Abtak Media Google News

કોરોનાના દર્દીઓની હવે રોબોટ સારવાર, સુશ્રૃષા કરશે: કોરોના વોર્ડના પ્રવેશ દ્વારે જ થર્મલ સ્ક્રીનીંગ માટે પણ રોબોટની સેવા લેવાશે

તબીબો અને આરોગ્ય કર્મીઓને ચેપથી બચાવવા નવી ટેકનોલોજીનો ઉપયોગ

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર કરતા તબીબો, મેડિકલ સ્ટાફ કે અન્યને કોરોનાનો ચેપ ન લાગે તે માટે રાજ્ય સરકારે હવે રોબોટની સેવા લીધી છે. વડોદરાની સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં બે રોબોટ નર્સની સેવા લેવાનું નક્કી કરાયું છે.

કોરોના ચેપી રોગ છે અને સંસર્ગ થી પ્રસરે છે એટલે સારવાર કરનારા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ ચેપથી મુક્ત રહે અને દર્દીઓને મળતી સારવાર સેવામાં કોઈ ઉણપ ન રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રે સયાજી હોસ્પિટલના કોરોના વિભાગ માટે યાંત્રિક નર્સ એટલે કે બે રોબોટ નર્સની સુવિધા સહયોગી દાતાઓના માધ્યમથી ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત વોર્ડના  પ્રવેશ દ્વારે થર્મલ સ્ક્રીનીંગ માટે ઈ.એલ.સી.થર્મલ સ્ક્રીનીંગ રોબોટની સુવિધા પણ મળી છે.

ગાંધીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ રોબોટ નર્સ કેવી રીતે દર્દી સેવા કરશે એના નિદર્શન સાથે, એનું વિતરણ જી.આઇ.ડી.સી.ના વાઇસ ચેરમેન અને જી.સી.એસ.આર.એ.ના સી.ઇ.ઓ. એમ. થેનનારસને કર્યુ હતું. તેમણે કોવિડની આપદાને પહોંચી વળવામાં સી.એસ.આર.હેઠળ ઉદ્યોગો અને સંસ્થાઓના મળી રહેલા સહયોગને બિરદાવ્યો હતો.

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ ઝૂમ એપની મદદથી કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતેથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. સી.એસ.આર.હેઠળ આ સુવિધાની દાતા સંસ્થાઓ કલબ ફર્સ્ટ, એલ.એન્ડ.ટી. હાઇડ્રો કાર્બન એન્જિનિયરિંગના અધિકારીઓ, સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રાજીવ દવેશ્ચર, જિલ્લા આયોજન અધિકારી અને સી.એસ.આર.કો ઓર્ડિનેટર જીતેન્દ્ર રાવલ સહિત તબીબો સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષકની કચેરીમાં રહી તેમાં જોડાયાં હતાં.

કોવિડ-૧૯ એક પડકાર છે જેનો મુકાબલો સહુના સહયોગ થી વધુ અસરકારક રીતે કરી શકાશે એવી લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, કોવિડની સારવાર જેટલી જ અગત્યતા ચેપનો પ્રસાર રોકવાની છે. રાજ્ય સરકારે તબીબો અને આરોગ્ય કર્મચારીઓને ચેપમુક્ત રાખવા વિવિધ વ્યવસ્થાઓ કરી છે. રોબોટ નર્સ અને રોબોટ ગાર્ડ જેવા અદ્યતન ઉપકરણોથી આ વ્યવસ્થાની અસરકારકતા વધશે. તેમણે રાજ્ય સરકાર અને તમામ સહયોગી દાતાઓના સૌજન્યને બિરદાવ્યું હતું.

