Abtak Media Google News

જિલ્લા કોંગ્રેસ આગેવાનોનું વીજ અધિકારીને આવેદન

ગુજરાતની ભાજપ સરકારે કોરોના મહામારી અને લોકડાઉનમાં પીડાતી પ્રજાને રાહત આપવા વીજબીલમાં દર મહિને ૧૦૦ યુનિટ સુધી રાહત આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતનો ગોબારો વીજતંત્રના મનસ્વી વલણના કારણે ફૂટી ગયો છે અને સરકારની મોટા પાયે કરવામાં આવેલી જાહેરાત માત્ર લોલીપોપ પૂરવાર થઈ રહી હોવાનું જણાવી જામનગર જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા તથા જિલ્લા મહામંત્રી કે.પી. બવારે પીજીવીસીએલના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી મહિના-મહિનાના બીલ બતાવી આમજનતાને સરકારી જાહેરાત મુજબ લાભ મળે તેવી વ્યવસથા કરવા ઉગ્ર માંગણી કરી છે.

હજારો રૂપિયાના વીજબીલ ફટકારવામાં આવતા આમજનતામાં ભારે રોષ ફેલાયો છે, જો આ પ્રશ્ને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આ રજૂઆતમાં કરવામાં આવી છે.

હાલમાં આ ’કોરોના મહામારી’ને કારણે લોકડાઉનમાં આમ જનતા ઉપર જે માઠી દશા બેઠી છે તેમાં વીજતંત્રએ બળતામાં તેલ નાખીને આમ જનતા ઉપર જે રીતે આડેધડ રીતે વીજબીલો ફટકારીને જે આતંક મચાવ્યો છે તે ખેરખર ખેદજનક અને દુ:ખદાયી છે.

એક બાજુ સરકાર દ્વારા ૧૦૦ યુનિટ સુધીના વીજબીલો માફ કરવામાં આવશે તેવું લોલીપોપ આમજનતાને આપીને જનતાની ક્રૂર મજાક ઊડાવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારોને એક બાજુ આ ’કોરોના મહામારી’માં છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી લોકડાઉનમાં ઘરમાં જ રહેવાનો વારો આવ્યો હતો અને ધંધાકીય તેમજ આવકના સ્ત્રોત ક્યાંય રહ્યા નથી, ત્યારે વીજતંત્ર દ્વારા આવી ઉઘાડી લૂટ કરવામાં આવતા આમજનતાનું જીવવું દુષ્કર બની ગયું છે. જે તે તાલુકા મથકની કચેરીઓ દ્વારા આવા ભારેથી અતિભારે વીજબીલ ફટકારીને આમજનતાની કમર તોડી નાખી છે. આ તબક્કે જે વીજબીલમાં અલગ અલગ ફ્યુલ ચાર્જ, વિદ્યુત શુલ્ક, મીટર ચાર્જના ગતકડા છે તે અને ૧૦૦ યુનિટ સુધીના આટલા ભાવ, ર૦૦ યુનિટના અલગ સ્ટેપ છે તે બધા આ ત્રણ-ચાર મહિનામાં એક સાથે દર્શાવીને સરેઆમ ઉઘાડી લૂંટ ચલાવી હોય તેવું જણાય છે.

જે રીતે રિટર્ન બીલો મોકલાવતા હતાં તે રીતે અલગ અલગ બીલો આપવામાં આવે જેથી કરીને અલગ અલગ તબક્કાના ભાવ વધે છે તે ન વધે અને આમજનતાને રાહત મળે. આનો અમલ તાત્કાલિક ધોરણે કરાવવા માંગણી કરવામાં આવી છે. તાનાશાહી નાટકો બંધ કરીને આમજનતાનું શોષણ કરવાનું બંધ કરો, અન્યા ના છૂટકે આંદોલનની રાહ પર જવાની ફરજ પડશે. તાત્કાલિક અસરથી વીજબીલમાં રાહત કરવા માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.