Abtak Media Google News

આરોગ્યનો ફિલ્ડ સ્ટાફ હવે જે તે સ્થળ પરથી જ રિપોર્ટ રજુ કરી શકશે: મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની જાહેરાત

કોરોનાના સંક્રમણ પ્રસરતો અટકાવવા માટે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં હોમ કોરોનટાઈન કરાયેલા લોકો તેમના ઘરમાં જ રહે તે ખુબ જ જરૂરી છે. આ લોકોને ઘરમાં જ રહેવા સમજાવવા તથા તેઓ ખરેખર ઘરની અંદર જ રહે છે કે કેમ તેની દરરોજ તપાસ કરવા અને તેમની માહિતી સીધી સ્થળ પરથી જ રાજકોટ મહાનગરપાલિકાને મળી રહે તે માટે એક ખાસ એપ બનાવવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ અંગે વાત કરતા મ્યુનિ. કમિશનરે કહ્યું હતું કે, હોમ કોરોનટાઈન કરાયેલા લોકોની માહિતી મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્યની વિવિધ ટીમો બનાવવામાં આવેલી છે. આ ટીમોને હોમ કોરોનટાઈન કરાયેલા લોકોના ઘરો ફાળવી દેવામાં આવેલ છે. પોતાને સોંપાયેલા મકાનોની દરરોજ રૂબરૂ મુલાકાત લઇ આ ટીમો ત્યાં તપાસ કરે છે અને ત્યાં સ્થળ પર પત્રકમાં મેન્યુઅલી વિગતો ભરે છે. આ પછી જે તે ટીમ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કાર્યરત્ત કંટ્રોલ રૂમમાં રીપોર્ટ રજુ કરવા આવે છે. આ સમગ્ર પ્રક્રિયા લાંબી હોઈ ડીટેઇલ્ડ રીપોર્ટ તૈયાર કરવામાં સમય લાગે છે. જોકે હવે આ પ્રક્રિયા એકદમ સરળ બને અને ઝડપથી રીપોર્ટ તૈયાર થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ એક એપ વિકસાવી લીધી છે.

અત્રે એ ઉલ્લેખ કરવો રહયો કે, આ એપ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ આઈ.ટી. ડીપાર્ટમેન્ટના ડાઇરેક્ટર શ્રી સંજય ગોહિલની સતત નિગરાનીમાં બનાવવામાં આવેલ છે.

આ એપ્લીકેશન વિશે વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનર ઉમેરે છે કે, આ એપ જી.પી.એસ. ટ્રેકરથી સજ્જ છે. જે તે વિસ્તારની હેલ્થ ટીમે હવેથી આ એપમાં જ તમામ વિગતો ભરવાની રહેશે. હવે મેન્યુઅલ પ્રકારે કાગળ પેનથી પત્રકો તૈયાર કરવાના નહી રહે. દરે હેલ્થ  ટીમ જી.પી.એસ. લોકેશન ઓન કરશે ત્યારબાદ જ એપ્લીકેશન ચાલુ થઇ શકશે. ત્યારબાદ હોમ કોરોનટાઈન કરાયેલા લોકોના ઘેર જઈને તપાસ કરશે અને જોવા મળેલી સ્થિતિ વિશે એપ્લીકેશનમાં એન્ટ્રી કરશે. આ એપમાં થનાર એન્ટ્રીમાં જે કાંઈ વિગતો આપવામાં આવેલી હશે તે સીધી જ રાજકોટ મહાનગરપાલિકાને પહોંચી જશે. માત્ર એટલું જ નહી ડેશ બોર્ડ પર આપોઆપ આ તમામ ડેટા અપડેટ થતો રહેશે અને તેનો સંકલિત રીપોર્ટ પણ તૈયાર થતો રહેશે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે વિશેષમાં એમ પણ કહ્યું કે, મહાનગરપાલિકા દ્વારા હવે પછીના તબક્કામાં આ એપ્લીકેશનમાં હોમ કોરોનટાઈન કરાયેલા લોકોને ડાઈરેક્ટ આવરી લેવામાં આવશે. જેથી તેમનો સતત સંપર્ક બનાવી રાખી શકાય અને તેઓના લોકેશન અને મૂવમેન્ટ ઉપર પણ નજર રાખી શકાય. અલબત્ત હોમ કોરોનટાઈન લોકો રાજકોટ મહાનગરપાલિકાને સહકાર આપે જ છે અને તેઓની માનસિક સ્થિતિ સમજી શકાય એવી છે. તેઓના સહકાર બદલ રાજકોટ મહાનગરપાલિકા તેઓનો આભાર માને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.