Abtak Media Google News

ન્યુકલીયર સાઈટ પર બાંધકામ દરમિયાન ટનલ ધસી પડતા ૨૦૦ લોકોના મોત

અમેરિકાએ હિરોશીમાં પર ફેંકેલા પરમાણુ બોમ્બ કરતા ઉત્તર કોરિયાનો બોમ્બ આઠ ગણો વધુ શક્તિશાળી હતો

ઉતર કોરિયાના કિલિજુ કાઉન્ટીમાં આવેલી પુંગ્યે-રી ન્યુકિલયર સાઈટ પર એક ટનલ ધસી પડતા લગભગ ૨૦૦ લોકોના મોત નિપજયા છે. મજુરો આ ટનલનું બાંધકામ કરી રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત થયો હતો. દક્ષિણ કોરિયા અને જાપાને આ ઘટનાને લઈ દાવો કર્યો છે કે, ઉતર કોરિયાએ ૩જી સપ્ટેમ્બરે છઠ્ઠું પરીક્ષણ કર્યું ત્યારે આ ન્યુકિલયર સાઈટ પર ૧૨૦ કિલો ટનનો મહાકાય હાઈડ્રોજન બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેના કારણે જમીનને નુકસાન થતા આ પ્રકારે બનાવો બની રહ્યા છે. આ અણુધડાકાથી ઉતરકોરિયામાં ૬.૩ની તીવ્રતાનો ભુકંપનો આંચકો પણ અનુભવાયો હતો.

આ હાઈડ્રોજન બોમ્બ વિસ્ફોટથી પેંગ્યું-રી ન્યુકલીયર સાઈટની જમીનને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેના પર ટનલ બાંધવાનું કામ ચાલુ હતું. જે દરમિયાન ટનલ ધસી પડતા ૨૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. કહેવાય છે કે, ઉતર કોરિયાએ કરેલો અણુ ઘડાકો, અમેરિકાએ વર્ષ ૧૯૪૫માં હિરોશીના પર ઝીંકેલા પરમાણુ બોમ્બ કરતા પણ આઠ ગણો વધુ શકિતશાળી હતો. ગયા મહિને જ ન્યુકલીયર સાઈટ પર ઉતર કોરિયાના સરમુખત્યાર શાસક ક્રિમ જોંગ ઉનની દેખરેખ હેઠળ હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરાયું હતું અને તેના પરીક્ષણ બાદ ત્યાં ૧૦૦ મીટર પહોળો ખાડો પડી ગયો હતો. ઉતર કોરિયાના અણુ ધડાકાના પગલે જમીનને મોટુ નુકસાન થતા આ પ્રકારના બનાવો સામાન્ય બન્યા છે.

વૈજ્ઞાનિકોના મતાનુસાર આ સાઈટ પર ભવિષ્યમાં રેડિયોએકિટવ વિકિરણો પણ ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારના પરિક્ષણો પછી આ વિસ્તારમાં અનેક ખડકો ધસી ગયા હતા અને દુર દુર સુધી તીવ્ર ભુકંપના આંચકાઓ આવ્યા હતા. દક્ષિણ કોરિયાના જણાવ્યા અનુસાર હવે ઉતર કોરિયા પરીક્ષણો કરવા નવી સાઈટ ઉભી કરશે અને ત્યાં પેનલ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.