આરોગ્ય કર્મીઓની રાત-દિવસની સેવાના પરિણામે સદ્ભાવના વૃદ્ધાશ્રમના ૩૦ વડિલોએ કોરોનાને હંફાવ્યો

વડિલો ડિસ્ચાર્જ થતા સમરસ હોસ્ટેલમાં લાગણીભીના દ્રશ્યો સર્જાયા

કોરોનાના કપરા કાળે લોકોમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ સાથે માનવતાના નવા પાઠ પણ શીખવ્યા છે. હાલ કોરોના સંક્રમણ સમયે સંક્રમિતેાની સારવાર દરમિયાન અનેક પ્રસંગો માનવતાની ચરમસીમા દર્શાવતા જાય છે. આજ રોજ રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતેથી ૫૬ થી માંડીને ૮૦ વર્ષથી વધુની વયનાસદભાવના વૃધ્ધાશ્રમના કુલ ૩૦ જેટલા વૃધ્ધો કોરોનાના સંક્રમણમાંથી મુકત થઇને  નિર્ભીક અને સ્વસ્થ બનીને પરત ફરી રહ્યા હતા ત્યારે લાગણીભીના દ્રશ્યો સર્જાયા હતા.

આંખમાં આસું સાથે ડુમો ભરતા સ્વરે વૃધ્ધ ચંપાબેન નારણભાઈ પરમારે કહ્યું કે, આવા કપરા સમયમાં ઘરના લોકોય નથી સાચવતા અને અમને સદભાવના વૃધ્ધાશ્રમમાં મુકી ગ્યા છે. અમને કાળમુખો કોરોના થઈ ગ્યો હતો. પરંતુ અહીંયા સમરસ હોસ્ટલમાં અમને અમારા સગા દીકરા કરતાંય વધુ સારી રીતે સાચવે એવા અટેન્ડન્ટ દિકરા દિકરીઓએ રાત-દિવસ જોયા વગર અમારી સેવા કરી છે. ડોક્ટરો રાત્રે અગિયાર વાગ્યા સુધી આવીને ચેકિંગ કરી જતા, દવા આપી જતા. અમારી તબિયત જોવા કોઇ પોતીકું કહી શકાય તેવું નથી પણ અહીંના તમામ સ્ટાફે અમને બધાને પોતીકા બનાવી ખુબ જ સારી રીતે સાચવ્યા છે.

સદભાવનાના આ વૃધ્ધ દર્દીઓની સેવા કરીને પોતાના મા-બાપની સેવા કર્યાનો સંતોષ વ્યક્ત કરતા એટેન્ડન્ટ પાથર મિત્તલ  જણાવે છે કે, હું એટેન્ડન્ટ તરીકે સેવા બજાવું છું. અહીંયા આવેલા આ વડીલોની તમામ જરૂરીયાતને સમજી દીવસ રાત તેઓ સાથ રહીને તે પુરી કરવામાં અમને અનેરો આનંદ પ્રાપ્ત થયો છે. આટલા દિવસોનો તેમના સંગાથને કારણે તેઓ સાથે આત્મીયતા બંધાઇ ગઇ છે. તેઓ પરત સાજા થઇને તેમના નિવાસસ્થાને જઇ રહયા છે. ત્યારે અમને મળીને અંતરના આર્શીવાદ સાથે આનંદ વ્યકત કર્યો છે. તે મારા માટે આજીવન સંભારણું બની રહેશે.

કોરોનાગ્રસ્ત થયેલ કોઈપણ વ્યક્તિના સાજા થઈને ઘરે પરત ફરવામાં રાજકોટની સમરસ હોસ્ટેલનો ખુબ જ મહત્વનો અને નોંધપાત્ર ફાળો રહેલો છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને નોડલ મેડીકલ ઓફીસર ભાનુભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યરત મેડીકલ ઓફિસરો, પેરા મેડીકલ સ્ટાફ, એટેન્ડન્ટ, સેનેટરી સ્ટાફના લોકો ઉત્તમોત્તમ કામગીરી કરી રહ્યા છે.

Loading...