Abtak Media Google News

કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ અને મઘ્યપ્રદેશની ચૂંટણીના પરિણામોની અસર, જીએસટીના કડક અમલીકરણ, ઇ-વે બીલ, વેપારયુધ્ધ જેવી વૈશ્ર્વિક બજારની પરિસ્થિતિ સહિતના અનેક પરિબળોની અસર ભારતના અર્થતંત્ર પર જોવા મળશે

૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં સેન્સેક્સમાં ૧૧.૩ ટકાનો વધારો થયો હતો. કેટલાંક મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી તથા વૈશ્વિક વેપારયુદ્ધ જેવા વૈશ્વિક બજારને કારણે નવા નાણાકીય વર્ષમાં બજારમાં વોલેટિલિટી રહેવાની ધારણા છે. વિશ્વના અગ્રણી દેશોની મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં વધારાનું પણ જોખમ છે. નવા નાણાકીય વર્ષમાં બજારને અસર કરી શકે તેવાં મહત્ત્વનાં પરિબળો  ભારતના અર્થતંત્રની દિશા નક્કી કરશે.

મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાશે. વર્ષના અંત ભાગમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી થશે. આગામી વર્ષો લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું વિશેષ મહત્ત્વ છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી આપણને સુધારાલક્ષી સરકાર મળે છે કે અસ્થિર ગઠબંધન સરકાર બંને છે તે પરિબળ બજારને અસર કરશે.

ઘણાં વર્ષ સુધી કોર્પોરેટ અર્નિંગનો ગ્રોથ અંદાજ કરતાં નીચે રહ્યો હતો, તેથી ચાલુ નાણાકીય વર્ષમાં અર્નિંગમાં રિકવરી બજાર માટે મુખ્ય ચાલકબળ હશે. કોટક મહિન્દ્રા એએમસીના એમડી નિલેશ શાહે ઊંચા વાસ્તવિક વ્યાજદર, ધિરાણની મર્યાદિત ઉપલબ્ધતા અને ઓવરવેલ્યૂડ કરન્સી વચ્ચે અર્થતંત્ર સારો દેખાવ કરી રહ્યું છે, જેનાથી ડિસેમ્બર ક્વાર્ટરમાં અર્નિંગ રિકવરી આવી છે.

રાજકીય ખાધના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સની આવકમાં વધારો મહત્ત્વપૂર્ણ છે. રાજકોષીય ખાધના લક્ષ્યાંકને હાંસલ કરી શકાશે કે નહીં તે માટે જીએસટી કલેક્શન પર નજર રાખવી જોઈએ. જીએસટીની આવકમાં અત્યાર સુધી ધારણા મુજબ વધારો થયો નથી, પરંતુ ઇ-વે બિલના અમલથી તેમાં વધારો થવાની ધારણા છે.

છેલ્લા એક મહિનામાં વૈશ્વિક વેપારયુદ્ધ અને ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંઘર્ષથી વૈશ્વિક બજારોમાં ઘટાડો થયો છે. આ ચિંતા હજુ સંપૂર્ણપણે દૂર થઈ નથી અને ચાલુ નાણાકીય વર્ષમાં તેની અસર થશે.

વૈશ્વિક ભૂરાજકીય અથવા વેપારમુદ્દા ઊભા થઈ શકે છે. વેપારમુદ્દાનો હજુ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોની નાણાનીતિથી ફાઇનાન્શિયલ માર્કેટ્સની અસર થશે, કારણ કે સેન્ટ્રલ બેન્કો નાણાનીતિને આકરી બનાવી રહી છે. ઘરેલુ મોરચે જોઈએ તો એનાલિસ્ટ્સ રિઝર્વ બેન્કની નાણાનીતિ પર નજર રાખશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.