Abtak Media Google News

અલ્પેશ ઠાકોરે પેટમાં જઇ પગ પહોળા કરતા કોંગ્રેસની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી: જ્ઞાતિવાદ આધારિત રાજનીતિનો ખેલ ઉંધામાથે

ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ઓબીસી સિવાય ઈબીસીમાં પણ હવે હિસ્સો માંગ્યો છે. આ પરિસ્થિતિ પરથી લાગે છે કે શું કોંગ્રેસના ‘બાવા’ના બે ય બગડયા છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ઓબીસી અત્યારે ઓલરેડી ૨૭% અનામત ધરાવે છે ત્યારે તેથી કોંગ્રેસ માટે સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ થયો છે.

એક તરફ ‘પાસ’ સાથેની કોંગ્રેસની બેઠકનો કોઈ નિવેડો આવ્યો નથી. તેમજ બીજી તરફ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ઓબીસી સીવાય ઈબીસીમાં પણ હવે હિસ્સો માંગ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમીતી કોઈપણ ભોગે અનામત લેવા માટે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તેનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે. પરંતુ અલ્પેશ ઠાકોરે ઓબીસીમાંથી અનામત કવોટાનો હિસ્સો આપવાની વાત તો દૂર રહી પરંતુ તેના બદલે હવે ઈબીસીમાંથી પણ હિસ્સો માંગતા કોંગ્રેસ માટે ‘બાવાના બેય બગડયા’ એટલે કે, ‘ન ઘરના ન ઘાટના’ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

પાસ સાથેની બેઠકમાં એક તો પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતા હાર્દિક પટેલ હાજર રહ્યાં ન હતા. બીજી તરફ કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી બંધારણની મર્યાદામાં રહીને અત્યારની પરિસ્થિતિ જોતા પાટીદારોને અનામત આપવાની વાત કરી છે. જો કે, બુધવાર રાતની બેઠકમાં કોઈ જ નિવેડો આવી શકયો ન હતો. અલ્પેશ ઠાકોર સાથે પણ કોંગ્રેસ કોઈ જ લાભકારક વાટાઘાટ કે મંત્રણા કરી શકયો નથી. આજથી કોંગ્રેસ જાયે તો જાયે કહાં અથવા સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે.

ગત મંગળવાર કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની બેઠકને અલ્પેશ ઠાકોરે ઔપચારિક મીટીંગ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, હવે અમારે ઈબીસી એટલે કે ઈકોનોમીકલી બેકવર્ડ કલાસમાંથી પણ અનામતનો હિસ્સો જોઈએ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.