સાચા અર્થમાં બાળકોનો સર્વાંગી વિકાસ કરતી જુની શાળાઓમાં કશું જ ન હતું છતાં, બધું જ હતું…

આજકાલની મસમોટી ફિ ઉઘરાવતી અદ્યતન શાળાઓમાં ભણતાં બાળકોનો સર્ંવાગી વિકાસ કેવો છે તે આપણે જોઇએ છીએ, ઘણીવાર વડીલો કહેતા હોય કે અમારા સમયના ભણતર જેવું તમારૂ નથી, ચાર કે સાડા ચાર દાયકા પહેલાની શાળામાં શિક્ષણ મેળવેલો આજે પ્રગતિના શિખરે છે એ ભૂલવું ન જોઇએ

અત્યારેની હાઇફાઇ સ્કુલોમાં મેદાન જ હોતા નથી ત્યાં બાળકનો શારિરીક વિકાસ કયાંથી થાય, આજથી ચાર કે સાડાચાર દાયકા પહેલા બહું ઓછી ખાનગી શાળાઓ હતી. જે હતી તે પણ વિઘાર્થીને દિલથી ભણાવતી હતી. એક વાત કે ત્યારે આવડી મોટી ફિ જ ન હતી. આજે તો પ્રાથમીક શિક્ષણમાં જ વાલીઓનો અડધો લાખ રૂપિયો ચાલ્યો જાય છે. આજની શાળાના મકાનો સાથે તમામ ક્ષેત્રે અદ્યતનની સાથે વાતાનુકુલિન પણ શાળા આવી પણ જુના જમાનાની શાળાની કદી ના આવી શકે, જુની શાળામાં કશું જ ન હતું છતાં, બધુ જ હતું એની સામે આજે બધુ જ છે, પણ કાંઇ નથી ભણતર સાથે ગણતર નીકળી ગયું ત્યાં બાળકોના સર્ંવાગી વિકાસની વાત કયાં કરવા જઇએ, આજે તો અનકવોલીફાઇડ ટીચર તમારા સંતાનોને ભણાવે ત્યાં તેની પ્રગતિ આશા કેમ રાખી શકાય.

શિક્ષણનો શ્રેષ્ઠ દશકો ૧૯૬૦ થી ૧૯૮૦ નો રહ્યો આ ગાળામાં જે ભણેલા છે તેને પૂંછજો કે શાળા, શિક્ષણ કેવું હોય, એ સમયે શિક્ષકો પણ પોતાના સંતાનોની જેમ બાળકોને ભણાવતા, ને પારિવારિક સંબંધો પણ નિભાવતા, માંદગી સમયે માસ્તર અચુક ઘેર આવીને તપાસ કરતાં, વાલીઓ વર્ષોમાં કયારેક જ શાળાએ આવતા બાકી બાળકો એની મેળે જ ભણી લેતા સૌથી સારી બાબત એ હતી કે વર્ગનો તમામ બાળક હોંશિયાર જ હતો ને બધાને લખતા, વાંચતા, ગણતા કડકડાટ આવડતું જો ન આવડે શિક્ષકો મેથીપાક આપતા કે ફુટપટ્ટી મારતા કે પગના અંગુઠા પકડાવતા છતાં કોઇ વાલીએ વિરોધ કર્યો ન હતો. આજ વસ્તુ આજે નથી તેને કારણે બાળકને કેરલેશ થવામાં પ્રોત્સાહન મળે છે. ‘સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ’ આ સિસ્ટમ સારી જ હતી, તે આને કારણે જ બાળકમાં ચિવટ, મહેનત, સમય પાલન સમજ જેવા વિવિધ ગુણો ખીલ્યા હતા.

દફતરનો વિદ્યાર્થીને ભાર જન હતો ને શિક્ષકોને સિલેબસ પૂર્ણ કરવાની ચિંતા ન હતી, કોઇ તાલિમ કે બીજી કામગીરી ન હોવાથી એ શાળા તકે પી.ટી.સી. જેવા શિક્ષકના કોર્ષ કરેલો માસ્તર ખરા અર્થમાં માસ્તર હતો. કકો, બારાખડી, ૧ થી ૧૦૦ સાદા શબ્દો કાનામાત્ર વાળા શબ્દો, જોડયા શબ્દો સાથે શબ્દ વાંચન, લેખન, રૂકરા લેખન, શ્રૃત લેખન, સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, કવિતા મોઢે કરવી હિન્દી વર્ણમાલા અને હા અંગ્રેજીની માત્ર  A,B, C, D ને તેના સાદા શબ્દોમાં બી ફોર બોય જેટલું  આવડી જાય એટલે ભયો ભયો થઇ જતું, એ ગાળામાં વિઘાર્થી કયારે ભણીને મોટો થઇ જતો તે મા-બાપને પણ ખબર ન પડતી બાળકના ધોરણ પણ મા-બાપને યાદ ન હતા  છતાં એ બધા બાળકો ભલે ઓછું ભણ્યા પણ જીવનના ઘડતર સાથે ભણ્યા હતા.

