Abtak Media Google News

સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડા અને રિંછના પાંજરામાં પાણીના પોન્ડ ભરાયા, ડ્રિપ ઈરિગેશન પઘ્ધતિથી પાંજરાઓમાં સતત પાણીનો છંટકાવ

વાંદરા અને રિંછને બપોરના સમયે અપાય છે ફ્રુટ કેન્ડી: રોગ પ્રતિકારક શકિત વધારવા મલ્ટી વિટામીન્સ અને કેલ્શીયમ પણ અપાઇ રહ્યા છે

સુર્ય નારાયણ આગમાંથી અગનવર્ષા કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં જીવમાત્ર અકળાય ઉઠયો છે આવામાં અઢળક કુદરતી સૌંદર્યનાં સાનિઘ્ય વચ્ચે મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણી અને પક્ષીઓને હિટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો હોય માનવીની અવર-જવર ઓછી હોવાનાં કારણે ઝૂમાં પ્રાણી અને પક્ષીઓને સંપૂર્ણપણે જંગલ જેવું કુદરતી વાતાવરણ મળી રહે છે. પ્રાણીઓ અને પક્ષીઓ ડિહાઈડ્રેશનનો શિકાર ન બને અને તેઓની રોગપ્રતિકારક શકિત પણ વધે તે માટે કાળજી લેવામાં આવી રહી છે. આ અંગે વધુ માહિતી આપતા ઝૂ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, પ્રદ્યુમન પાર્ક ઝુમાં હાલ ૫૩ પ્રજાતીનાં ૪૫૦થી પણ વધુ પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. છેલ્લા વીસેક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. આવામાં ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓને હિટવેવથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સિંહ, વાઘ, દિપડા, સફેદ વાઘ અને રિંછનાં પાંજરામાં પાણીના પોન્ડ ભરી રાખવામાં આવે છે જેનાં કારણે જયારે આવા હિંસક પ્રાણીઓને ગરમી લાગે ત્યારે તે પોતાનાં શરીરને ઠંડુ કરવા માટે આ પોન્ડમાં જઈ સ્નાન કરતા હોય છે. પાંજરાઓમાં ડિઈરીગેશન પઘ્ધતિથી ફોગીંગ અથાત પાણીનો સતત છંટકાવ કરવામાં આવે છે જેનાથી બે પ્રકારનાં લાભ થાય છે. એક તો સતત જમીન ભીની રહેતી હોવાનાં કારણે પાંજરાનું વાતાવરણ ઠંડુ રહે છે અને વૃક્ષોને પણ પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. સિંહ અને વાંદરાને ફુડ કેન્ડી આપવામાં આવે છે. જયારે તેઓ ભોજન ગ્રહણ કરે ત્યારે આ કેન્ડીને ચુસ્તા હોય છે જેથી તેઓને ઠંડક મળી રહે છે અને તેમનાં શરીરનું તાપમાન પણ જળવાય રહે છે. દરેક પક્ષીઓનાં પાંજરામાં સુકા ઘાસનાં માંડવા બાંધવામાં આવ્યા છે અને ત્યાં સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે.

1112

હિટવેવમાં પ્રાણી અને પક્ષીઓ ડિહાઈડ્રેશન સહિતની અન્ય બિમારીથી બચે તે માટે પાણીમાં ઓઆરએસ ભેળવવામાં આવે છે. રોગપ્રતિકારક શકિત વધારવા માટે મલ્ટી વિટામીન અને કેલ્શીયમની ગોળીઓ પણ પ્રાણીઓને આપવામાં આવે છે. હાલ વિશ્ર્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમુક દેશમાં ઝૂનાં પ્રાણીઓમાં પણ કોરોનાનાં લક્ષણ જણાયા હતા. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં તમામ પ્રાણીઓનું ખુબ જ ભારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ લોકડાઉનનાં કારણે ઝૂ બંધ છે જેથી પ્રાણીઓને કોઈ માનવીથી કોરોના સંક્રમણ થાય તેવી શકયતા ખુબ જ નહિવત છે. ઝૂમાં એનીમલ કિપર જયારે ફરજ પર હાજર થાય ત્યારે તે સેનીટાઈઝરનો ઉપયોગ કરે છે અને સંપૂર્ણ કામગીરી દરમિયાન સતત માસ્ક પહેરેલું રાખે છે. તમામ જનરલ ‚લ્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.

મગર, અજગર અને સાપનો ખોરાક વઘ્યો: સિંહ, વાઘ, દિપડા અને રિંછનો ખોરાક ઘટયો

કાળઝાળ ગરમીમાં દરેક જીવનાં ખોરાકમાં થોડા ઘણા અંશે ઘટાડો નોંધાતો હોય છે. હાલ હિટવેવનાં સમયગાળામાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં વસવાટ કરતા મગર ઉપરાંત સરીશ્રુફ અજગર અને સાપનો ખોરાક સામાન્ય દિવસો કરતા બમણો થઈ ગયો છે તો બીજી તરફ સિંહ, વાઘ, દિપડા, સફેદ વાઘ અને રિંછનાં ખોરાકમાં ૧૦ થી ૧૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. સિંહ, વાઘ અને દિપડા જેવા હિંસક પ્રાણીને રોજ ૬ થી ૭ કિલો ખોરાક આપવામાં આવતો હોય છે જે હાલ ૫ થી ૬ કિલોએ પહોંચી ગયો છે. જયારે મગર સામાન્ય દિવસોમાં અઠવાડિયે એક વખત ખોરાક લેતી હોય છે જે ગરમીમાં હવે રોજ ખોરાક લે છે. ઝૂમાં ગરમીનાં દિવસોમાં દરેક પ્રાણી અને પક્ષીઓનું સવિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

લોકડાઉનમાં માનવ અવર-જવર નહીં: પ્રાણી-પક્ષીઓને મજો મજો

વૈશ્ર્વિક મહામારી કોરોનાએ વિશ્ર્વભરમાં અજગરી ભરડો લેતા ભારતમાં ગત ૨૫મી માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલ દેશમાં ચોથા તબકકાનું લોકડાઉન ચાલી રહ્યું છે. છેલ્લા બે માસથી પ્રદ્યુમન પાર્ક ઝૂમાં લોકોની અવર-જવર સંપૂર્ણપણે બંધ હોવાનાં કારણે પ્રાણીઓ અને પક્ષીઓને સંપૂર્ણપણે જંગલની માફક કુદરતી વાતાવરણ મળી રહ્યું છે. તેઓની જીવન પ્રણાલીમાં પણ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઝૂમાં અસંખ્ય મોર વસવાટ કરે છે. તેઓને બીડીંગ પીરીયડ પણ નેચરલ મળી ગયો છે.આ વખતે ઝૂમાં મોરની સંખ્યામાં પણ ઘણો વધારો થાય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.