સોના ૨.૫ અને ૧.૫ સર્વિસ રોબોટ તરીકે ઓળખાતા આ રોબોટ નર્સ કોવિડના દર્દીઓને ભોજન આપવું, દવાઓ આપવી, એમના શરીરનું તાપમાન માપવું જેવી વિવિધ સેવાઓ આપી ચેપમુક્તિ જાળવવામાં ઉપયોગી બનશે. આ રોબોટ ગુજરાતી કમાંડ એટલે ગુજરાતીમાં મળતા આદેશો સમજી શકે છે એ એની ખાસ વિશેષતા છે.

જ્યારે ઈ.એલ.સી. કોવિડ-૧૯ સ્ક્રીનીંગ રોબોટ વોર્ડના પ્રવેશદ્વારે ગાર્ડ એટલે કે સુરક્ષાકર્મી જેવું કામ આપશે. તે દરવાજા પર પ્રવેશનારનું થર્મલ સ્ક્રીનીંગ એટલે કે તાપમાન માપવાની સાથે માસ્ક ડિટેક્ષન એલર્ટ આપશે અને સ્ટાફની હાજરી પણ પૂરશે, જેથી અનધિકૃત્ત પ્રવેશ અટકશે.

રોબોટ નર્સ સ્લામ તરીકે ઓળખાતી કૃત્રિમ બુદ્ધિમત્તાના આધારે કામ કરે છે. એ જે દર્દી સુધી જવાનું છે ત્યાં પહોંચવાનો રસ્તો નક્કી કરી શકે છે અને રસ્તામાં અડચણ જણાય તો રસ્તો બદલી ત્યાં પહોંચી શકે છે. આ ૧૦૦ ટકા મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે.

સ્ક્રીનીંગ રોબોટ માસ્ક પહેરો, હાથ સેનેટાઈઝ કરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો જેવા સંદેશ પણ આપી શકે છે. આ રોબોટ્સ ૨૪ કલાક કાર્યરત રહી શકે છે અને એક વાર ૨.૫ કલાક સુધી ચાર્જ કરવા થી ૮ થી ૯ કલાક સતત કામ આપે છે.

એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડટ રાજીવ દેવેશ્વરે સ્વયંચાલિત રોબોર્ટથી કોવીડ-૧૯ના દર્દીઓની સારવારમાં ઉપયોગીતા વિશે જણાવતા કહ્યુ કે, સી.એસ.આર. હેઠળ મળેલા આ રોબોર્ટની સેવા આઈ.સી.યુ અને આઈસોલેશન વોર્ડમાં લેવામાં આવશે. ખાસ કરીને આ રોબોટ દર્દીઓને દવાઓ, ભોજન વગેરે સેવામાં ઘણા મદદરૂપ બનશે. રોબોર્ટની વિશેષતા એ છે કે, કોવીડ-૧૯ના દર્દીઓની સારવાર દરમિયાન વચ્ચે ટેબલ-ખુરશી વગેરે વચ્ચે આવે તો તેની જાતે જ ઓળખ કરીને તેનો યોગ્ય માર્ગ શોધી શકે છે. તેમજ આ રોબોટસ આઇસોલેશન વોર્ડના મોટાભાગના વિસ્તારમાં સેવા આપવા માટે સક્ષમ છે.  ઉપરાંત એક થર્મલ સ્ક્રિનિંગ મશીન પણ એસ.એસ.જી. હોસ્પિટલે અર્પણ કરવામાં આવ્યું છે. આ મશીનના માધ્યમથી મદદથી લોકોએ માસ્ક પહેરેલું છે કે નહી?  અને ટેમ્પરેચર ચેક કરે છે. આમ, સ્વયંચાલિત આ મશીન દ્વારા જો માસ્ક ન પહેરેલું હોય અથવા નિયત તાપમાન કરતા વધારે ટેમ્પચર બતાવે તો તેમના પ્રવેશ અંગે રેડ સિગ્નલ બતાવે છે. ઉલ્લેખનીય છે કે, આ રોબોટસ અને સ્ક્રિનિંગ મશીન દ્વારા હોસ્પિટલની સુવિધામાં વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.