Abtak Media Google News

આવતી કાલથી પાંચ દિવસ સતત ૧૪ સ્થળે કાર્યકરો સાથે સંવાદ કરશે શહેનશાહ

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાનારી ચૂંટણીની આખરી તૈયારીઓના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ અમિત શાહ તા.૪થી ૯ નવેમ્બર દરમિયાન પાંચ દિવસ સતત ૧૪ સ્થળે જઇ રાજ્યભરના તમામ જિલ્લા, મહાનગરોમાંથી ચૂંટણીના અતિમહત્વના કાર્યની જવાબદારી નિભાવી રહેલા એક લાખથી વધુ કાર્યકરો સાથે સંવાદ કરશે. અમિતભાઇ આ કાર્યકરોને ચૂંટણી રણનીતિના ભાગરૂપે પ્રત્યેક બુથમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકવાના લક્ષ્યને પાર પાડવાનો ચૂંટણી મંત્ર આપશે.

પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું છે કે, અમિતભાઇ તા.૪,૫ તથા ૭થી ૯ નવેમ્બર દરમિયાન ૧૪ શહેરોમાં જઇ રોજ સરેરાશ ત્રણથી ચાર જિલ્લા, મહાનગરોના કાર્યકરોને મળશે. ભાજપ અધ્યક્ષ ગુજરાતમાં પ્રથમ વખત પત્રકારોને મળનાર છે જેમાં શનિવારે ગાંધીધામમાં સવારે નવ વાગે, ૭મીએ રાજકોટ, ૮મીએ ભરૂચ, ૯મીએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજશે.

ભાજપ અધ્યક્ષ જિલ્લાના પ્રમુખ,મહામંત્રી, જિલ્લાના હોદ્દેદારો, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, બોર્ડનિગમના ચેરમેન-ડિરેક્ટર, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખ તેમજ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ સાથે અલગ અલગ રીતે બેઠક યોજશે. ભાજપે ૧૮૨ વિધાનસભા બેઠકોમાં ૫૦,૧૨૮ મતદાન કેન્દ્રો મુજબ જ બુથ સમિતિઓ બનાવી છે તેના પ્રમુખો તેમજ બેથી છ બુથને એક શક્તિ કેન્દ્ર હેઠળ આવરી લઇ એક અન્ય કમિટી બનાવી છે એવા ૨૮,૬૩૯ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ સાથે મહત્વની બેઠક યોજનાર છે. ચૂંટણીના સંદર્ભે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રીતે કાર્યકરો સાથે સંવાદ કરશે એ પ્રથમ ઘટના છે, તેમ કહી પંડ્યાએ ઉમેર્યું કે, ભાજપ સંગઠન હંમેશા લોકોની વચ્ચે લોકસેવાના કાર્યક્રમો સતત કરતું હોય છે તેવી જ રીતે ભાજપના કાર્યકર્તાઓ સાથે નેતાઓ સીધો સંવાદ, સંપર્ક, બેઠક યોજી શકે તેવા કાર્યક્રમો અવારનવાર કરાય છે. આ ચૂંટણીમાં પ્રત્યેક બુથમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકવાની રણનીતિ અંગે આ બેઠકો મહત્વની સાબિત થશે.

ભાજપ અધ્યક્ષનો પ્રવાસ શનિવારે સવારે ગાંધીધામથી શરૂ થશે જ્યાં પત્રકાર પરિષદ બાદ તુરત જ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની બેઠક થશે. ત્યાર બાદ તેઓ ભાવનગર પહોંચશે. જ્યાં ભાવનગર શહેર અને જિલ્લો તથા બોટાદ અને અમરેલી જિલ્લાની બેઠક પૂરી કરી રાત્રે અમદાવાદ આવી પહોંચશે. ગુજરાત યુનિવર્સિટી ક્ધવેશન હોલ ખાતે મહાનગરની બેઠક યોજશે. રવિવારે નવસારી પહોંચી વલસાડ, નવસારી, ડાંગ, બપોરે ગોધરા પહોંચી પંચમહાલ અને દાહોદ તેમજ સાંજે હિંમનગર આવી સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના કાર્યકરોની બેઠક યોજશે.

મંગળવારને ૭મીએ અમિતભાઇ રાજકોટમાં રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક યોજશે. ત્યાંથી સીધા સુરત પહોંચી સુરત શહેરના કાર્યકરોને માર્ગદર્શન આપશે. બુધવારે જુનાગઢ ખાતે જૂનાગઢ શહેર અને જિલ્લો, પોરબંદર, ગીરસોમનાથની બેઠક સંપન્ન કરી ભરૂચ પહોંચશે જ્યાં નર્મદા અને ભરૂચ જિલ્લાના કાર્યકરોને મળશે. ભરૂચથી તેઓ નડિયાદ પહોંચી આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના કાર્યકરો સાથે સંવાદ કરશે. ૯મીને ગુરુવારે બારડોલીમાં સુરત જિલ્લો અને તાપી, જામનગરમાં જામનગર શહેર, જિલ્લો અને દેવભૂમિ દ્વારકા, વડોદરામાં વડોદરા શહેર, જિલ્લો છોટાઉદેપુરના કાર્યકરો સાથે સંવાદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.