Abtak Media Google News

ઉદ્યોગપતિઓ કારખાના શરૂ કરવા તત્પર, મજૂરો વિના પૂર્ણપણે ઉત્પાદન નહી થાય

સમગ્ર વિશ્વમાં આરોગ્ય કટોકટીની પરિસ્થિતિ વચ્ચે ભારતમાં પણ સામાજિક અવકાસ અને લોકોને ઘરમાં રાખવાની વ્યવસ્થા સાથે લોક ડાઉન નો ચોથો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે, ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના અર્થતંત્રને પુન: ધબકતું કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આયોજનના ભાગરૂપે જૂનાગઢમાં પણ ધીમે પગલે ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે, ત્યારે ઉદ્યોગપતિઓની સાથે સાથે ખાતેદાર ખેડૂતો માટે પણ પરપ્રાંતિય મજૂરો, શ્રમજીવીઓની વતન ભણી રવાના થવાન કારણે જૂનાગઢ જિલ્લામાં મોટા પાયે મજૂરો અને કામદારોની મોટી ખોટ ઊભી થશે.

જુનાગઢ જીઆઇડીસી માં કામ કરી રહેલા મોટાભાગના બિનગુજરાતી શ્રમજીવીઓ અને કારીગર કક્ષાના કામદારો પોતાના વતન ભણી રવાના થઇ ચુક્યા છે, જીઆઇડીસીના મોટાભાગના કારખાનાઓનું અત્યારે કામ શરૂ થાય તો માનવશ્રમની મોટી અછતનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

વડાપ્રધાન મોદી સરકારે ચોથા તબક્કાના લોક ડાઉન માં દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પોતાની આવશ્યકતા અને સમાજ જીવનની જરૂરિયાત મુજબ પ્રતિબંધોમાં છૂટછાટ અને યોગ્ય વ્યવસ્થા કરવાના સંકેતો આપ્યા છે ત્યારે ગુજરાતમાં નાના અને મધ્યમ કદ ના ઉદ્યોગોને જરૂરી પ્રોત્સાહન અને ધિરાણ સહિતની સુવિધાઓ આપીને કામ ધંધો શરૂ કરવા ગુજરાત સરકારે કવાયત હાથ ધરી છે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં અત્યારે ઉદ્યોગો શરૂ કરવા હોય તો પણ પૂરતા પ્રમાણમાં તાલીમ બધ્ધ મજૂરોની મોટા પ્રમાણમાં ખોટનો સામનો ઉદ્યોગ જગતને કરવો પડશે,            દુકાળમાં અધિક માસ હોય તેમ લાંબા સમયથી ઉદ્યોગો બંધ હાલતમાં હતા અને હવે જ્યારે કામ-ધંધા શરૂ કરવાની તૈયારીઓને સંજોગો અનુકૂળ થતાં જાય છે ત્યારે કારખાનામાં કામ કરનાર મજૂરો જ ન હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

જુનાગઢ જીઆઇડીસીના ઉદ્યોગો અને સમગ્ર જિલ્લાની ખેતીને બંને ક્ષેત્રને મજૂરોની વતન ભણી પકડાયેલ વાટ અને કામ કરનારાઓની અછતની અસર મોટો ફટકો આપનારી સાબિત થશે. જુનાગઢ જીઆઇડીસી માં આમ પણ છેલ્લા છ એક મહિનાથી તમામ પ્રકારના ઉદ્યોગો મંદીમાંથી પસાર થતા હતા તેમાં કોરોના મહામારીના કારણે તમામ ઉદ્યોગ લાંબો સમય સુધી બંધ રહ્યા છે, ઉદ્યોગપતિઓએ તેમના સંગઠન મારફત સરકાર પાસેથી બેંકના ચલણ હપ્તાઓની લોનની વ્યાજ માફી અને ધંધો કરવા માટે વધારાની બેન્ક ક્રેડીટ આપવાની માંગણી અગાઉ કરી હતી, હવે તો પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે, કદાચ જૂનાગઢના ઉદ્યોગપતિઓ કારખાના શરૂ કરવા તૈયાર હોય તો પણ મજુરો વગર કારખાનાં પૂર્ણ પણે ઉત્પાદન નહીં કરી શકે.

આ જ રીતે જૂનાગઢ જિલ્લામાં હાલમાં ઉનાળુ મગફળી, કઠોળ, ધાન્ય ના પાકો લણણી માટે તૈયારી ચાલી રહી છે, ત્યારે ગોધરા સહિત ના અન્ય જિલ્લાઓમાંથી મજૂરી કરવા આવતા ખેત મજુરો જ વતન ભણી રવાના થઇ ચૂકતા તેમની મોટી ખોટ અનુભવાય રહી છે. તો અત્યારે ડુંગળીના ભાવો તળીએ બેસી ગયા છે અને ઉપરથી મજૂરોની ખોટના કારણે ખેડૂતો પર લોક ડાઉનની આ વિકટ પરિસ્થિતિ બેવડા ભારે બોજારૂપ બની ગઈ છે.

આમ લોક ડાઉનની છૂટ મળતા જ મજૂરોએ વતનની વાટ પકડી લેતા અત્યારે જૂનાગઢ જિલ્લાની ખેતી અને ઉદ્યોગ જગત હાથ પગ વગરનું થઈ જાય એવું ચિત્ર ઊભું થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.