અમિતાભને આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાશે

નાદુરસ્ત તબીયતના કારણે નવીદિલ્હીમાં યોજાનારા સમારંભમાં ‘બીગ-બી’ એવોર્ડ સ્વીકારવા રૂબરૂ ઉપસ્થિત નહી રહે

બોલીવુડના સુપર સ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને તેમના ફિલ્મ ક્ષેત્રમાં આગવા પ્રદાન બદલ આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરવામાં આવનારા છે. ભારત સરકાર દ્વારા ફિલ્મ ક્ષેત્રમાં દર વર્ષે નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. તેમાં ફિલ્મ ક્ષેત્રે જીવન પર્યત કાર્યરત રહીને અનોખું પ્રદાન કરનારા કલાકારને ફાળકે એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ અમિતાભ બચ્ચનને આપવામાં આવનારો છે. આજે સાંજે નવી દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમમાં આ એવોર્ડ અપાશે પરંતુ આ એવોર્ડ લેવા અમિતાભ ઉપસ્થિત નહી રહે બિગબીએ તેના ટવીટર પર આ માહિતી આપી હતી.

અમિતાભે ટવીટ કરી જણાવ્યું હતું કે, તેને તાવ આવે છે તેથી ટ્રાવેલ કરી શકું તેમ નથી. જેથી દિલ્હીમાં યોજાનારા નેશનલ એવોર્ડમાં ભાગ લઈ શકીશ નહીં. તે બદલ દિલગીર છું. આજે સાંજે દિલ્હીનાં વિજ્ઞાન ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુના હસ્તે નેશનલ એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ હાજર રહેશે. આ ૬૬મા નેશનલ એવોર્ડની જાહેરાત આ વર્ષે ઓગસ્ટમાં કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળશે. વિકી કૌશલને ઉરી માટે તથા આયુષ્માન ખુરાનાને અંધાધુન માટે બેસ્ટ એક્ટર્સનો એવોર્ડ મળશે. કીર્તિ સુરેશને તેલુગુ ફિલ્મ મહંતી માટે બેસ્ટ એક્ટ્રેસનાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

ગત આઠ નવેમ્બરે કોલકાતામાં યોજાયેલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમીનીમાં પણ અમિતાભ બચ્ચન ખરાબ તબિયતને કારણે હાજરી આપી શક્યા નહોતાં. બિગ બી દર વર્ષે આ ફેસ્ટિવલમાં હાજર રહેતાં હતાં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમિતાભજી દર વર્ષ આવે છે અને આ વખતે પણ આવવાના હતાં પરંતુ તેમની તબિયત બગડતાં ડોક્ટર્સે તેમને હરવા-ફરવાની ચોખ્ખી ના પાડી હતી. આ પહેલા  શારજહામાં બુક ફેરમાં પણ બિગ બી હાજર રહી શક્યા નહોતાં. ઈવેન્ટ મેનેજમેન્ટે કંપનીએ ટવીટ કરી તે માહિતી આપી હતી કે, ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે યોજાનાર બુક ફેરમાં અમિતાભ બચ્ચન મેડિકલ ઈશ્યૂને કારણે હાજરી આપી શકશે નહીં. તેમની તબિયત સારી ના હોવાથી તેઓ વિદેશમાં ટ્રાવેલ કરી શકે તેમ નથી. જેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં લીવર પ્રોબ્લેમને કારણે તેમને દાખલ પણ કરવામાં આવ્યા હતાં. અમિતાભ બચ્ચને પોતાના લાખો ચાહકો પ્રત્યે દિલગીરી વ્યક્ત કરી છે.

જે બાદ  ૧૮ ઓક્ટોબરના રોજ અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ત્રણ દિવસ બાદ બિગ બીનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તે દીકરા અભિષેક અને પત્ની જયા બચ્ચન સાથે કારમાં દેખાયા હતા. રિપોર્ટ્સ મુજબ આ વીડિયો તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા તે દિવસનો હતો. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ અમિતાભ બચ્ચને બ્લોગમાં પોતાની નારાજગી પ્રગટ કરી હતી. અમિતાભે બ્લોગમાં કહ્યું હતું, મહેરબાની કરીને પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશનના કોડને તોડો નહીં. બીમાર પડવું અને સારવાર કરાવી એ વ્યક્તિનો પ્રાઈવસી રાઈટ છે. આ શોષણ છે અને તેનો ધંધાકીય વપરાશ કરવો સામાજિક રીતે ગેરકાયદેસર છે. આ વાતનું સન્માન કરો અને વાતને સમજો. દુનિયામાં દરેક વસ્તુ વેચવા માટે નથી હોતી. આ ઉપરાંત તેમણે એ ચાહકોનો આભાર માન્યો હતો, જેમણે તેમની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરી અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. બ્લોગમાં તેમણે પોતાના ચાહકોના અને આરાધ્યા સાથેના ફોટો પણ શેર કર્યા હતાં.

Loading...