જુની શાળા કે શિક્ષણના માઘ્યમથી તમામ ગુણો બાળક  શીખતો હતો. પ્રવાસમાં તો એટલી મઝા પડતી કે જાણે સ્વર્ગનો આનંદ મળ્યો

હોય, સાથે ભણતા ભાઇબંધો સાચા અર્થમાં ભાઇ જેવા હતા, કદાચ તેથી જ આજે પણ આપણી સાથે ભણતાને યાદ કરીએ કે કયારેક રસ્તે મળી જાય તો મઝા પડી જાય છે. હાલના દર અઠવાડીયે  લેવાતી ટેસ્ટ મૂલ્યાંકન છતાં ધો. પ ના ૧૧ વર્ષના છાત્રોને વાંચતા કે લખતા નથી આવડતું એ નગ્ન સત્ય છે. આજની અદ્યતન શાળાની ઘણી મુશ્કેલીઓ એ જમાનાની સાવ સામાન્ય શાળામાં હતી જ નહીં.

સાંજે ૪ વાગે સમુહમાં કવિતા, બાળગીતો, વાર્તામાં ‘ટેસડો’ પડી જતો તે બધાના વારા આવે એટલે ગાવું પડે તેથી આજે પણ કવિતા યાદ છે. ફળના નામ, પ્રાણીઓના નામ જેવી ઘણી વાતો સાથે ‘નાની મારી આંખ જોતી કાંઇક કાંઇક’ બાળ કાવ્યથી શરીર વિજ્ઞાન ભણી કે શીખી લેતા હતા. પ્રેરક પ્રસંગોને ગમતી વાર્તાને કારણે જીવનના મૂલ્યોનું શિક્ષણ મળી જતું ને પ્રેમ-હુંફ લાગણી, કરૂણા જેવા વિવિધ ગુણોનું બાળકોમાં સિંચન થઇ જતું, દફતર હતું જ નહી માત્ર થેલી કે ટીન-પતરાની પેટી જ હતી. તમામ ભણતર એમાં જ પુરૂ થઇ જતું હતું.

શનિવારની બાલસભા તો ખુબ જ ગમતી એમાં મોટા સાહેબ વાત કરે મહિલા શિક્ષકો બાળગીત ગવડાવે, સમુહમાં ઘડિયા ગાન કરાવે, છોકરાની ટોળી ભગવાનના ફોટા, સરસ્વતીજીના ફોટાને અગરબત્તી કરે ને પછી ‘પેલા મોરલાની પાસે બેઠા શારદા રે ’ ગીત ગવાતું ત્યારના વાતાવરણ લયની એક હાર્મની જોવા મળતી હતી. બાળકો ખંત-ઉત્સાહ  સાથે તમામ શાળાની પ્રવૃત્તિમાં જોડાતા હતા. વરસની બે જ પરીક્ષા કાચી પરીક્ષા એટલે છ માસિક ને પાકી પરીક્ષા એટલે વાર્ષિક પરીક્ષા હતી. કોઇ નાપાસ  થતું જ નહી, કારણ કે બધા જ બાળકોને તમામ વસ્તુ આવડતી હતી. શાળા ઇન્પેકશન વખતે બહાર મોટા સાહેબ વર્ગે વર્ગે જઇ તમામ બાળકને પૂછતાં

