Abtak Media Google News

રાજકોટના ૯ સહિત રાજયના શહેરી વિસ્તારોના ૬૨૫ તળાવો અદ્રશ્ય

કેન્દ્ર સરકારે જળસ્ત્રોત મામલે રાજય સરકાર પાસે જવાબ માંગ્યો

ચાલુ વર્ષે નર્મદાની જળસપાટી ઘટી ગયા બાદ સમગ્ર રાજયમાં સર્જાયેલી જળકટોકટીમાં સ્થાનિક જળસ્ત્રોતોની જરૂરીયાત ઉભી થતા અંતે કેન્દ્ર સરકારે રાજય સરકારનો જવાબ માંગી રાજયોમાં આવેલી જુદી-જુદી નદીઓ, તળાવો અને સરોવરની સ્થિતિનો અહેવાલ માંગ્યો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે સમગ્ર રાજયમાં વધતા જતા શહેરીકરણના પાપે અનેક તળાવો દબાણ હેઠળ અદ્રશ્ય થઈ ગયા હોવાનું પણ બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જળકટોકટીને ધ્યાને લઈ અંતે સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારનો જવાબ માંગી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા તળાવો, નદીઓ અને સરોવરોની પ્રવર્તમાન સ્થિતિનો અહેવાલ આપવા જણાવાયું છે.

સરકારના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના વોટર રીસોર્સ ડિપાર્ટમેન્ટ વિભાગ દ્વારા ગુજરાત સરકારને પત્ર પાઠવી ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવેલા તળાવો અને નદીઓની સ્થિતિ શું છે ? તે અંગે જવાબ માંગવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજયના શહેરી વિસ્તારોમાં કુલ ૬૨૫થી વધુ તળાવો આવેલા છે જેમાં રાજકોટના ૯, અમદાવાદના ૬૧, સુરતમાં ૩૩૦, વડોદરામાં ૩૮ સહિત તળાવો સરોવરોના કાંઠા પર દબાણો થઈ ગયા છે અને આ દબાણોના કારણે તળાવોમાં પાણી આવવાના માર્ગો બંધ થતા તળાવોની સંગ્રહશકિત ઘટી છે. આ સંજોગોમાં સ્થાનિક તંત્ર દ્વારા આવા દબાણો મામલે કેવા પગલા લેવાયા છે તે સહિતની બાબતોનો જવાબ માંગવામાં આવ્યો છે.

દરમિયાન ચાલુ વર્ષે રાજય સરકાર દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં મોટાપાયે તળાવોને ઉંડા ઉતારવાની કામગીરી કરવાની સાથે-સાથે નદીકાંઠાના દબાણો હટાવવા પણ કામગીરી કરી છે ત્યારે હવે શહેરી વિસ્તારમાં આવેલા ૧૯૩૯ ટાઉનમાં તળાવો અને નદીઓની સ્થિતિ તેમજ પંચાયત વિભાગ હેઠળ આવેલા ૨૫,૬૦૪ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ હેઠળ આવેલા ૧૨,૧૮૨ તળાવો, સરોવર અને નદીઓની હાલત અંગે કેન્દ્ર સરકાર દ્વારા જવાબ માંગવામાં આવતા રાજય સરકાર હરકતમાં આવી છે.

વધુમાં ૨૦૦૫માં રાજય સરકાર દ્વારા કુલ ૪૪,૧૩૮ તળાવોને સુચિત કરી આવા જળસ્ત્રોતોને વિકસાવવા માટે કવાયત હાથ ધરી હતી પરંતુ ૧૩ વર્ષનો સમયગાળો વિતવા છતાં આ દિશામાં કોઈ નકકર કામગીરી થઈ ન હોય હાલમાં રાજયમાં આવેલા તળાવો અને સરોવરોની હાલત ખુબ જ ગંભીર બની છે અને દિવસે-દિવસે આવા કુદરતી જળસ્ત્રોત નજીક ઉભા થઈ રહેલા દબાણો જળસંકટ ઉભું કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં નર્મદા અને તાપી બે મુખ્ય જળાશયો આવેલા છે. આ બંને જળાશયોમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ દ્વારા કાળજીપૂર્વક નિયમન કરવામાં આવી રહ્યું છે. એ રીતે ગુજરાત સરકાર દ્વારા મોટા જળાશયોની જેમ અન્ય નાના-નાના જળસ્ત્રોતો પર નિયમન કરી દબાણો દુર કરી આવા જળાશયોને વિકસાવવા માટે પ્રયત્ન કરવામાં આવે તો આવનારા દિવસોમાં ગુજરાતમાંથી જળસંકટ ટળી શકે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.