Abtak Media Google News

કોઈપણ કાર્યમાં તાલીમ જીવનભરની મૂડી છે: જયેશભાઈ રાદડીયા

ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા તાજેતરમાં રાજકોટમાં સ્વરોજગારી તાલીમ જાગૃતિ શિબિર ગુજરાતના કુટીર ઉધોગ અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ લોક જાગૃતિ શિબિર સેમીનારનું દિપ પ્રાગટય ઉપસ્થિત મહેમાનો રાજકોટના મહિલા મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, આપાગીગાનો ઓટલોના મહંત નરેન્દ્રબાપુ તથા દલસુખભાઈ પ્રજાપતિએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને શહેરના પ્રજાપતિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહેમાનોનું પ્રજાપતિ સમાજ દ્વારા માલ્યાર્પણ, પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને જાજરમાન સન્માન કરવામાં આવ્યું હતું નવનિયુકત રાજકોટના ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણીનું શહેર પ્રજાપતિ સમાજે સ્વાગત સન્માન કર્યું હતું તથા સેમિનારમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના પ્રજાપતિ મહાનુભાવો સુરેશભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ, મોહનભાઈ વાડોલીયા, ગોરધનભાઈ કાપડીયા, અંજનાબેન મોરજરીયા, દલસુખભાઈ ગોંડલીયા, પી.એસ.આઈ સવનિયા, જીલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી.એસ.પ્રજાપતિ વગેરેનું મંચ પર સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં ઉપસ્થિત શહેરીજનોને સંબોધતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન આ પ્રકારના ક્ષેત્રમાં કામ કરતી દેશભરની એક માત્ર સંસ્થા છે. રાજકોટના નવનિયુકત મેયર બીનાબેન આચાર્યએ શિબિરમાં પ્રતિભાવ આપતા જણાવ્યું કે, ગુજરાતની રાજય સરકાર યુવા શકિતને યોગ્ય તક આપવા સક્રિય અને સંકલ્પબઘ્ધ છે. યુવાનોને રચનાત્મક માર્ગે વાળવામાં જ દેશનું ભાવિ ઉજજવળ છે. બેરોજગાર યુવાનો દેશ અને રાજયનું કલંક છે. એટલે જ ગુજરાત સરકારે આ પાયાની પ્રવૃતિ શરૂ કરી છે.

શિબિરમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ કેટલીક પ્રેરક અને માહિતીપ્રદ વાતો કરતા જણાવ્યું કે, સંશોધન અને વિકાસની સાથે સાથે આ સંસ્થા દ્વારા સ્થાનિક કક્ષાએ પુરક રોજગારી સર્જનની શકયતાઓ ધરાવતી આર્થિક પ્રવૃતિઓમાં લાભાર્થીઓને ઘરઆંગણે વિનામૂલ્યે કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવે છે. શિબિરના સમાપનમાં આયોજક સંસ્થાના ડિરેકટર અને ભાજપના સમર્પિત પ્રજાપતિ અગ્રણી મોહનભાઈ વાડોલીયાએ આભારદર્શન કરીને ઉપસ્થિત સર્વેએ સાયંભોજનની મજા માણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.