શ્રમિકોને સન્માન અને સુરક્ષા સાથે માદરે વતન પહોંચાડતું વહિવટી તંત્ર

સમગ્ર કામગીરીને સુપેરે પુરી પાડતા પોલીસ વિભાગનાં ૧૦ જવાનો, આરોગ્ય ટીમનાં ૧૧૮ કર્મીઓ સાથે સહરક્ષકોની પ્રશંસનીય કામગીરી

કોરોનાના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું હતું. જેના કારણે વ્યાપાર-ધંધા બંધ થવાના કારણે રોજગારલક્ષી પ્રવૃતિઓ અટકી પડી હતી. આવા મુસીબતના સમયમાં પરપ્રાંતિય શ્રમિકો નિરાધાર બન્યા હતા. આવા શ્રમિકોની વતન પરત જવાની માંગને સ્વિકારીને સંવેદનશીલ રાજ્ય સરકારે ટ્રેનની સુવિધા પુરી પાડી છે.

માલવિયા પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઈન્સપેક્ટર જીતેન્દ્રસીંગ ચાંપવતે જણાવ્યું હતું કે, મવડી પ્લોટ વિસ્તારમાં વિવિધ ઈન્ડસ્ટ્રિયલ ઝોન છે. શ્રમિકોની સંખ્યા આ એરિયામાં વધારે જોવા મળે છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ માલવીયા પોલીસ સ્ટેશનનો કુલ ૧૦નો સ્ટાફ તથા ૧૨ સહરક્ષકો દ્વારા સઘળી કામગીરી સુપેરે પાર પાડવામાં આવે છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય વિભાગની ટીમના મેડીકલ ઓફીસર મિલન પંડ્યાએ જણાવ્યું હતું કે, પરપ્રાંતિય મજુરોનું પોલીસ તંત્ર દ્વારા વેરીફિકેશન થયા બાદ તેઓને સીટીબસમાં બેસાડતા પહેલા અમારી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ શ્રમિકોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવે છે.

જો કોઈ શ્રમિકનું શારિરીક તાપમાન નક્કી કરેલા માપદંડો કરતા વધારે આવે તો તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર પર મોકલવામાં આવે છે જ્યાં તેઓનું સચોટ રીતે એક્ઝામીન(નિદાન/પરિક્ષણ) કરવામાં આવે છે. શ્રમિકોની તબિયતનું બારીકાઈથી અવલોકન કરવામાં આવે છે. જો વધારે સમસ્યા જણાય તો પદ્મકુંવરબા હોસ્પિટલ અથવા સિવીલ હોસ્પિટલ ખાતે તેમને એડવાન્સ સ્કેનિંગ અને રિપોર્ટસ કરાવવા માટે મોકલવામાં આવે છે. શ્રમિકોનું થર્મલ સ્કેનિંગની કામગીરી માટે આરોગ્ય વિભાગની ટીમના ૧૧૮ જેટલા લોકો વિવિધ જગ્યાઓ પર કામગીરી કરી રહ્યા છે.

Loading...