Abtak Media Google News

આખી રાત મુશળધાર વરસાદ પડયા બાદ સવારથી સાંબેલાધારે વરસાદ ચાલુ: નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર: લલુડી વોંકળામાં બે વ્યકિતઓ તણાતા રેસ્કયુ કરી બચાવી લેવાયા: બાપા સીતારામ ચોક પાસે પાણીમાં કાર ફસાઈ: અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ

રાજકોટમાં ૨૨ સભ્યો સાથેની એનડીઆરએફની એક ટીમ જયારે ગોંડલ અને ઘંટેશ્ર્વરમાં એસડીઆરએફની બે ટીમો તૈનાત: શહેરમાં ૬ સ્થળે વૃક્ષો ધરાશાયી: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સવારથી ફિલ્ડમાં

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે રાજયભરમાં સાર્વત્રિક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજકોટમાં શુક્રવારે મધરાતે મેઘરાજાએ શહેરને ધમરોળ્યું હતું. ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય રાહત-બચાવ માટે એનડીઆરએફની એક ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. લલુડી વોંકળીમાં બે જણા તણાતા તેનું ફાયર બ્રિગેડ શાખાનાં જવાનોએ રેસ્કયુ કરી બચાવી લીધા હતા. અંબિકા ટાઉનશીપ પાસે બાપા સીતારામ ચોક નજીક એક ફોરવ્હીલ પાણીમાં તણાઈ ગઈ હતી. આજે સવારથી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની ખુદ ફિલ્ડમાં નિકળી ગયા છે. શહેરમાં ૬ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે અને અનેક વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા છે. વરસાદનાં પાણી લોકોનાં ઘરમાં ઘુસી ગયા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. આ ઉપરાંત હાલ રાજકોટ જિલ્લા માટે આર્મીની એક ટીમ જામનગરમાં તહેનાત રાખવામાં આવી છે. જેમાં આર્મીના ૫૬ જવાનો છે. જરૂર પડયે આ ટીમને રાજકોટ તાત્કાલિક બોલાવીને તેની મદદ પણ લેવામાં આવશે. રાજકોટમાં શુક્રવારે સવારથી મેઘાવી માહોલ હતો. રાત સુધીમાં શહેરમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ મધરાતે મેઘરાજા મુશળધાર વરસ્યા હતા અને શહેરને રીતસર ધમરોળી નાખ્યું હતું. સવારથી સુધીમાં શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ૫ ઈંચથી લઈ ૯ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સવારથી શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ લખાય રહ્યું છે ત્યાર સુધીમાં શહેરમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય રાજકોટ શહેરમાં ૨૨ સભ્યો સાથેની એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. જયારે જિલ્લામાં ગોંડલ ખાતે ૬૦ સભ્યો સાથેની એસડીઆરએફ અને ઘંટેશ્ર્વર ખાતે પણ એસડીઆરએફની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદનાં કારણે શહેરમાં રાજનગર પેટ્રોલપંપ પાસે, પારેવડી ચોકમાં, રેસકોર્સ રીંગ રોડ ગેલેકસી સિનેમા પાસે, જંકશન પ્લોટમાં ગેબનશાપીરની દરગાહ નજીક, ગાયત્રીનગર મેઈન રોડ પર ગોપાલનગર શેરી નં.૯ અને ૪માં, ગાંધીગ્રામ શેરી નં.૬, પંચાયત ચોકમાં શિતલ ટ્રાવેલ્સ પાસે અને ધરમ સિનેમા નજીક એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. શહેરમાં અલગ-અલગ ચાર સ્થળોએ પાણી ભરાયાની ફરિયાદ નોંધાઈ છે. મોડીરાત્રે સાડા ચાર કલાકે લલુડી વોકળીમાં ૨ માણસો વોકળામાં તણાતા હોવાની ફરિયાદ મળતા ફાયર બ્રિગેડ શાખાની ૨ ટીમો દ્વારા આ વ્યકિતઓનું રેસ્કયુ કરી તેને બચાવી લેવામાં આવ્યા હતા. સવારે ૬ વાગ્યે અંબિકા ટાઉનશીપ તરફ જતા પુલ પર બાપાસીતારામ ચોક પાસે એક ફોર વ્હીલ પાણીમાં ફસાઈ ગઈ હતી જેનું પણ રેસ્કયુ કરી ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધી હતી.

આજે સવારે ૯ વાગ્યા સુધીમાં શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૨૧૨ મીમી (મોસમનો કુલ ૭૯૦ મીમી), વેસ્ટ ઝોન વિસ્તારમાં ૨૩૨ મીમી (મોસમનો કુલ ૭૮૭ મીમી), ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૧૩૮ મીમી (મોસમનો કુલ ૭૦૮ મીમી) વરસાદ વરસી ગયો હતો. સવારથી શહેરમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે.

મધરાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય આજે સવારે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા શહેર તથા જિલ્લામાં તમામ સરકારી તથા ખાનગી શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ કંટ્રોલરૂમનાં નંબર જાહેર કરવામાં આવ્યા છે. જયારે મહાપાલિકાએ પણ કંટ્રોલરૂમનાં નંબર જાહેર કર્યા છે. સવારથી શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સતત ફિલ્ડમાં છે. નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. વરસાદી પાણી લોકોનાં ઘરમાં ઘુસી રહ્યાની પણ ફરિયાદો ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.