૧ થી ૧૦, ૧૧ થી ર૦, ર૧ થી ૩૦ જેવા તમામ ઘડિયા મોઢે આવડી જતાં જરોયા વાળી કે વગરની પાટીમાં ડબ્બીમાં પાણી પોતું રાખતાને ચોપડીમાં મ્હેંદી જેવા પાન જેને વિદ્યા કહેતા તે રાખતા, બોલપેન તો બહું મોટા થાય ત્યારે હાથમાં આવતી પાટી-પેન ને બાદમાં પેન્સીલ  જ શૈક્ષણિક સાધનો હતો. સુખી સંપન્ન ના પુત્રો કંપાસ રાખતા, એ જમાનામાં બાળકોને નાસ્તો કરાવવા બહુ જ લોકો આવતા, તહેવાર આવે એટલે મઝા જ પડી જાય, તમામ શિક્ષકો તહેવારની એટલી સરસ વાત કરતાં કે જાણે આપણે તે ઉજવી રહ્યા છીએ. બે વેકેશનમાં કશૂં જ નહીં ‘મામાને ઘરે’ પહોંચી જવાનું  ૧૦૦ ટકા નકકી જ હોય છેલ્લા દિવસે તો ‘મામાનું  ઘર કેટલું દિવો બળે એટલું’ હતાજેવી કવિતા મોટા અવાજે ગાતા બધા જ બાળકો શાળાનું બધુ કામ કરતા હતા જો કે શિક્ષકો પણ સાથે જોડાતા તેથી સૌ હોશે હોશે આ સહઅભ્યાસિક પ્રવૃતિમાં જોડાતા.

આજની શાળાને શિક્ષણના કારખાના કહેવાય ને જાુની શાળાને ‘જ્ઞાન મંદિરો’કહેવાતા, સાચે જ એ જ્ઞાન આપતા અત્યારે ગોખણ પટ્ટીની જીંદગીમાં ને પ્રશ્ર્નોના જવાબો શોધવામાં કયારે યુવાન થઇ જાય એ જ ખબર નથી રહેતી, અત્યારના શિક્ષણના તમામ અધરા શબ્દો ત્યારેય હતા પણ તેના નામ ન હતા જેમ કે ઉઘોગમાં આપણે પુંઠાના ઘર બનાવતા હતાને સાહેબને બતાવતા આજે તેને પ્રોજેકટ કહેવાય છે એટલો ફરક તો આટલા વર્ષે શું નવું આવ્યું તે નથી સમજાતું.

ઘણીવાર તો એકથી વધુ ધોરણના બાળકોને એક જ વર્ગમાં એક જ માસ્તર ભણાવતો જે  બહુ શ્રેણી વ્યવસ્થાનું નામ અપાયું છે આજે અસરકારક વર્ગ વ્યવસ્થા સાથે જીવનના તમામ પાસાનું શિક્ષણ એ જમાનામાં મળતું ભાગ્યે જ કોઇ છોકરો ગેર હાજર રહેતો વાલીને બહાર જવાનું હોય તો શાળાએથી જ બાળકને સાયકલ ઉપર દફતર સાથે બેસાડીને લઇ જતાં સૌથી સારી વાત કે ત્યારે ફાટલા કપડા પહેર્યા તો પણ ક્ષોભ લાગતો નહીં.

જાુની શાળાની વાતો વર્ષો ચાલે, એ વખતની તમામ સિસ્ટમ ફરી આવે તો જ શિક્ષણ સુધરે પણ આજે તો શિક્ષણમાં વ્યવસાય આવતાં બધુ જ ખોવાય ગયુંને અધુરામાં પુરુ નવી નવી ટેકનોલોજીએ દાટ વાળી દીધો બાળક એ માને ટયુશનમાં કે વિવિધ કલાસમાં સવારથી સાંજ મજુરની જેમ ઢસરડા કરતો જોવા મળે છે.

બાળપણ ખોવાયું

અત્યારની શાળામાં બાળપણ ખોવાયું છે. પહેલા રમતારમતા શિખવાની વાત આજે વિસરાય ગઇ છે. બધી જ અદ્યતન સુવિધા વચ્ચે શિક્ષણ ઝીરો થઇ ગયું છે. એ શાળામાં બધા જ બાળકો હોંશિયાર થઇ જતા તો અત્યારે કેમ નથી થતાં, કે વાંચતા કેમ નથી આવડતું જુના શિક્ષકોની કર્મ નિષ્ઠાની તુલનાએ અત્યારનો શિક્ષણ આવી શકે કે નહીં તે પણ યક્ષ પ્રશ્ર્ન છે. રિસેષની ધિંગા મસ્તીનો એક યુગ આજે સમાપ્ત થઇ ગયો છે.

‘કોઇ લૌટા દે…. મેરે બીતે હુએ દીને….’

Loading...