ચૂંટણીના પડઘમ વચ્ચે અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે

સાંજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે: ૧૭મી ઓક્ટોબરે દિલ્હી પરત ફરે તેવી શક્યતા

વિધાનસભાની ચૂંટણીઓને લઇ બેઠક કરી નવો તખ્તો તૈયાર કરે તેવા એંધાણ

ગુજરાતની વિધાનસભાની ૮ બેઠકો પર પેટા ચુંટણીના પડઘમ વાગી ગયા છે. તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી ૧૭મી તારીખે સુધી અમિત શાહ ગુજરાતમાં રોકાશે. આજે સાંજે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે આ દરમિયાન તેઓ વિધાનસભાની ચૂટણીને લઇ બેઠકો કરે તેવી શકયતા છે. તો ૧૭મીએ નવરાત્રીના પ્રથમ દિને માણસાના બહુચરા મંદિર ખાતે માં ભવાનીના દર્શન કરી આરતીમાં હાજર રહેશે. અને ત્યારબાદ દિલ્હી પરત ફરે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે આગામી ૩૦મી ઓકટોમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ૩૧મીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિને લઇ પી.એમ. મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ હાજરી આપશે. આ દરમિયાન તેઓ સી-પ્લેન સુવિધાનો પ્રારંભ કરાવશે અને અન્ય મહત્વના પ્રોજેકટોનું ઉદઘાટન કરશે.

અગાઉ ગૃહમંત્રી અમિત શાહ ૧૭મી ઓકટોમ્બરે પ્રથમ નવલા નોરતે ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતે હાલ તેમના કાર્યક્રમમાં છેલ્લા ઘડીએ  ફેરફાર કરાયા છે. હવે, તેઓ આજે સાંજે જ ગુજરાત પ્રવાસે આવશે. અને ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઇ નેતા, કાર્યકર્તાઓ સાથે બેઠક કરી નવો તખ્તો તૈયાર કરે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સાત મહિના બાદ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. તેમની આ મુલાકાત આગામી ચુંટણીઓને લઇ અતિ મહત્વની રહેશે.

Loading...