાના સ્વિકાર અથવા અસ્વિકારને લઈ હજુ આગામી ૨ જુલાઈના રોજ મહત્વની મીટીંગ યોજાશે.

જણાવી દઈએ કે, જામનગરમાં વકિલ કિરીટ જોશીની હત્યાના સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વકિલ જોશીની હત્યાના વિરોધમાં તમામ વકિલો અને બાર એસોસિએશને હડતાલ પાડી કોર્ટની કામગીરીથી અડગા રહ્યા હતા. આ હડતાલ મોકુફ રાખવા સુપ્રીમે આદેશ કર્યો હતો તેમ છતાં રાજયભરમાં વિરોધ વંટોળ યથાવત રહ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા ગુજરાત બાર એસોસીએશનના પ્રમુખ અસીમ પંડયા આ હડતાલમાં જોડાયા ન હતા. તેથી વકિલ મંડળે તેમને પ્રમુખપદેથી હાંકી કાઢયા હતા. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના વાઈઝ પ્રેસિડેન્ટ વકિલ સમીર દવે સહિતના સભ્યોએ અસીમ પંડયા વિરુઘ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મુકયો હતો.

જેના કારણે ૪ મેના રોજ વકિલ પંડયાએ રાજીનામું ધરવું પડયું ત્યારબાદ પંડયાએ આ બાબતને હાઈકોર્ટમાં પડકારી અને કહ્યું કે, ગેરકાયદે રીતે તેમને એસોસીએશનના પ્રમુખપદેથી કાઢી મુકાયા છે. અવિશ્વાસના પ્રસ્તાવ પસાર કરતી વેળાએ મંજુરી પણ લેવામાં આવી નથી તેમ હાઈકોર્ટમાં પંડયાએ દલીલ કરી હતી. જોકે આ કેસ હાઈકોર્ટમાં હજુ ચાલી જ રહ્યો છે જેની સુનાવણી આગામી દિવસોમાં થશે.

હાલ તો, અસીમ પંડયાએ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન-જીએચએએની ઓફીસે જઈ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે અને આગામી ૨ જુલાઈએ મીટીંગ યોજાશે અને તેમાં ચર્ચા થશે કે પ્રમુખપદેથી રાજીનામું સ્વિકાર્ય છે કે નહીં.

Loading...