ચોમાસાની વિદાય થતા થતા ‘હાથિયો’ પૂછડે વરસ્યો

જૂનાગઢના વિસાવદરમાં અને રાજુલામાં ૪ ઈંચ, ગોંડલમાં ૨ ઈંચ અને પાલીતાણા, ઉપલેટા, કોટડાસાંગણીમાં ૧ થી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે પડતાં મહેરબાન થયા છે. સીઝનમાં સતત એકધારા પડેલા વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે જતા જતા પણ મેઘરાજા સૌરાષ્ટ્રના ઘણા ખરા જિલ્લામાં કહેર વરસાવી રહ્યા છે.ગઈકાલે બપોર પછી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ ખાબકતાં જગતના તાતની ચિંતા વધી ગઈ હતી. ચોમાસાની વિદાય થતા થતા ’હાથિયો’ પૂછડે વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢના વિસાવદરમાં અને રાજુલામાં ૪ ઈંચ, ગોંડલમાં ૨ ઈંચ અને પાલીતાણા, ઉપલેટા, કોટડાસાંગણીમાં ૧ થી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ધાતરવાડી ડેમ-૨ ફરી છલકાયો હતો. ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ખાખબાઈ, વડ, છતડીયા, હીડોરાણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

સાવરકુંડલાના અનેક ગામોમાં વરસાદ પડતાં કપાસના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. પંથકના ચરખડિયા, નાના ભમોદ્રા, સીમરણ(જીરા), ખડકાળા સહિત ઘણા ગામોમાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું.

બાબરા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. બાબરાના પાનસડા,થોરખાણ, ગરણી, ઘૂઘરાળા સહિતના અનેત ગામોમાં વરસાદને પગલે ખેડૂતોના પાકોને નુક્શાનની ભીતિ છે. ખેડૂતોનો મગફળી અને તલનો પાક નિષ્ફળ ગયા બાદ થોડી ઘણી આશા કપાસના પાક પર હતી. પરંતુ વરસાદથી તે પણ નિષ્ફળ જઈ શકે છે. અમરેલી તાલુકાના ફતેપુરા, બાબાપુર,પાણિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ધારીના ગોપાલગ્રામ, હાલરીયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ખાંભા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી હતા. ખાંભાના નાનુડી, રાણીંગપરા, સરાકડિયા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.

કચ્છમાં ભૂકંપના ૩ આંચકા

એકબાજુ કોરોનાની મહામારી અને બીજીબાજુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર-કરછમાં ભૂકંપના આચકા યથાવત જોવા મળી રહ્યા છે. મોડી રાતે કચ્છના રાપરથી ૨૧ કિમી દૂર ૨.૧ રિકટર સ્કેલનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ રાતે ૨:૫૬ કલાકે કચ્છના ભચાઉથી ૧૨ કિમી દૂર ૧.૫ રિકટર સ્કેલનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો અને વહેલી સવારે ૬:૧૮ કલાકે કચ્છના રાપરથી ૧૩ કિમી દૂર ૨.૩ રિકટર સ્કેલનો આંચકો વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો. વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે જો કે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

Loading...