….અને પછી સુદામાને કૃષ્ણ મળી જ ગયા

મનથી યાદ કર્યા અને પ્રહલાદને બચાવવા થાંભલો ફાડી સ્વયં ભગવાન નરસિંહ અવતારે પ્રગટ થયા…

ભર્યા દરબારમાં ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના વસ્ત્ર પૂર્યાં…

રામે શબરીનાં એઠાં બોર આરોગ્યાં..

રામનો ચરણ સ્પર્શ થતાં પત્થરમાંથી અહલ્યા બની…

આપણા પૂરાણોમાં ઇશ્વરના સાક્ષાત્કારની કંઇક ઘટનાઓ આલેખાયેલી છે અને આપણે શ્રધ્ધાપૂર્વક વાંચી પણ છે..કથાઓમાં સંત,ગુરુ,કથાકારોના મોંએ પૂર્ણ આસ્થા સાથે સાંભળી પણ છે. મંદિરમાં મૂર્તિના મૂખારવીંદના તેજથી આપણે પણ અભિભૂત થયા  છીએ..કોઇ એક  ભગવાનને આપણે પૂજીએ પણ છીએ.મોટા ભાગના આપણે આપણા મનની શ્રધ્ધા ને એક આકાર આપી જાહેરમાં કે મનોમન નમી પણ લઇએ છીએ .જ્યારે જીવનમાં કંઇક સારી ઘટના બને ત્યારે ઇશ્વરનો આભાર માની લઇએ છીએ અને ક્યારેક કોઇ મુશ્કેલીમાં હોઇએ ત્યારે વળી એજ ઇશ્વરના અસ્તિત્વ પર શંકા પણ કરી લઇએ છીએ.

આખરે સતત આપણા અસ્તિત્વ  સાથે જોડાયેલ આ ભગવાન,ઇશ્વર,પરમાત્મા છે ? છે તો ક્યાં છે?, સતત જેને શ્રધ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ અને છતાંયે એના અસ્તિત્વ વિશે મનમાં ક્યાંક એક સંશય પણ ઉછેર્યા કરીએ છીએ. એક જ ઇશ્વર માટે શ્રધ્ધા અને સંશય બંને એક સાથે? કમાલ છે ને? તો હવે માનવાનું શું? ઇશ્વર છે કે નથી યાર?

લોકડાઉનની નવરાશની પળોમાં આ વાત પર વિચાર કરવા મન ઉશ્કેરાયું. પુસ્કોના આધારે ઈશ્વરના અસ્તિત્વને સમજવાના પ્રયાસો શરૂ કર્યા, પણ થોડા જ દિ સોમાં અઘરી અઘરી ભાષા, ન સમજાય એવા શ્લોકો અને એકબીજાથી અત્યંત વિરોધાભાસી મંતવ્યોથી મનમાં ઇશ્વર માટેના જવાબો કરતાં સવાલો જ વધતાં ગયાં.પછી તો એ ભારેભરખમ પુસ્તક બાજુએ મુકીને ઇશ્વરના અસ્તિત્વને જેમ છે એમ, અસમંજસ સાથે સ્વીકારમાં જ શાણપણ લાગ્યું; પણ છતાંયે મનમાં પેલી ગૂંચવણ અકબંધ હતી…હવે કરવું શું?

પછી વિચાર કર્યો કે મારી અત્યાર સુધીની જીંદગીમાં ક્યારે ક્યારે ઇશ્વરનો કંઇક ચમત્કાર થયો હોય એવું મને લાગ્યું હતું?એવી કઇ ઘટનાઓ હતી જેના પછી હું ઇશ્વરનો આભાર માનવા મંદિરે ગયો હોઉં? કે પછી ઘરના મંદિરે હાથ જોડીને પરમાત્માનો આભાર માનવા ઉભો હોઉં? કે પછી એકની જગ્યાએ બે વાટનો દિવો કર્યો  હોય? તો વળી ક્યારે ઉતાવળે મહારાજને બોલાવી કથા કરાવી હોય અને નહીં તો ચાલીને મંદિરમાં પહોંચી ગયો હોઉં?

હા, આવું તો ઘણીવાર બન્યું હતું!!

મને મળેલું કામ હોય કે કોઇ કામમાં મળેલી સફળતા, સફળતાને લીધે કોઇ મોટી ખરીદી હોય કે કોઇ અકસ્માત  કે માંદગીમાંથી આબાદ ઉગરી જવાની ઘટના. ખૂબ બધું યાદ આવ્યું ..અને હા; એ પણ યાદ આવ્યું કે  માત્ર સફળતા જ નહીં પણ નિષ્ફળતાથી કેડો છોડાવવા પણ ઇશ્વરની કેડી પકડી હતી…

જેમ જેમ એ દરેક ઘટનાના ઊંડાણમાં ઉતર્યો ત્યારે વળીપાછું એમ  લાગ્યું કે દરેક વખતે આ બધા માટે તો કોઇને કોઇ વ્યક્તિ પણ જવાબદાર હતી…ક્યારેક એ કોઇ મિત્ર હતો,ક્યારેક ડોક્ટર તો ક્યારેક કોઇ આત્મીય પરિવારજન કે પછી ક્યારેક સાવ કોઇ અજાણી વ્યક્તિ…હવે જો વ્યક્તિઓ  જ હતી તો પાછો ઇશ્વર ક્યાં હતો??

આ વિચારથી પાછી બીજી મૂંઝવણ.

