Abtak Media Google News

વિધાનસભા અધ્યક્ષ દ્વારા ૧૮ સમિતિઓના ચેરમેનોની નિમણૂક: જાહેર હિસાબોની સમિતિની જવાબદારી પૂંજાભાઈ વંશ અને અંદાજપત્ર સમિતિની બાબુભાઇ બોખીરીયાને સોંપાઇ

ગુજરાત વિધાનસભાની ૧૮ સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ૧૮ વિવિધ સમિતિઓની જાહેરાત કરીને તેમના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે કોંગ્રેસના પુંજાભાઈ વંશ નિયુક્ત કરવામાં આવ્યા છે. અંદાજપત્ર સમિતિના અધ્યક્ષ બાબુભાઈ બોખરીયા નિમણૂંક થઈ છે. સરકારની ખાતરી સમિતિમાં વલ્લભભાઈ કાકડીયા અધ્યક્ષ બન્યા છે. વિધાનસભાની ૧૮ સમિતિઓની જાહેરાતમાં ૪ નાણાકીય, ૧૪ બિનનાણાકીય સમિતિની જાહેરાત કરાઈ છે. જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિ, જાહેર સાહસો સમિતિઓની ચેરમેન સભ્યોના નામ જાહેર કરાયા છે. સામાન્ય રીતે આ સમિતિઓના સભ્યોની ચૂંટણી થતી હોય છે. ભાજપ અને કોંગ્રેસના સભ્યોને પ્રોરેટા મુજબ સ્થાન અપાય છે. પીએસીના ચેરમેન પદ વિપક્ષને અપાય છે.

સમિતિઓની વિસ્તૃત વિગતો જોઈએ તો જાહેર સાહસો માટેની સમિતિના પ્રમુખ તરીકે નીમાબેન આચાર્ય, અંદાજ સમિતિના ચેરમેન તરીકે બાબુભાઈ બખીરીયા, પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે ગોવિંદભાઈ પટેલ, બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના ચેરમેન તરીકે વીરેન્દ્રસિંહ જાડેજા, ગૌણ વિઘાની સમિતિના ચેરમેન તરીકે અરુણસિંહ રાણા, નિયમો માટેની સમિતિના ચેરમેન તરીકે અધ્યક્ષ, સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિના ચેરમેન તરીકે નરેશભાઈ પટેલ, સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના ચેરમેન તરીકે અર્જુનસિંહ ચૌહાણ, સદસ્ય નિવાસ સમિતિના ચેરમેન તરીકે પૂરણેશ મોદી, સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળો માટેની સમિતિના ચેરમેન તરીકે ડો. આશાબેન પટેલ, અરજી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ ઘોઘારી, વિશેષાધિકાર સમિતિના ચેરમેન તરીકે રાકેશભાઈ શાહ, સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિના ચેરમેન તરીકે જીતેન્દ્ર સુખડીયા, ગ્રંથાલય સમિતિના ચેરમેન તરીકે અધ્યક્ષ, અનુ. જાતિઓના કલ્યાણ માટેની સમિતિના ચેરમેન તરીકે પ્રદીપભાઈ પરમાર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના ચેરમેન તરીકે આર.સી. મકવાણાની નિમણૂક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.