Abtak Media Google News

કચ્છમાં કોરોના વાયરસનો ભૂકંપ, એક સાથે ૧૨ કોરોના સંક્રમણમાં સપડાયા: અમદાવાદમાં કોરોનાની આફત યથાવત: વધુ ૨૭૬ કોરોનાગ્રસ્ત અને ૩૧ના મોત

કોરોના કોવિડ ૧૯ વાયરસના ફેલાવાને કાબુમાં લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની અમલી કરવામાં આવી હતી. જેમાં લોકડાઉનના ત્રીજા તબક્કાના છેલ્લા દિવસે ગુજરાતમાં વધુ ૩૯૧ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૧,૩૮૦ પર પહોંચી છે. જ્યારે વધુ ૩૪ લોકોના મોત નિપજતા મૃત્યુઆંક ૬૫૯ પર પહોંચ્યો છે. જ્યારે કચ્છમાં કોરોના વાયરસનો ભૂકંપ આવ્યો હોય તેમ એક સાથે વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે દેશભરમાં કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા ૯૦,૦૦૦ને પાર પહોંચી છે.

રાજ્યમાં લોકડાઉનના ત્રીજા તબક્કાના છેલ્લા દિવસે કોરોનાની મહામારી યથાવત રહેતા વધુ ૩૯૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોના વાયરસ ફેલાવાના બે માસના સમયગાળામાં રાજ્યમાં તમામે તમામ ૩૩ જિલ્લામાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. અત્યાર સુધી પોઝિટિવ કેસની સંખ્યા ૧૧,૩૮૦ પર પહોંચી છે. જ્યારે કોરોના વાયરસે વધુ ૩૪ દર્દીઓના ભોગ લેતા મૃત્યુઆંક ૬૫૯ પર પહોંચ્યો છે. જ્યારે ૧૯૧ કોરોનાગ્રસ્ત લોકોએ વાયરસે મ્હાત આપી ઘર વાપસી કરી છે. અત્યાર સુધી રાજ્યમાં ૪૫૦૦ કોરોનાગ્રસ્ત દર્દીઓના વાયરસ સામેની જંગ જીતી છે.  ગઈ કાલે લોકડાઉનના ત્રીજા તબક્કાના છેલ્લા દિવસે વધુ એક લાખ જેટલા શંકાસ્પદ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના કુલ ૬૫૯ મોત માંથી ૧૯૪ મોત માત્ર કોરોનાના કારણેજ નિપજ્યા છે.

રાજ્યમાં કોરોના વાયરસનું એપિસેન્ટર તરીકે ઉભરેલા અમદાવાદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ યથાવત રહ્યો છે. ગઈ કાલે વધુ ૨૭૬ કોરોના પોઝિટિવ કેસ અને ૩૧ લોકોના મોત નિપજ્યા છે.અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી ૮૪૨૦ કોરોનાગ્રસ્તની અને ૫૨૪ દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. જયારે વધુ ૧૧૫ દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યના અન્ય મહાનગર સુરત અને વડોદરામાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. સુરતમાં ગઈ કાલે વધુ ૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં વધુ ૨૧ લોકો કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. જ્યારે સુરતમાં કોરોનાના કારણે વધુ ૨ દર્દીઓના મોત નિપજ્યા છે અને પંચમહાલમાં વધુ એક દર્દીનો વાયરસે ભોગ લીધો હતો.

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે કચ્છમાં કોરોના વાયરસનો ભૂકંપ આવ્યો હોય તેમ એક દિવસમાં વધુ ૧૪ કોરોનાગ્રસ્ત લોકો નોંધાયા છે. જેમાં ૧૩ દર્દીઓની હિસ્ટ્રી મુંબઇ અને ૧ કોરોનાગ્રસ્ત દર્દીની હિસ્ટ્રી દિલ્હીની હોવાનું જાણવા મળ્યું છે. વતન પરત આવતા લોકોને કારણે વાયરસની ફેલાવો સતત વધતો રહ્યો છે. કચ્છમાં ભચાઉમાં ૮, સામખિયાળીમાં ૨, અધોઇમાં ૨, અને નાળિયામાં ૨ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોનામાં ગઈ કાલે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ગીર સોમનાથના કલેકટર અજયપ્રકાશની સૂચનાથી કોવિડ ૧૯ વાયરસના સંક્રમનને અટકાવા બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈ કાલે ગીર સોમનાથના તાલાળા તાલુકાના હડમતીયા ગામના પોઝિટિવ યુવાનના સંપર્કમાં આવેલા ૨૦વર્ષના યુવાનના સેમ્પલ મેળવી ટેસ્ટ કરાવતા તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઉનામાં મુંબઈથી આવેલા ૪૪વર્ષના આધેડનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.જ્યારે વધુ ૫૫ શંકાસ્પદ લોકોના સેમ્પલ મેળવી ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જૂનાગઢના પણ આજ રોજ વધુ ૩ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જૂનાગઢ જિલ્લામાં લાંબા સમય સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ ઘાતક વાયરસના ફેલાવએ જૂનાગઢને પણ ઝપેટમાં લેતા પોઝિટિવ કેસની સંખ્યા વધતી રહી છે. જ્યારે આજ રોજ વધુ ૩ કોરોનાની ઝપેટમાં આવતા તેઓને આઇશોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.રાજકોટમાં ગઈ કાલે વધુ ૮૮ લોકોના સેમ્પલ મેડવામાં આવ્યા હતા. જેમાંથી ૭૦ રિપોર્ટ નેગેટિવ અને ૧૮ના રિપોર્ટ હજુ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

બગસરામાં સુરતથી આવેલા ૧૧ વર્ષના તરૂણને કોરોના

બગસરા: અમરેલીમાં સુરતથી આવેલા બગસરાના વતની ૧૧ વર્ષીય તરુણને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાને વધુ એક પોઝિવટ કેસ આવતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા બે થઇ છે. બગસરા શહેરમાં તેનાં રહેણાંકના ૫૦૦ મિટર આસપાસના વિસ્તારને ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અમરેલી જિલ્લામાં લોકડાઉનના ૫૦ દિવસ બાદ સુરતથી આવેલા વૃધ્ધાનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા.૧૩મે ના સુરતથી અમરેલી આવેલા ૧૧ વર્ષીય તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે કેસ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું  હતું કે, આ તરુણ સુરતના વરાછા વિસ્તારમાંથી એસ.ટી. બસ મારફતે અમરેલી પહોંચ્યા હતો અને તેમને તાવના લક્ષણ જણાતાં તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને કોરોનાની લગતી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બગસરામાં તેમના રહેણાંકના ૫૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથોસાથ તંત્ર દ્વારા યુવાનના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરેન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકોને તાલુકા મથકના કોરેન્ટાઇન કેસિલિટીમાં રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.