યોગ થકી કોરોનાને હંફાવતો રાજકોટનો રમતવીર

કોરોનાની મહામારીમાં ઈમ્યુનિટી વધારવા યોગ અસરકારક માધ્યમ: સુરેશભાઈ વિશ્ર્વકર્મા

કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ અસરકારક માધ્યમ છે. આ શબ્દો છે દૌડવીર સુરેશભાઈ વિશ્વકર્માના…, જેમણે તાજેતરમાં વિવિધ યોગાસનો થકી કોરોનાને મ્હાત આપી છે.

હાલ રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે વિવિધ યોગાસનો થકી ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જે પૈકી ૩૮ વર્ષીય દોડવીર સુરેશભાઈ વિશ્વકર્મા એ તેમની સાથે દાખલ દર્દીઓને યોગાસન કરવા પ્રેરિત કરીને કોરોના મુક્ત બન્યા છે.

આ વિશે વાત કરતા સુરેશભાઈ જણાવે છે કે, ખેલ મહાકુંભ, મેરેથોન વગેરેમાં યોજાતી દૌડની સ્પર્ધામાં હું નિયમિત પણે ભાગ લઉં છું અને રાજ્ય કક્ષાએ પારિતોષિક પણ મેળવેલા છે, માટે હું નિયમિત પણે કસરત અને વ્યાયામ કરું છું, મને ખબર નથી કે કોરોનાનું સંક્રમણ મને કઇ રીતે લાગુ પડ્યું, હું જીમમાં કસરત કરી રહ્યો હતો એ વખતે મને શ્વાસ ચડવા લાગ્યો અને મારુ શરીર પણ તપવા લાગ્યું, કસરત તો હું નિયમિત પણે કરું છું પણ આવું પહેલી વાર બન્યું માટે હું તુરંત સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયો જ્યાં મારો રિપોર્ટ પોઝિટિવ આવતા મને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યો, અત્યારે કોરોનાથી જ બચવાની એક જ દવા છે અને તે છે સબળ રોગ પ્રતિકારક શક્તિ માટે દાખલ થયા ના બીજા જ દિવસથી મૈં મારા બેડ પર જ  દરરોજ યોગ અને પ્રાણાયામ શરૂ કરી દીધા. હું અનુલોમ-વિલોમ, કપાલ ભાતિ, તાડાસન વગેરે જેવા યોગાસનો કરવાનું શરૂ કરી દીધું. સમરસમાં કાર્યરત ડોકટરોએ પણ મને યોગાસન માટે બિરદાવતા હતા. ત્યાં મારી સાથે દાખલ અન્ય ૩ દર્દીઓ પણ યોગાસન કરવા જોડાયા, પછી તો આ ક્રમ બની ગયો અમે દરરોજ આ રીતે કોરોના સામે ભાથ ભીડતા હતા. અને આ રીતે ૮ દિવસમાં અમે કોરોનાને મ્હાત આપીને કોરોના મુક્ત થયા છીએ.

Loading...