ભાગેડું વિજય માલ્યાને વધુ એક ઝટકો: યુબીએચએલની અરજીનો સુપ્રીમ દ્વારા અસ્વીકાર

ભાગેડું વિજય માલ્યાને સુપ્રીમકોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. માલ્યાની શરાબ કારોબારી કંપની યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (યુબીએચએલ)ની એક અરજીનો સુપ્રીમે અસ્વીકાર કરી દીધો છે.

કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. વિજય માલ્યાની કંપની યુબીએચએલ દ્વારા દાખલ કરેલી અરજીમાં કિંગફિશર એરલાઇન્સ લિમિટેડના બાકી રહેલા વસૂલાત માટે કંપનીને બંધ કરવાના આદેશને પડકારાયો હતો. જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી બેંચે યુબીએચએલ દ્વારા દાખલ અપીલને નકારી કાઢી હતી. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે યુબી જૂથની 102 વર્ષ જૂની પેરન્ટ કંપનીના વિન્ડિંગને પણ સીલ કરી દીધી હતી.

એસબીઆઈની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતને માહિતી આપતા કહ્યું કે અત્યાર સુધીમાં વિજય માલ્યા પાસેથી આશરે 3,600 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે, પરંતુ હજુ 11,000 કરોડની વસૂલાત બાકી છે.

આ બાબતે કર્ણાટક હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો. અને આદેશમા કોર્ટે લેણાંની ભરપાઇ માટે યુબીએચએલ કંપનીને બંધ કરી દેવા જણાવ્યું હતું. જેની સામે વાંધો ઉઠાવી વિજય માલ્યાની આ કંપનીએ સુપ્રીમમાં અરજી કરી હતી અને કંપનીના કારોબારને પ્રતિબંધીત કરવાના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આજે આ અરજીને રદ કરી નાખી છે.

યુનાઇટેડ બ્રુઅરીઝ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી.એસ. વૈદ્યનાથને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે કંપનીની સંપત્તિ તેના કુલ દેવા કરતાં વધારે છે. આથી કંપનીને બંધ કરવાનો આદેશ આપવો એ યોગ્ય નથી. વૈદ્યનાથને ભારપૂર્વક જણાવ્યું કે ઇડીએ કંપનીની અનેક સંપત્તિઓને જપ્ત કરી લીધી છે. જેના પરિણામ સ્વરૂપ બેંકોને માટે કોઈ સંપત્તિ ઉપલબ્ધ નહોતી.

Loading...