પછી તો આ મૂંઝવણને ઉકેલવામાં મોજ પડવા માંડી. વિચારોની આંગળી પકડી વધુ આગળ વધ્યો ત્યારે એક બીજી વાત તરફ ધ્યાન દોરાયું કે આ બધી જ ઘટનાઓ આશાના અંતે સાવ નિરાશાના વળાંક પર વળતાં વળતાં અચાનક બની હતી; સાવ અંધકારમાં ભૂલા પડ્યાં પહેલાં  અચાનક મળેલાં અજવાળાની જેમ.

’અચાનક’ શબ્દનો અર્થ જ કંઇક એવો છે કે  અપેક્ષા ન હોય ત્યાં,ત્યારે અને તેટલું મળી જાય …અને તમે જોજો…આવી જ કોઇ ક્ષણે આપણને ઇશ્વરની હયાતી યાદ આવે , કોઇ દિવસ ન ગયાં હોઇએ એવાં મંદિર, ને અધૂરી માનતાઓ પણ યાદ આવી જાય…એ પણ ’અચાનક’.

હાઇવે પર જતાં કારમાં પેટ્રોલ સાવ ખલાસ થવાની અણીએ હોય અને સામે અચાનક દેખાઇ જતું પેટ્રોલ પંપના પાટિયાંથી મળતી રાહત એટલે જ ઇશ્વર .રસ્તે ચાલતાં લપસી પડતાં કોઇના હાથનો અચાનક મળી ગયેલો સહારો પણ ઇશ્વરનો આભાર માનવા મજબૂર કરી દે, અરે; બિલ્ડીંગમાં બેડમીંટન રમતાં લાકડી ન પહોંચે એવી કોઇ જગ્યાએથી અચાનક હવાની લ્હેરખીએ  શટલકોક નીચે પડે ત્યારે પણ “ઝવફક્ષસ લજ્ઞમ” જેવા શબ્દો મોઢેથી  સરી પડે છે ..ઑનલાઇન સ્કુલના આ સમયમાં અચાનક આખા શહેરની લાઇટ ઉડી જતાં અચાનક મળી જતી રજામાં પણ  એ બાળકોને તો  ઇશ્વર જ દેખાતો હશે ને?  અને મોબાઇલની બેટરી સાવ ઉતરી ગઇ હોય અને અચાનક ચાર્જર મળી જાય ત્યારે હાશકારાને એ અનુભવમાં પણ આપણને ઇશ્વરનો  અહેસાસ થઇ જ જાય છે ને?

વારે વારે આવતાં આ અચાનક શબ્દથી મગજમાં ચમકારો થયો કે પાક્કું આ ’અચાનક’માં જ  તો છે ઇશ્વર .

તારીખીયાંના ચોકઠાંઓની બહાર, સમયની પાબંધીથી પર , કોઇ પણ પૂર્વતૈયારી વિના જીવનમાં બનતી ઓચિંતી ઘટના એટલે ઇશ્વર.

સાહેબ; તમારા મનમાંયે મારી જેમ ઇશ્વર  માટેની મૂંઝવણ હશે જ…જે તબક્કે એ મૂંઝવણ  ગમવા માંડે અને એ ઇશ્વર  નામની મૂંઝવણમાં વધુ મૂંઝાવાનું મન થાય તો ચિંતા નહીં કરતા…આપણા જેવા સામાન્ય માણસો માટે તો આ મૂંઝવણમાં ઉંડા ઉતરવાની પ્રક્રિયા એજ આધ્યાત્મ…ઇશ્વરની નજીક જવાનો મારગ.

આપણે પ્રહલાદ , મીરાં, અહલ્યા,દ્રૌપદી  કે સુદામા તો નહીં જ બની શકીએ ;એ સત્યને સ્વીકારી, માણસ તરીકેની આપણી મર્યાદામાં રહી આજ પછી જીવનમાં કંઇક ’અચાનક ’ બને એટલે માની લેજો એ પેલા ઇશ્વરનું જ કામ.

બાકી રહી વાત ઇશ્વરના અસ્તિત્વનીતો એ કથા પુરાણો માં જોયેલો,સાંભળેલો ઇશ્વર તો ત્યાં સુધી જ સીમીત છે બાકી સાચો પરમાત્મા તો ડગલે ને પગલે છે..રસ્તે રખડતાં કોઇ કુતરા બિલાડાંને બે બિસ્કીટ આપજો તો એની આંખમાં તમને ચોક્કસ ઇશ્વર દેખાશે,  કોઇ રેસ્ટોરન્ટના કાચમાંથી લોકોને ખાતા જોઇ તાકતા એ ભૂખ્યા બાળકને એક ઇડલી ચટની ને ચ્હા અપાવજો પછી એ બાળકના ચહેરા પરનું સ્મિત  તમને ભલભલા કલ્પનાના ભગવાનનો સાક્ષાત્કારખરાવશે.

બાકી તો મંદિરમાં શણગારીને;  જે ગમે એ ભગવાનને પૂજવાના ને બીજાને પોતાના ભગવાન પૂજવા દેવાના.

એક વાત આપણે સહુએ સમજી જવી જોઇએ કે પેલા માંદિરના ભગવાનની પૂજા એ આપણી રોજીંદી આદત છે..પણ ઇશ્વરનો સાચો અનુભવ તો ગણતરીના મણકાથી પર , સમયાનુસાર થતી જુદી જુદી આરતી અને વિધીની સીમાપાર સાવ અચાનક જ થાય. અચાનક એટલે જ ઇશ્વર . આપના જીવનમાં આ ’અચાનક’ અવારનવાર થાય એજ શુભેચ્છા.