Abtak Media Google News

લોકરક્ષક દળનું પેપર લીક કરવામાં સંડોવાયેલા ભાજપના ત્રણ નેતા અને એક પીએસઆઈ સહિત કુલ પાંચની અટકાયત: તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાશે

ચાર આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર મોકલાયા: શંકાના દાયરામાં રહેલા વધુ ૧૦ શખ્સોની તપાસ: પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ હોવાની સોશિયલ મીડિયા પર અફવા

લોકરક્ષક દળનું પેપર પેપર લીક કરવાના કાંડમાં પોલીસે બે ભાજપ નેતા, એક પીએસઆઈ અને હોસ્ટેલની મહિલા સંચાલકની ધરપકડ કરી હતી. બાદમાં વધુ એક ભાજપના નેતાની પોલીસે ધરપકડ કરી છે. આમ અત્યાર સુધીમાં કુલ ૫ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં મુખ્ય આરોપી યશપાલ સોલંકી હાલ ફરાર છે. પકડાયેલા તમામ આરોપીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ઉપરાંત શંકાના દાયરામાં રહેલા વધુ ૧૦ શખ્સોની તપાસ હાલ ચાલી રહી છે.

ગત રવિવારના રોજ લોકરક્ષક દળની પરીક્ષા હતી. ઉમેદવારો આ પરીક્ષા આપે તે પૂર્વે જ પેપર લીક થઈ જતાં પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. પેપર લીક થતાં પોણા નવ લાખ જેટલા ઉમેદવારો લાચાર બની ગયા હતા. જો કે પોલીસે રાજય વ્યાપી તપાસ ચલાવીને તાત્કાલીક આ કાંડમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડયા છે. પેપર લીક કાંડમાં અરવલીના ભાજપના કાર્યકર મનહર પટેલ, બનાસકાંઠાના ભાજપના સભ્ય મુકેશ ચૌધરી, પોલીસ સબ ઈન્સ. પી.વી.પટેલ અને ગાંધીનગરની હોસ્ટેલની સંચાલક રૂપલ શર્માને ગઈકાલે પોલીસે પકડી પાડયા હતા. જો કે, આ કાંડનો મુખ્ય આરોપી વડોદરા કોર્પોરેશનનો કર્મચારી યશપાલ સોલંકી હાલ ફરાર છે.

તેને પકડી પાડવા માટે પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું છે. વધુમાં આજરોજ સવારે પોલીસે વધુ એક ભાજપના નેતાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. બાયડના સાંઠબા ગામના અને ભાજપના પૂર્વ મહામંત્રી જયેન્દ્ર રાવલની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ જયેન્દ્ર રાવલ, અરવલ્લીના ભાજપના કાર્યકર તેમજ પેપર લીક કરવાના આરોપી મનહર પટેલનો ખાસ મિત્ર છે.

ગઈકાલે પોલીસે પકડી પાડેલા ચાર આરોપીનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવનાર છે. ઉપરાંત ચારેય આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પેપર દિલ્હીના ગુ‚ગ્રામથી ફૂટયું હતું. આ પેપર લેવા માટે વડોદરા કોર્પોરેશનનો કર્મચારી યશપાલ સોલંકી ગયો હતો. હાલ આ શખ્સ ફરાર હોય પોલીસ દ્વારા તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં પેપર લીક કાંડમાં શંકાના દાયરામાં રહેલા વધુ ૧૦ શખ્સોની તપાસ ચાલી રહી છે.

પેપર લીક થયાનું જાહેર થતાં વેંત જ આગામી માસમાં પરીક્ષા યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું. જેથી ગઈકાલે સોશ્યલ મીડિયા પર પરીક્ષાની તારીખ નકકી થઈ ગઈ હોવાની અફવા વહેંતી થઈ હતી. ત્યારે સહાયે જાહેરાત કરી હતી કે, સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી નવી તારીખ એ માત્ર અફવા છે. જયારે અમે નવી તારીખ નકકી કરીશું ત્યારે પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરીશું.

ગઈકાલે પોલીસે ચારની અટકાયત કરી હતી ત્યારે અનેક ઘટસ્ફોટ થવા પામ્યા હતા. ગાંધીનગરની હોસ્ટેલની સંચાલક ‚પલ શર્મા કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની હતી. તેને આ આન્સર કી મળી હતી ત્યારે તેને તેના પિતાના મિત્ર પીએસઆઈ ભરત બોરાણાને પેપરના આન્સરની ખરાઈ કરવા આન્સર કી મોકલી હતી.

ત્યારે પીએસઆઈ ભરત બોરાણાએ આ બાબતે સમીતીના અધ્યક્ષ વિકાસ સહાયને તુરંત જાણ કરી હતી જેથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ‚પલ શર્મા પોતે પણ આ આન્સર કીનો ઉપયોગ કરવાની હતી અને રૂ.૫-૫ લાખમાં આ આન્સર કી વેંચવાની પણ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.