ઐતિહાસિક શાસ્ત્રી મેદાનના ઉરમાંથી છલકતો હળાહળ અવગણનાનો અંજપો

રાજકોટના લોક જીવનના સુખદુ:ખનો ધબકાર ઝીલતા મેદાનની હાલત નધણીયાત

કરોડામાં કિંમત પણ હાલત કોડીની!!

જીદગીને કઇ સવાલાત બદલ ડાલે

વકતને મેરે હાલાત બદલ ડાલે

મૈં તો આજે ભી વહી હું મે મૈ કલ થા

બસ મેરે લીયે મતલબી લોગોને

અપને ખયાલાત બદલ ડાલે

જમીનને જો વાચા ફુટતી હોત તો રાજકોટ શહેરની મઘ્યમાં આવેલા અને રાજકોટની સ્થાપના વખતથી શહેરના લોકજીવનના સુખ-દુ:ખનો ધબકાર ઝીલતા ઐતિહાસિક શાસ્ત્રી મેદાનની જમીન આજે પોક મૂકીને રડતી હોત અને એ અરણ્યરૂદનમાં ઉપરોકત પંકિતઓ જેવા ભાવો પડધાતા હોત.

લાખોની વસ્તીથી ફાટફાટ થતાં આ શહેરમાં શાસ્ત્રી મેદાનના હાલ-હવાલ પુછનારું કોઇ હોય તેમ તેની વર્તમાન દુર્દશા જોતા લાગતું નથી. શાસ્ત્રી મેદાનની ફરતે આવેલી કમ્પાઉન્ડ વોલ જર્જરીત થઇ ગઇ છે. અમુક સ્થળે તો મોટા બાકોરા પડી ગયા છે. ઘણી જગ્યાએ તંત્રની લાપરવાણીની ચાડી ખાતા ઝુંપડાના ગુમડા ફુટી નીકળ્યા છે. ઝુપડાવાસીઓ ખાવા, પીવા સુવાથી માંડીને હાજત સુધીની સઘળી દૈનિક ક્રિયાઓ મેદાનમાં જ કરે છે. આખા મેદાનનો મનફાવે તેમ ઉપયોગ થાય છે. કયાંક ખાડા તો કયાંક ટેકરા તો કયાંક કાંકરા તો કયાંક ઉકરડા થઇ ગયા છે.

શાસ્ત્રી મેદાનની અડધાથી વધારે જગ્યા એસ.ટી. બસ સ્ટેશને રોકી રાખી છે. બસ સ્ટેશન હંગામી છે કે હવે કાયમી અહીં જ રહેશે તે તો સમય જ કહેશે, પરંતુ જો બસ સ્ટેશન કાયમી ધોરણે અહીં જ રહેવાનું હોય તો પછી તેને વ્યવસ્થિત કરવાની જરુર છે. ચોમાસામાં બસ સ્ટેશનની જગ્યામાં કાદવ-કીચડ અને ચોમાસા સિવાયના દિવસોમાં ધુળ માટીના ગોટે ગોટા ઉડતા રહે છે તે ભારે પ્રદુષણ સર્જે છે.

ઇતિહાસના પાને આલેખાયેલી નોંધ મુબજ આઝાદીની લડત દરમ્યાન આ મેદાનમાં એકઠી થયેલી મેદની ઉપર ગેરસમજને કારણે ભૂલથી અંગ્રેજોએ લાઠીચાર્જ કરેલો, તે બાબતે ભારે વિરોધ થતા એક અંગ્રેજ અમલદારે આ મેદાનમાં આવી જાહેરમાં પોતાની હેટ ઉતારી માફી માંગેલી, ત્યારથી એ મેદાનને માફી મેદાનું નામ અપાયેલું

જો કે પછીથી આ મેદાન શાસ્ત્રી મેદાનથી ઓળખાવા લાગ્યું, રાજકોટના જાહેર જીવનની ઘણી ઐતિહાસિક ઘટનાઓ શાસ્ત્રી મેદાનમાં જ આકાર પામી છે. રાજાઓના રજવાડાઓની જાહોજલાલી, અંગ્રેજો સામેની લડતના કાર્યક્રમ મોરારજીભાઇ દેસાઇ, ઇંદિરા ગાંધી, રાજીવ  ગાંધી, વાજપેયી સહીતના દેશના ટોચના રાજનેતાઓની જાહેર સભાઓ, દુષ્કાળ સમયનું રાહત રસોડુ, સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો મેળો, પ્રજાસત્તાક દિનની પરેડ, સમુહ લગ્નોત્સવ, લોકડાયરા, ગણેશ ઉત્સવ, જાહેર પ્રદર્શનો અને છેલ્લે એસ.ટી. બસ સ્ટેશન આવી ઘણી ઘટમાળ શાસ્ત્રી મેદાને સાચવી જાણી છે.

Loading...