Abtak Media Google News

ટેકનોલોજીના યુગમાં અંધત્વ પણ દુર કરી શકાશે

કુદરતની કરામત અકળ છે. એનું પ્રત્યેક સર્જન ચકિત કરી મૂકે તેવું છે. એમાં ય માનવઅંગોમાં આંખનું સર્જન એટલે તો કુદરતી ઉત્તમ કૃતિ!

વિજ્ઞાનીઓએ આંખની નકલરૂપે કમેરાનું સર્જન કર્યું. પણ માનવીની આંખ જેવી અદલોદલ આંખ બનાવવામાં હજુ સુધી સફળતા મળી નથી. જો કે આ ક્ષેત્રે જાપાનમાં જોરદાર સંશોધન થઇ રહ્યું છે અને વર્ષોની જહેમત પછી જાપાનની ‘શોર્પ’ કંપનીએ એ દિશામાં નોંધપાત્ર કહી શકાય તેવી સફળતા મેળવી છે. આંખની કીકી પાછળના પદડા પર બહારની વસ્તુનું પ્રતિબિબ પડે છે તે રેટિના તરીકે ઓળખાય છે. જાપની વિજ્ઞાનીઓએ કોમ્પ્યુટર વિજ્ઞાનની મદદથી હવે આવાં ઇલેકટ્રોનિક રીટના તૈયાર કર્યા છેે. આ કૃત્રિમ નેત્રપટલમાં બહુ જ સુક્ષ્મ કોમ્પ્યુટર ચીપ્સ ગોઠવવામાં આવી હોવાથી તે કુદરતી આંખ જેવી જ કામગીરી બજાવે છે. બહારનું દ્રશ્ય રેટિના પર ઝિલાતાં ઇલેકટ્રોનિક રેટિનામાં ગોઠવેલું કોમ્પ્યુટર તેનું પૃથ્થકકરણ કરી તેની બધી જ વિગતો બ્રેઇન એટલે કે મગજને પહોંચાડે છે. પરિણામે આંધળી વ્યક્તિ પણ ‘જોઇ’ શકે છે. કેટલાંક પરીક્ષણો બાકી હોવાથી આ કૃત્રિમ દ્રષ્ટિને માણસની આંખમાં બેસાડવામાં આવે તે પહેલાં તેના પ્રયોગાત્મક ઉપયોગ યંત્રમાનવ દ્વારા કરવામાં આવશે. યંત્રમાનવ પર તેનું પરીક્ષણ બરોબર સફળ નીવડશે તો આવતા વર્ષે અંધ વ્યક્તિઓમાં આ ઇલેકટ્રોનિક રેટિનાનું મોટાપાયે  પ્રતિરોપણ શરૂ થઇ જશે!

ભારત દેશમાં અંધત્વની ખામી એક મુશ્કેલી છે ત્યારે તેના શોધ-સંશોધન બાબતે વિવિધ સંશોધનો થઈ રહ્યા છે. મુખ્યત્વે વિટામીન-એની ખામીનાં કારણે આ રોગ થતો હોય છે પરંતુ કેટલાક કિસ્સામાં જન્મજાત અંધત્વ પણ આવે છે. હાલ દેશમાં લો-વિઝનવાળા ઘણા બધા લોકો છે જેને ઓછુ દેખાતું હોય છે. રેટીનાનું પ્રત્યાર્પણ હાલ થઈ રહ્યું છે. ઈલેકટ્રોનિક આંખની શોધનાં કારણે આ લોકોને દેખતા કરવામાં આ સંશોધન કામ આવી શકશે. બીજી તરફ જોઈએ તો ભારત દેશમાં ચક્ષુદાનની પણ ઘણી જાગૃતિ આવી છે જેનાં કારણે માણસનું મૃત્યુ થાય ત્યારે તરત જ તેની આંખનું દાન કરવામાં આવે છે જે પણ એક સારી બાબત છે. વિવિધ મેડિકલની સમસ્યામાં ઘણાબધા સંશોધનથી આપણે તેને નાથવામાં નજીક પહોંચી ગયા છીએ ત્યારે દ્રષ્ટિની ખામી બાબતે પણ આ શોધ ખુબ જ ઉપયોગી નિવડશે. એક સમયે વિવિધ રોગ માનવ પ્રજાતિ ઉપર સંકટ બન્યા હતા. પરંતુ અવનવા સંશોધન અને ટેક્નોલોજીએ આ રોગને નાથવામાં સફળતા મેળવી છે. હજી પણ નવા નવા રોગ જન્મી રહ્યા છે અને તેની સામે ઝઝૂમવા માનવ જાત સંશોધનો અને ટેક્નોલોજીનો સહારો લઈ રહી છે. આવી જ રીતે અંધત્વ રૂપી રોગને નાથવામાં પણ હવે સફળતા સાંપડી રહી છે.જે માનવ જાત માટે ખૂબ સારા સમાચાર કહી શકાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.